SURAT

વરાછાની ડાયમંડ કંપની પાસેથી મશીનરી ખરીદનાર 100 વેપારીઓને આઇટીની નોટિસ

સુરત : સુરત આવકવેરા વિભાગે અગાઉ વરાછા હિરાબાગમાં આવેલા ડીબીના હુલામણાં નામથી જાણીતી ડાયમંડ પેઢી પર સર્ચ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં હીરા જપ્ત કર્યાં હતાં. તે ઉપરાંત 10 લાખથી 80 લાખની કિંમતના પ્લાનર અને ગેલેક્ષી મશીન પર સ્થળ પર મળી આવ્યા હતાં. આવકવેરા વિભાગે તપાસ દરમ્યાન શોધી કાઢયું હતું કે કંપનીએ પ્લાનર અને ગેલેક્ષી મશીન ઓન રેકોર્ડ 100 જેટલાં વેપારીઓને વેચી દીધા હતા. જો કે ખરીદનાર વેપારીઓ આ મશીનરી લઈ ગયા ન હોવાથી ટેક્સ ચોરીની આશંકાએ આવકવેરા વિભાગે 100 જેટલાં વેપારીઓને મશીનરીની ખરીદીનાં ડોક્યુમેન્ટ સાથે ટેકસ ભરપાઈ કર્યાના ડોક્યુમેન્ટ રજૂ કરવાં નોટિસ ઈસ્યુ કરી છે. તેને લઈને જોબવર્કનું કામ કરાવનાર અને મશીનરી ખરીદ્યા પછી ડિલીવરી નહીં લેનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આવકવેરા વિભાગ એ તપાસ કરવા માગે છે કે મશીનરીના સોદા રોકડ થી થયા કે ચેક કરવામાં આવ્યા હતા અને તેને લગતાં ડોક્યુમેન્ટ વેચાણ કરનાર પાસે મળ્યાં નથી. પરંતુ તેના કોમ્પ્યુટર ડેટામાં આ સોદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મશીનરી ખરીદનાર વેપારીઓ આ ડાયમંડ પેઢીમાં જોબવર્ક નું કામ કરાવતા હોવાથી આવકવેરા વિભાગે છેલ્લાં ત્રણ વર્ષનાં જોબવર્કની ડિટેઈલ માંગી છે. અને જોબવર્કના કામ પછી વેંચાયેલા માલ પર ટેકસ ભરવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ કરી છે.

આ પેઢી પાસે હીરા ઉદ્યોગના 200 થી વધુ વેપારીઓ જોબવર્ક કરાવતાં હોવાથી આવકવેરા વિભાગે હીરાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. પરંતુ હીરા સંગઠનોની સરકારમાં રજુઆત પછી માલ જોબવર્ક નો હોવાથી તેનાં મુળ માલિકને પરત કરવા સરકારમાં રજુઆત થતાં જપ્તીના એક મહિના પછી જોબવર્કના હીરા આવકવેરાએ છૂટાં કર્યા હતાં.

આ પેઢીમાં સર્ચ કાર્યવાહી દરમ્યાન કર્મચારીઓએ આવકવેરાના ભયે એકાઉન્ટ બુક અને કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલો ડેટા ડિલીટ કરી દીધો હતો તેને પગલે ડેટા રીસ્ટોર કરવા આવકવેરા વિભાગને કેટલીક મહત્વની ટેકનોલોજી આયાત કરવી પડી હતી. તેને પગલે સર્વરની માહિતી મેળવવામાં આઈટી નિષ્ણાંતે સફળતા મળી હતી. કુલ 500 જેટલાં ઈમેઈલ આઈડી ખૂલતાં 300 કરોડના મશીનરીના સોદા અને 200 કરોડની ટેક્સ ચોરીની વિગતો આવકવેરાના વિભાગને મળી હતી.

Most Popular

To Top