Editorial

સુદાનમાં બે લશ્કરી દળો વચ્ચેની લડાઇમાં નિર્દોષ પ્રજા પીસાઇ રહી છે

આફ્રિફન દેશ સુદાનમાં એક વિચિત્ર પ્રકારની લડાઇ ફાટી નિકળી છે. ત્યાં દેશનું લશ્કર અને રેપિડ સપોર્ટ ફોર્સીસ(આરએસએફ) નામનું એક અર્ધલશ્કરી દળ એક બીજા સામે જંગે ચડ્યા છે અને તેઓ એકબીજા પર ફક્ત ગોળીબાર જ નથી   કરતા, તોપમારો પણ કરી રહ્યા છે અને હવાઇ હુમલાઓ પણ કરી રહ્યા છે. અને વધુ કરૂણ વાત તો એ છે કે આ લડાઇ તેઓ નાગરિક વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં પણ કરી રહ્યા છે અને તેમાં વગર વાંકે નિર્દોષ નાગરિકોનો ખો નિકળી રહ્યો   છે.

દેશની રાજધાની ખાર્ટુમ તથા અન્ય શહેરોમાં સુદાનીઝ લોકો તેમના ઘર તરફ રઘવાયા બનીને દોડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને મશીનગનો, ટેન્કો અને હવાઇ હુમલાઓ સાથે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં લડી રહેલા બંને   જૂથો વચ્ચેની લડાઇમાં માર્યા ગયેલઓનો આંકડો મંગળવારે ૧૮૫ પર પહોંચ્યો હતો. લડી રહેલા બંને જૂથો વચ્ચેના સામાસામા ગોળીબાર અને તોપમારાની અડફેટે આવી જવાથી મોટે ભાગે આ નાગરિકોનાં મોત થયા છે અને સુદાન ડોકટર્સ   સિન્ડિકેટ નામની ડોકટરોની સંસ્થાના એક પદાધિકારીએ તો જણાવ્યું હતું કે આ આંકડો ઘણો ઉંચો હોઇ શકે છે કારણ કે ઘણા મૃતદેહો શેરીઓમાં રઝળી રહ્યા છે અને લડાઇઓ ચાલુ જ હોવાથી તે મૃતદેહો લેવા માટે કોઇ પહોંચી શકતું નથી.

બે   પાડાઓની લડાઇમાં નિર્દોષ પ્રજાનો કેવો ખો નિકળી શકે છે તેનું આ વરવું ઉદાહરણ છે. અને લડી રહેલા સૈનિકોમાંથી કેટલાના મોત થયા છે તે અંગે તો કોઇ સત્તાવાર આંકડો જાહેર થયો જ નથી. અવદેયા મહેમૂદ કોકો નામની એક મહિલા, કે   જે ચા વિક્રેતાઓના યુનિયનની પ્રમુખ છે તેણે જણાવ્યું હતું કે બધી બાજુએ બંદૂકબાજી અને તોપમારો ચાલી રહ્યા છે. એક ઘર પર તોપગોળો પડતા ત્રણ જણા માર્યા ગયા હતા. પાડોશીઓ તેમને સમયસર હોસ્પિટલ પણ લઇ જઇ શક્યા ન હતા   અને પછી દફનાવવા પણ લઇ જઇ શક્યા ન હતા.

ખાર્ટુમ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં ૮૮ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ લડાઇ ફાટી નિકળી ત્યારથી ફસાઇ ગયા હોવાનું એક વિદ્યાર્થીએ એક ઓનલાઇન વીડિયો મૂકીને જણાવ્યું હતું. આ   લડાઇમાં એક ભારતીય નાગરિકનું પણ ક્રોસ ફાયરિંગની અડફેટે આવી જતા મોત થયું છે અને કેટલાક ભારતીયો ફસાયા હોવાનું પણ જાણવા મળે છે. એમ કહેવાય છે કે રેપિડ સપોર્ટ ફોર્સીસ નામના અર્ધ લશ્કરી દળને દેશના મુખ્ય લશ્કરમાં વિલિન કરવાની તૈયારી ચાલતી હતી. આ વિલિનીકરણ કઇ રીતે કરવું તેમાં મતભેદ સર્જાયા અને તેમાંથી આ લડાઇ ફાટી નિકળી.

મહિનાઓથી આ બંને   દળો વચ્ચે તનાવ ચાલી રહ્યો હતો એમ જાણવા મળે છે. દેશના લશ્કરી વડા અબ્દેલ અલ-બુરહાન અને આરએસએફના વડા હમદાન ડાગાલો વચ્ચે આમ તો મિત્રતા હતી, આ બંને દળોએ જ ભેગા થઇને સરમુખત્યાર પ્રમુખ ઉમર  અલ-બશીરને  ઉથલાવ્યા હતા. પરંતુ પછી વિલિનીકરણના મામલે શત્રુતા સર્જાઇ. આમાં કોણ સુપીરિયર રહે તે બાબતે અહમની ટક્કર શરૂ થઇ અને તેમાંથી લડાઇ ફાટી નિકળી. એમ પણ કહેવાય છે કે આ રેપિડ સપોર્ટ ફોર્સનો ઇતિહાસ ઘણો  ખરડાયેલો છે  અને તેણે અલગતાવાદી લડાઇ વખતે દારફર પ્રદેશમાં ઘણા અત્યાચારો કર્યા હતા.

હવે આ દળ સ્વાભાવિક રીતે પોતાનો હાથ ઉપર રાખવા માગતું હોય અને લશ્કર તેમ થવા નહીં દેવા માગતું હોય તેમાંથી લડાઇ શરૂ થઇ ગઇ.  પવિત્ર રમઝાન  મહિનો ચાલી રહ્યો છે તેનો પણ વિચાર કર્યા વગર આ મુસ્લિમ દેશમાં બંને દળો જંગલી રીતે બાખડી રહ્યા છે અને નિર્દોષ પ્રજાનો મરો થઇ રહ્યો છે. બે લશ્કરી જનરલો, બે નેતાઓના અહમની ટક્કરમાં ખાર્ટુમના રસ્તાઓ પર  અને અન્ય શહેરોના રસ્તાઓ પર જાણે મોતનું તાંડવ ખેલાઇ રહ્યું છે.

આરએસએફ ભલે અર્ધ લશ્કરી દળ હોય પણ તે ઘણુ શક્તિશાળી જણાઇ રહ્યું છે. તેની પાસે પણ શસ્ત્ર સરંજામ અઢળક જણાય છે અને દેશની અંદર, શહેરોના રસ્તાઓ પર  જાણે એક પુરા કદનું યુદ્ધ ખેલાઇ રહ્યું છે. આ પહેલા ભાગ્યે જ જોવા મળી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે જેમાં એક જ દેશના બે લશ્કરી દળો એકબીજા સાથે લડી રહ્યા છે. આમ તો સુદાનને હિંસક લડાઇઓની નવાઇ નથી, ત્યાં અગાઉ અનેક વિગ્રહો થઇ ચુક્યા છે પરંતુ આ વખતની આવી લડાઇ તેના માટે પણ અભૂતપૂર્વ છે જેમાં લશ્કર અને અર્ધલશ્કરી દળ જ એકબીજા સાથે બાખડી રહ્યા છે.

પરંતુ કરૂણ વાત એ  છે કે આ લડાઇ સરહદ પર નહીં પરંતુ શહેરોની અંદર ચાલી રહી છે અને નિર્દોષ લોકો ગોળીબાર અને તોપમારાની અડફેટે ચડીને મરી રહ્યા છે. યુએન સહિત અનેક સંસ્થાઓએ અને નેતાઓએ શાંતિની અપીલ કરી છે પરંતુ જંગે ચડેલા  લશ્કરશાહો માનતા નથી અને પ્રજાનો ખો નિકળી રહ્યો છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે બંને જૂથો ૨૪ કલાકના યુદ્ધ વિરામ માટે તૈયાર થયા હતા પરંતુ  તેના પછી પણ છૂટી છવાઇ અથડામણના અહેવાલ આવ્યા હતા. આશા રાખીએ કે આ  લડાઇનો સ્થાયી અંત આવે અને પ્રજાનો ખો નિકળતો બંધ થાય.

Most Popular

To Top