Columns

ન દેખાતાં પિંજરાં

એક વૈજ્ઞાનિકે કાચનાં પિંજરાં બનાવી ઉપરની એક બાજુ ખુલ્લી રાખી, ઉપર ઢાંકણ બનાવ્યું નહીં અને તળિયે અને આજુબાજુના કાચ પર થોડા દરિયાઈ સૃષ્ટિના રંગ સાથે મેળ ખાતા રંગનાં ટપકાં કર્યાં અને પછી મદદનીશને બોલાવીને કહ્યું કે, ચાલો આ પિંજરાં લઈને દરિયાકાંઠે જઈએ.

મદદનીશે રસ્તામાં પૂછ્યું, ‘સર, આપણે કોઈ પ્રયોગ કરવાના છીએ?’ વૈજ્ઞાનિકે કહ્યું, ‘હા,દરિયાઈ સૃષ્ટિ વિષે જાણવા માટે મારે અમુક જીવતી માછલીઓની જરૂર છે એટલે આપણે આ કાચનાં પિંજરાં દરિયામાં નાખીશું અને થોડી વાર પછી બહાર કાઢી લઈશું, પછી પ્રયોગ આગળ વધશે.’

મદદનીશે કહ્યું, ‘પણ સર, આ પિંજરાનું કોઈ ઢાંકણ નથી, તો માછલી અંદર કઈ રીતે પકડાશે? માછલી બહાર નીકળી નહિ જાય?’ પરંતુ વૈજ્ઞાનિકે કહ્યું, ‘ના, ના, ઢાંકણની કોઈ જરૂર નથી.’ મદદનીશ અવઢવમાં હતો. તેને સમજાતું ન હતું કે માછલી અંદર કઈ રીતે રહેશે.તેને કંઈ સમજણ ન પડતી ન હતી, તે ચુપચાપ વૈજ્ઞાનિક સાથે વહાણમાં ચઢ્યો અને તેઓ જેમ કહેતા હતા તેમ કરતો જતો હતો.વહાણને દરિયામાં મધ્યમાં  પહોંચ્યું અને ત્યાં વૈજ્ઞાનિકે વહાણને રોકી કાચનાં પાંજરા નીચે દરિયામાં ઊતર્યા અને થોડા સમય બાદ કાચનાં પાંજરાં બહાર કાઢ્યાં; બધાં પાંજરાંમાં માછલીઓ હતી.

મદદનીશ બોલી ઊઠ્યો, ‘સર આ કઈ રીતે શક્ય છે, મને આશ્ચર્ય થાય છે. વૈજ્ઞાનિક બોલ્યા, ‘શેનું આશ્ચર્ય થાય છે?’ મદદનીશે કહ્યું, ‘આ પિંજરાંઓમાં ઢાંકણાં નથી છતાં માછલીઓ કાચના પિંજરામાંથી બહાર કેમ નીકળી ન ગઈ.’ વૈજ્ઞાનિક બોલ્યા, ‘આ માછલીઓને ખબર જ નથી કે તેઓ કાચના પિંજરામાં છે.તેઓ અનાયાસે તરતાં તરતાં આ કાચના પિંજરામાં આવી ગઈ હશે ત્યારે પણ તેમને ખબર નહિ પડી હોય કે તેઓ કોઈ પિંજરામાં આવી ગઈ છે એટલે તેમણે બહાર નીકળવાનું વિચાર્યું જ નથી અને અત્યારે પણ તેમને ખબર નથી.’

મદદનીશે પૂછ્યું, ‘સર, આ કઈ રીતે શક્ય બને?’ વૈજ્ઞાનિક બોલ્યા, ‘દરિયાના પાણીમાં આ કાચના પિંજરાનો કાચ તેમને દેખાતો જ ન હતો એટલે તેમને એમ જ લાગતું હતું કે તેઓ મુક્ત દરિયામાં જ છે.’ મદદનીશ બોલ્યો, ‘હવે આ કાચની દીવાલ સાથે તેમનાં માથાં ભટકાશે ત્યારે ખબર પડશે.’ વૈજ્ઞાનિક બોલ્યા, ‘હા, હવે તેમને સમજાશે પરંતુ આપણે થોડી વારમાં પ્રયોગ કરી માછલીઓને પાછી દરિયામાં છોડી દઈશું.’

આ વૈજ્ઞાનિક પ્રયોગને માણસના મનોવિજ્ઞાન સાથે જોડીએ તો આપણે બધા આ સંસારસાગરમાં તરતાં માનવમત્સ્યો છીએ.આપણી આજુબાજુ અનેક માન્યતા, પૂર્વગ્રહો, સ્વાર્થ અને મોહમાયા જેવી અનેક કાચની દીવાલો છે અને જેની આપણને ખબર પણ નથી.આપણને તે દેખાતી નથી અને એટલે આપણે સમજીએ છીએ કે આપણે મુક્ત છીએ.પરંતુ હકીકતમાં આપણે બધા આવી ન દેખાતાં પિંજરાંઓની  દીવાલોના બંધનમાં છીએ. તેમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. કોઈ સાચા ગુરુનું માર્ગદર્શન જ આપણને ન દેખાતા બંધનમાંથી મુક્ત કરી શકે છે. 

            – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top