World

આંતરરાષ્ટ્રીય બાય બાય – 2022

રશિયા-યુક્રેન યુદ્ધ
આ વર્ષે ફેબ્રુઆરીમાં 21મી સદીમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તેવું બન્યું હતું. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું હતું. આ યુદ્ધ હજી પણ ચાલુ છે. યુક્રેન નાટોમાં જોડાવા માગે છે અને રશિયા તેની વિરુદ્ધ છે. આ યુદ્ધ રશિયા-યુક્રેન યુદ્ધ માટે ખૂબ જ વિનાશક સાબિત થયું છે. આમાં યુક્રેનના ઘણા મોટા શહેરો ખંડેર થઈ ગયા હતા, જ્યારે હજારો રશિયન સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધને કારણે પશ્ચિમ તરફથી રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેના કારણે રશિયાની અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો હતો. સાથે જ આખી દુનિયા આ યુદ્ધની કિંમત ચૂકવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકાએ લાદેનની જેમ અલ-કાયદાના વડાને પતાવી દીધો
અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએએ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં અલકાયદાના વડા અયમાન અલ જવાહિરીની હત્યા કરી હતી. ઝવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલા હુમલામાં ચાર વિમાનોનું અપહરણ કરવામાં મદદ કરી હતી. જેમાંથી 2 એરક્રાફ્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર સાથે ટકરાયા હતા. ત્રીજું વિમાન અમેરિકાના સંરક્ષણ વિભાગ એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેંકવિલેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ આતંકી ઘટનામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. ડ્રોન હુમલા માટે અમેરિકાએ બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

લેખક સલમાન રશ્દી પર હુમલો
લેખક સલમાન રશ્દી જ્યારે અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં એક કાર્યક્રમમાં બોલવાની તૈયારીમાં હતા ત્યારે તેમને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. કટ્ટરપંથી સંગઠનોએ રશ્દીના માથા પર લાખો ડોલરનું ઈનામ મૂક્યું છે. 1989માં તેમની નવલકથા, શેતાની વર્સેસના પ્રકાશન પછી, જેને કેટલાક મુસ્લિમો દ્વારા નિંદાજનક માનવામાં આવી હતી. તત્કાલીન ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમેનીએ રશ્દીની હત્યા માટે ફતવો જારી કર્યો હતો. વિવિધ ઇરાની સંગઠનોએ 75 વર્ષીય ભારતીય મૂળના લેખકની હત્યા બદલ 30 લાખ ડોલરથી વધુનું ઇનામ આપ્યું હતું. રશ્દી ઘણા વર્ષો સુધી બ્રિટીશ સરકારના રક્ષણ હેઠળ ભૂગર્ભમાં રહેતા હતા અને 2000માં યુ.એસ. ગયા હતા અને ત્યારથી તેઓ જાહેર જીવન જીવી રહ્યા છે.

ચાર્લ્સ શોભરાજનો છૂટકારો
17 વર્ષથી નેપાળની જેલમાં બંધ અને ફ્રાન્સના સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજને તાજેતરમાં નેપાળની જેલમાંથી મુક્ત કરી ફ્રાન્સ રવાના કરી દેવાયો.

થાઇલેન્ડની નર્સરીમાં ગોળીબાર: 35નાં મોત
થાઇલેન્ડની એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 22 બાળકો સહિત ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા. પ્રિસ્કૂલમાં ગોળીબાર થયા બાદ હુમલાખોર, એક ભૂતપૂર્વ પોલીસ કર્મચારી હતો, તે તેના ઘરે પહોંચ્યો હતો અને પોતાને ગોળી મારતા પહેલા તેની પત્ની અને બાળકની પણ હત્યા કરી હતી.

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન અને ઇમરાન પર હુમલો
પાકિસ્તાન માટે 2022નું વર્ષ એકદમ નાટકીય રહ્યું છે. ઈમરાન ખાને સત્તા ગુમાવી. તેમની જગ્યાએ શેહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા હતા. શેહબાઝ નવાઝ શરીફના ભાઈ છે ઇમરાન ખાનનું નામ પાકિસ્તાનમાં ચૂંટાયેલા વડા પ્રધાનોની યાદીમાં સામેલ થયું હતું, જેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. 11 એપ્રિલના રોજ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)એ અવિશ્વાસ મત દ્વારા ઇમરાન ખાનને સત્તામાંથી બહાર કરી દીધા હતા, ત્યારે અડધી રાત સુધી અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની સંસદમાં ચર્ચા થઇ હતી. બાદમાં ઇમરાન ખાન પર હુમલો થયો અને પગમાં ગોળી વાગી.

અમેરિકામાં ગોળીબારોની ઘટના ચાલુ રહી
અમેરિકામાં ગન કન્ટ્રોલની વાતો વચ્ચે 2022માં પણ સામૂહિક હત્યાના બનાવો બનતા રહ્યા. બફેલો શહેરમાં 18 વર્ષના એક છોકરાએ 10 અશ્વેતોને ઠાર માર્યા. તો ટેક્સાસની સ્કૂલમાં શૂટ આઉટની ઘટનામાં 18 વર્ષના છોકરાએ 19 બાળકો અને બે શિક્ષકોને મારી નાખ્યા.

અમેરિકા અને ચીનના સંબંધો વણસ્યા
અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીએ ઑગસ્ટમાં તાઇવાનની મુલાકાત લેતા ચીનને પેટમાં દુ:ખ્યું અને અમેરિકી રાજદ્વારીઓ સામે પ્રતિબંધો મૂક્યા. જો કે બાદમાં બાઇડેન અને જિનપિંગની મુલાકાતથી અબોલા તૂટ્યા પણ.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતનો ચુકાદો બદલ્યો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે જૂનમાં 50 વર્ષ જૂનો ગર્ભપાત અંગેનો ચુકાદો બદલ્યો. હવે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર નહીં રહે. આની સામે ઘણા દેખાવો પણ થયા.

જિનપિંગને ત્રીજી ટર્મ
એક અઠવાડિયા સુધી ચાલેલી કોંગ્રેસ બાદ સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, શી જિનપિંગે ચીનના નેતા તરીકે ત્રીજી ટર્મ મેળવી હતી, જેમાં તેમણે શાસક કમ્યુનિસ્ટ પાર્ટી પર પોતાનું નિયંત્રણ મજબૂત કર્યું હતું. પ્રમુખ શીને બંધ બારણે થયેલા મતદાનમાં વધુ પાંચ વર્ષના કાર્યકાળ માટે પક્ષના મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, એટલે કે માર્ચમાં ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની વાર્ષિક બેઠકમાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાશે તે લગભગ નિશ્ચિત છે.

દક્ષિણ કોરિયામાં ધક્કામુક્કી: 158નાં મોત
દક્ષિણ કોરિયામાં સાંકડી ગલીમાં હેલોવીન પાર્ટી નિમિત્તે લાખેક લોકો ભેગા થયા અને નાસભાગ થતાં 158નાં મોત થયાં અને 200 ઘાયલ થયા.

ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મૅચ બાદ હિંસા: 135નાં મોત
ઇન્ડોનેશિયામાં સ્થાનિક ફૂટબોલ લીગમાં યજમાન અરેમા ટીમનો પરાજય થતાં મોટી સંખ્યામાં લોકો મેદાન પર ઘૂસી ગયા અને પોલીસ સાથે ઝપાઝપી થઈ. 135 લોકો મૃત્યુ પામ્યા.

શિંજો આબેની હત્યા
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન શિન્ઝો આબેનું 8 જુલાઈના રોજ એક પ્રચાર ભાષણ દરમિયાન નારા શહેરમાં ગોળીબાર બાદ અવસાન થયું હતું. આબે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હતા.

ટેક કંપનીઓમાં છટણી
ફેસબુક અને એમેઝોન, ટ્વીટર સહિતની ટેકનોલોજી કંપનીઓમાં 2022માં મોટા પાયે છટણીઓ થઈ. આ કંપનીઓએ લૉકડાઉન અને કોરોના નિયંત્રણો વખતે મોટા પાયે ભરતીઓ પણ કરી હતી. એલોન મસ્કે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટરનો કબજો સંભાળ્યાના થોડા જ સમયમાં, તેમણે કંપનીના 50 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને ઓછામાં ઓછા 4,400 કરાર આધારિત કામદારોને છૂટા કર્યા હોવાના અહેવાલ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે કંપની લગભગ 11,000 કર્મચારીઓની છટણી કરશે.

Most Popular

To Top