Columns

દેશનાં ડિફેન્સ એક્સ્પોર્ટમાં ભારતની આગેકૂચના લેખાંજોખાં…

આપણા દેશનાં ડિફેન્સ એક્સ્પોર્ટના આંકડા સતત વધી રહ્યા છે. 2021-22માં ભારત દ્વારા 12,815 કરોડ રૂપિયાની ડિફેન્સ સંબંધિત ચીજવસ્તુઓની નિકાસ થઈ અને આ વર્ષમાં એપ્રિલ-જૂન મહિનામાં આ આંકડો તેરસો કરોડની નજીક પહોંચ્યો છે. સામાન્ય રીતે ભારત ડિફેન્સ સંબંધિત આયાત કરવા માટે જાણીતું છે, પણ હવે તેમાં આપણે ‘આત્મનિર્ભર’ના માર્ગે જઈ રહ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતે ડિફેન્સની નીતિમાં ધરખમ ફેરફાર કર્યો છે અને ડિફેન્સના ક્ષેત્રમાં આવતી તમામ ચીજવસ્તુઓના મેન્ચુફેક્ચરીંગ, ટેક્નોલોજી અને ડિઝાઈનને લઈને પ્રોત્સાહન આપી રહ્યુ છે.

એટલું જ નહીં આ ડિફેન્સ બાબતે પ્રોડક્શન અંગે ભારત સરકારે ટાર્ગેટ પણ નિર્ધારીત કરી દીધો છે. 2025 સુધી આ ક્ષેત્રમાં ઉપયોગમાં આવનારાં સાધનોનું પ્રોડક્શન 1.75 લાખ કરોડ સુધી લઈ જવાનું છે, જ્યારે તેમાંથી નિર્યાત 35,000 કરોડ સુધી પહોંચાડવાની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘ મુજબ આ તમામ પ્રોડક્શનમાંથી રક્ષા મંત્રાલય અંતર્ગત આવતાં જાહેર સાહસોનો પ્રોડક્શનનો હિસ્સો 70-80 ટકા સુધી રહેશે. આ પૂરી વિગતથી ખ્યાલ આવે છે કે ભારત સરકાર હવે શસ્ત્રોના ઉત્પાદનમાં અગ્રગણ્ય બનવા માટે ડગ માંડી રહી છે.

શસ્ત્રો સંબંધિત અભ્યાસ અર્થે ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના અહેવાલ જાણીતાં છે અને તેમના અહેવાલ મુજબ 2017થી 2021 સુધી વિશ્વમાં શસ્ત્રોના આયાત કરનારાં દેશોમાં ભારત, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીનનો સમાવેશ થતો હતો. આ છ દેશો મળીને વિશ્વમાંથી 38 ટકા શસ્ત્રોની આયાત કરતા હતા. તેમાં ભારતનો હિસ્સો 11 ટકાનો હતો અને ચીનનો હિસ્સો હતો 4.9 ટકા. એ રીતે સમજી શકાય કે ભારત કેટલાં હદ સુધી અન્ય દેશો પર પોતાના ડિફેન્સ સંબંધિત બાબતોને લઈને આધારીત હતું. ભારતમાં શસ્ત્રોની આયાત સૌથી વધુ રશિયામાંથી થતી હતી. શસ્ત્રોનો આ વેપાર વૈશ્વિક છે અને તેની સાથે આંતરરાષ્ટ્રિય પરસ્પર સંબંધોનું ગણિતેય જોડાયેલું છે.

ભારત ડિફેન્સ બાબતે દાયકાઓ સુધી રશિયા પર અવલંબિત રહ્યું અને હવે તે યુરોપિય દેશો અને અમેરિકા તરફ પણ નજર કરે છે. વિશ્વમાં સૌથી મોટાં નિર્યાત કરનારાંઓમાં અમેરિકાનો હિસ્સો અડધોઅડધ કહી શકાય એટલો છે, મતલબ કે 40 ટકા જેટલો. તે પછી વિશ્વમાં ડિફેન્સના ચીજવસ્તુઓના નિર્યાતમાં પાંચમો હિસ્સો રશિયાનો છે, તે પછી ફ્રાન્સ આવે છે. ચીન-જર્મની સરખાં ભાગનું નિર્યાત કરે છે. આ પછી મોટાં ભાગના અન્ય યુરોપિય દેશો છે અને તેમાં બે અલગ દેશો જે દેખાય છે તેમાં એક ઇઝરાયેલ છે અને બીજું સાઉથ કોરિયા. આ રીતે પૂરા વિશ્વનું શસ્ત્રોનું નિર્યાતનું માર્કેટ છે.

ભારતે હવે રશિયા પછી જે દેશમાંથી સૌથી વધુ શસ્ત્રો ખરીદવાનું શરૂ કર્યું છે તે ફ્રાન્સ છે. પરંતુ હવે આપણે ડિફેન્સ બાબતે આયાત કરનારાં નહીં પણ નિર્યાત કરનારાં તરીકે ઓળખવામાં માંગીએ છીએ અને તે માટે ભારતના જાહેર સાહસ તરીકેની જાણીતી કંપની ‘હિન્દુસ્તાન એરોનેટ્સ લિમિટેડ’એ મલેશિયામાં પોતાની એક ઓફિસ સુધ્ધા ખોલી છે. આ ઓફિસ મુખ્યત્વે ભારતીય બનાવટના તેજસ ફાઈટર વિમાનના એક્સ્પોર્ટ કરવા માટેના ઉદ્દેશ્યથી ઉઘાડી છે. તેજસ સિંગલ એન્જિન ધરાવતું ફાઇટર વિમાન છે અને આ વિમાન અત્યાધુનિક છે. આ માટે ભારત સરકારે મસમોટી રકમ ફાળવીને તેનું જંગી ઉત્પાદન પણ શરૂ કર્યું છે.

ડિફેન્સ ક્ષેત્રે વર્તમાન સરકારે રસ દાખવવાનું તેમની પ્રથમ ટર્મમાં જ શરૂ કરી દીધું હતું, પણ 2019માં બીજી વાર જ્યારે ફરી સરકારને શાસન કરવાની તક મળી, તે પછી તેમાં જબરજસ્ત ઉછાળો દેખાઈ રહ્યો છે. 2020ના શરૂઆતમાં જ્યારે લખનઉમાં થયેલી ડિફેન્સ એક્સ્પોની તસવીરો સામે આવી ત્યારે તે તો નિશ્ચિત થઈ ગયું કે વર્તમાન સરકાર ડિફેન્સને લઈને આત્મનિર્ભર થવાના માર્ગે છે. આ ડિફેન્સ એક્સ્પોમાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસ લીધો હતો અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે પણ હાથમાં ગન લઈને ફોટોશૂટ કરાવ્યું હતું. શસ્ત્રો સાથે આટલું સહજ થવાનું ઊંચા પદે બિરાજેલા ભારતીય રાજકીય નેતાઓએ ટાળ્યું છે. પણ સમય સાથે આગેવાનો અને દેશની નીતિ બદલાઈ છે.

શસ્ત્રોના વેપારમાં દેશની આગેકૂચ સર્વસ્વીકાર્ય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં ભારત નબળા દેશ તરીકે પેશ આવતું રહ્યું છે. આક્રમક મોડ પર આપણો દેશ દેખાયો નથી. વર્તમાન સરકાર દેશની છબિ તેવી રાખવા માંગતી નથી. હરહંમેશ દેશ સશક્ત અને સલામત રહે, તેવું સરકાર પુરવાર કરવા માગે છે. ‘ડિફેન્સ એક્સ્પો’માં વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં આ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે, “આપણી અગાઉની નીતિ અને રાજનીતિ વિદેશી શસ્ત્રો ખરીદવા માટેની હતી, જે કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારો દેશ બન્યો છે. હવે ઉદ્દેશ વૈશ્વિક સ્તરે શસ્ત્રો નિર્યાત કરીને રોજગારીની તકો સર્જવાની અને અર્થતંત્રને ઉપર લાવવાનું છે.”

સરકારે આ માટે ખાનગી રોકાણકારોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અગાઉની સરકારે લીધેલા નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, ‘પી-75(1)’પ્રોજેક્ટ અંતર્ગત 50,000 કરોડમાં છ સબમરીન વિદેશની અલગ-અલગ કંપનીઓ પાસેથી ખરીદવાનું યુપીએ સરકારે ઠરાવ્યું હતું. એનડીએ સરકારે આ નિર્ણયને ફેરવી કાઢ્યો છે. તેના સ્થાને ‘લાર્સન એન્ડ ટુબ્રો’અને ભારત સરકારની ‘મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ને આ કામ સોંપ્યું છે.

જોકે હવે આ પ્રોજેક્ટમાંથી રશિયા માર્ગદર્શક તરીકે ખસી ગયું છે અને તેથી તેનું નિર્માણકાર્ય ટલ્લે ચઢ્યું છે, તેવા પણ અહેવાલ છે. સરકારનો દાવો એક બાજુ સંરક્ષણ ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચાડવાનો છે, ખાનગી રોકાણકારો માટે આ ક્ષેત્ર ખોલવાનો છે, અર્થતંત્રમાં તેનો સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો વધારવાનો છે, રોજગારી વધારીને મસમોટા ડિફેન્સ કોરીડોર સ્થાપવાનો છે. પણ જ્યારે આ પૂરી કસરતના લાભ તળના સૈનિકોને મળે છે કે નહીં તે તપાસીએ ત્યારે તેનો જવાબ શંકાના દાયરામાં આવે છે.

2020ના અરસામાં સંસદમાં મૂકવામાં આવેલા ‘ધ કમ્પ્રટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા’(કેગ)ના રિપોર્ટ અનુસાર સિયાચીનમાં તૈનાત જવાનો અપૂરતા સંસાધનો વચ્ચે કામ કરે છે. સિચાચીન અને લદાખ જેવાં ક્ષેત્રોમાં સૈનિકો વિષમ સ્થિતિમાં ફરજ બજાવે છે. અહીંયા સ્નો ગોગલ્સ અને વિશેષ પ્રકારના બુટ જોઈએ. ‘કેગ’ના રિપોર્ટ મુજબ બુટ, ગોગલ્સ સહિતની પ્રાથમિક સુવિધા સૈનિકોને મળી નથી! જે સ્લિપીંગ્સ બેગ્સ મળી છે તેની પણ ગુણવત્તા યોગ્ય જણાઈ નથી.

શસ્ત્રોનો ધંધો ધિકતો છે. તેમાં નફો માતબર છે. ભારત અત્યાર સુધી શસ્ત્રોનું નિર્યાત કરતું રહ્યું છે, પણ તેમાં ક્યારેય બિઝનેસ ઉદ્દેશ દેખાતો નથી. છેલ્લા પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જોઈએ તો 1995થી લઈને 2000 સુધી શસ્ત્રના વેપારમાં ભારત તરફથી જરાસરખો પણ વધારો થયો નથી. 2000થી 2005 સુધી પણ આ વેપારનો આંકડો વધ્યો નહોતો. પરંતુ ત્યાર બાદના પાંચ વર્ષ(2006-2010)સુધીમાં શસ્ત્રના વેપારમાં વધારો જોવા મળ્યો હતો. ફરી 2011થી લઈને 2014 સુધી આ વેપારમાં કોઈ વધારો નહોતો. 2014માં એનડીએ સરકાર આવ્યા બાદ વડા પ્રધાને જાતે આમાં રસ લઈને શસ્ત્રોનો બિઝનેસને વધાર્યો છે. છ વર્ષમાં વર્ષવાર શસ્ત્રોના બિઝનેસમાં ભારત આગળ વધી રહ્યું છે.

જોકે અહીંયા એ નોંધવું રહ્યું કે જે ઇરાદા-દાવા શસ્ત્ર વેપારમાં વડાપ્રધાન રાખે છે, તેની સત્યતા તપાસીએ ત્યારે આ ઇરાદા-દાવા પોકળ થવાની શક્યતા વધુ છે. વર્તમાન જમાનો અત્યાધુનિક શસ્ત્રોનો છે. તેમાં પણ અમેરિકા-ચીન-રશિયા જેવાં આ બિઝનેસના પાક્કા ખેલાડી તેમાં રોજબરોજ સંશોધન કરીને નવાં-નવા શસ્ત્રો લાવે છે. આની સામે સરકારી માળખાની મદદ લઈને વિશ્વમાં વેપાર કરવાનું કામ પડકારભર્યું છે. એક હદ સુધી સફળતા મળે, પણ તેમાં આપણા દેશે સતત ટકી રહેવું નિષ્ણાતોને અશક્ય લાગે છે.

અશક્ય લાગવાનું એક મહત્વનું કારણ દેશ માટે શસ્ત્ર બનાવનારી કંપની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન’ (ડિઆરડિઓ)ની મર્યાદા છે. 2008માં તેની મર્યાદા શું છે તે જાણવા માટે એક એક્સર્ટનલ કમિટિ પણ રચવામાં આવી હતી. આ કમિટિ અંતર્ગત ‘ડિઆરડિઓ’ના માળખાની ખામી શોધવાનું કામ થયું હતું. આ રિપોર્ટમાં બહાર આવેલી વિગત ગંભીર હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ડિઆરડિઓ’નો મુખ્ય પ્રશ્ન એચઆર મેનેજમેન્ટનો છે. આ ઉપરાંત, ‘ડિઆરડિઓ’માં ઇજનેર સંબંધિત ક્ષેત્રમાં પીએચ.ડી કર્યું હોય તેવાં વિજ્ઞાનીઓની ટકાવારી માત્ર ત્રણ ટકા છે! બાકીના સાઠ ટકા સ્ટાફ માત્ર સ્નાતક-અનુસ્નાતક થયેલો છે.

‘ડિઆરડિઓ’માં સાધનોની પણ કમી છે. રિપોર્ટમાં ‘ડિઆરડિઓ’ની તમામ વિભાગમાં મર્યાદા દર્શાવવામાં આવી હતી અને વ્યાવસાયિક વલણ અંગે સૌથી વધુ નબળાઈ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી. આ તમામ મર્યાદા આજે પણ લાગુ પડે છે. આ માળખામાં કોઈ ટાર્ગેટ મૂકવામાં આવે તો તે સર થવો અશક્ય છે. અંતે વાત શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં તે અંગેની. આપણો દેશ અત્યાર સુધી શાંતિદૂત બનીને વિશ્વમાં ઊભર્યો છે. વિશ્વશાંતિનો સંદેશ ભારતની ભૂમિ પરથી પ્રસર્યો છે તેવો દાવો આપણે કરીએ છીએ. સપ્ટેમબર, 2019માં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં પણ ‘અમે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે’તે વાત કરી હતી.

Most Popular

To Top