Editorial

ફરી એક વાર ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતના સ્થાનનો વિવાદ

ફરી એકવાર ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક ભૂખમરાનો સૂચકઆંક બહાર પડ્યો છે અને ફરી એક વાર તેમાં ભારતનું ખૂબ ખરાબ ચિત્ર રજુ થયું છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-૨૦૨૩માં ૧૨૫ દેશોમાં ભારતનો ૧૧૧મો ક્રમ આવ્યો છે જયારે કે અવિકસીત બાળકોનો દર ભારતમાં વિશ્વભરમાં સૌથી ઉંચો ૧૮.૭ ટકા છે. આ ઇન્ડેક્સ ગુરુવારે જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં ૧૨૧ દેશોમાંથી ભારતનો ૧૦૭મો ક્રમ આવ્યો હતો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(જીએચઆઇ) અથવા ભૂખમરાનો વૈશ્વિક સૂચકઆંક એ વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ભૂખમરાને સામૂહિક રીતે માપવાનું અને તેના પર નજર રાખવાનું એક સાધન છે.

આ સૂચકઆંકમાં ભૂખમરા સામેની લડતમાં સારો દેખાવ કરનાર દેશનો ક્રમ આગળ અને ખરાબ દેખાવ કરનાર દેશનો ક્રમ પાછળ આવે છે. આ સૂચકઆંક કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થંગરહિલ્ફ નામની બે યુરોપિયન બિન સરકારી સંસ્થાઓ દર વર્ષે તૈયાર કરે છે. ચાલુ વર્ષના આ સૂચક આંક એટલે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-૨૦૨૩માં ૨૮.૭ના સ્કોર સાથે ભારતનો ૧૧૧મો ક્રમાંક આવ્યો છે.

ભારતમાં ભૂખમરાનું એ સ્તર છે કે જે ગંભીર છે એમ આ ઇન્ડેક્સ પર આધારિત એક અહેવાલે જણાવ્યું હતું. ભારતના મોટા ભાગના પાડોશી દેશોએ આમાં ભારત કરતા સારો દેખાવ કર્યો છે. પાકિસ્તાન(૧૦૨મો ક્રમ), બાંગ્લાદેશ(૮૧), નેપાળ(૬૯) અને શ્રીલંકા(૬૦)એ આ ઇન્ડેક્સમાં ભારત કરતા વધુ સારો દેખાવ કર્યો છે. આમાં બીજા દેશોનું તો સમજ્યા પણ આર્થિક રીતે હાલમાં ભારે બેહાલી ભોગવી રહેલા પાકિસ્તાન કરતા પણ ભારત આટલું પાછળ આવે તે એક શંકા પ્રેરે તેવી બાબત છે. વળી, આ ઇન્ડેક્સમાં મોટે ભાગે બધા દેશોમાં તો સર્વે કરવામાં આવતો જ નથી. ગયા વર્ષે ૧૨૧ દેશો જ સમાવાયા હતા, આ વર્ષે ૧૨૫ દેશો સમાવાયા છે.

દક્ષિણ એશિયા અને સહારાની દક્ષિણે આવેલા આફ્રિકનો પ્રદેશ એ વિશ્વમાં ભૂખમરાનું સૌથી ઉંચુ સ્તર ધરાવતા દેશો છે જે દરેકનો જીએચઆઇ ૨૭ છે જે ગંભીર ભૂખમરો સૂચવે છે. ભારતમાં અવિકસીત બાળકોનો દર દુનિયામાં સૌથી વધુ ૧૮.૭ ટકા છે જે તીવ્ર કુપોષણ સૂચવે છે એમ આ ઇન્ડેક્સ પર આધારિત એક અહેવાલે જણાવ્યું હતું. અવિકસીતપણુ એ બાળકની ઉંચાઇના પ્રમાણમાં તેના વજનના આધારે માપવામાં આવે છે.

આ સૂચકઆંક મુજબ ભારતમાં કુપોષણનો દર ૧૬.૬ ટકા અને પાંચ વર્ષની નીચેની વયના બાળકોમાં મૃત્યુદર ૩.૧ ટકા છે. આ અહેવાલ એમ પણ જણાવે છે કે ૧૫ અને ૨૪ વર્ષ વચ્ચેની મહિલાઓમાં ઓછા લોહીનું પ્રમાણ હોવાનું પ્રવર્તન પ૮.૧ ટકા છે. ઘણા વર્ષો સુધી આગેકૂચ પછી વિશ્વમાં ભૂખમરાને નાથવાની બાબતમાં પ્રગતિ ૨૦૧પ પછી અટકી ગઇ છે એમ આ અહેવાલ જણાવે છે. ૨૦૧૫માં વિશ્વનો જીએચઆઇ સ્કોર ૧૯.૧ ટકા હતો જે ૨૦૨૩માં ૧૮.૩ ટકા છે. આ ઇન્ડેક્સની વિશ્વસનિયતા ઓછી તો જણાય છે છતાં તેના પરથી ભૂખમરાની વૈશ્વિક સ્થિતિનો કંઇક ખ્યાલ આવે છે.

વિશ્વભરમાં ભૂખમરા સામેની લડતને છેલ્લા કેટલાક વર્ષોમાં ફટકો પડ્યો છે તે જણાઇ આવે છે. ભૂખમરા અંગેનો આ સૂચકઆંક ભારત સરકારે ભૂલભરેલો ગણાવીને ફગાવી દીધો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઇન્ડેક્સમાં ગણતરીની પધ્ધતિની ઘણી ભૂલો જણાય છે અને તે મલિન ઇરાદાઓ સાથેનો જણાય છે. મંત્રાલયે કહ્યું હતું કે ગણતરી માટેના ત્રણ ઇન્ડિકેટરો તો બાળકોના આરોગ્યને લગતા છે અને તે સમગ્ર વસ્તીનું પ્રતિબિંબ પાડતા નથી અને ચોથું એ કે કુપોષિત વસ્તી જાણવા માટે ઓપિનિયન પોલ માત્ર ૩૦૦૦ લોકો પર કરવામાં આવ્યો હતો જે ઘણી જ નાની સંખ્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૩થી પાંચ વર્ષથી નાના બાળકોના આંકડા પોષણ ટ્રેકર પર ઉપલબ્ધ કરાવાયા છે અને તે સતત સુધારા પર છે. વળી બાળકો પાતળા કે ઓછા વજનના હોવા માટે ઘણા કારણો જવાબદાર હોય છે ફક્ત કુપોષણ નહીં. અને વળી બાળ મૃત્યુ એ ભૂખમરાનું પરિણામ છે એ માટેનો ભાગ્યે જ કોઇ પુરાવો છે એમ મંત્રાલયે કહ્યું હતું.

Most Popular

To Top