Madhya Gujarat

ડાકોરમાં લાડુની પ્રસાદીના નામે ભક્તોના ખંખેરાતા ખિસ્સાં

નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં લાડુ પ્રસાદીના ભાવ વધારા બાદ ભક્તોના ખિસ્સાં ખંખેરાઈ રહ્યાં હોવાની બુમો ઉઠવા પામી છે. નક્કી કરાયેલાં ભાવ મુજબ ભક્તોને ૧૦ રૂપિયામાં એક નંગ અથવા તો ૨૦ રૂપિયામાં બે નંગ લાડુ આપવાને બદલે મંદિર મેનેજમેન્ટ દ્વારા વધારેલા ભાવ મુજબ ૫૦ રૂપિયામાં ૩ નંગ લાડુ ખરીદવા દબાણ કરવામાં આવે છે. જેને પગલે એક કે બે નંગ લાડુની જરૂરીયાત ધરાવતાં ભક્તોને પણ મોંઘાભાવથી ત્રણ નંગ લાડુ ખરીદવા પડે છે. મંદિર મેનેજમેન્ટની આવી ખોટી નિતીથી ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે, સાથે સાથે મંદિરની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી છે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. રવિવારે, વાર-તહેવારે તેમજ પુનમના દિવસે મંદિરમાં દર્શનાર્થે આવતાં ભક્તોની સંખ્યા લાખોમાં હોય છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં મોટાભાગના ભક્તો મંદિરમાંથી લાડુ પ્રસાદીની ખરીદી અચુક કરતાં હોય છે. જોકે, છેલ્લાં એકાદ મહિનાથી મંદિરમાં લાડું પ્રસાદી ખરીદી કરતાં ભક્તોને કડવા અનુભવો થઈ રહ્યાં છે.

મંદિરમાં લાડુ પ્રસાદીના કાઉન્ટર પરના કર્મચારીઓ દ્વારા ભક્તોને એક કે બે નંગ લાડુ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે અને ૫૦ રૂપિયામાં ૩ નંગ લાડુ ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. જેને પગલે એક કે બે નંગ લાડુ પ્રસાદની જરૂરીયાત ધરાવતાં ભક્તો નાછુટકે મોંઘાભાવના ત્રણ લાડુ ખરીદવા મજબુર બન્યાં છે. તો વળી કેટલાક ભક્તો લાડુ પ્રસાદીની ખરીદી કર્યા વિના જ પરત ફરી રહ્યાં છે. ત્યારે મંદિર મેનેજમેન્ટની આવી ખોટી નિતીને પગલે મંદિરની પ્રતિષ્ઠા પણ ખરડાઈ રહી હોવાનું ભક્તો જણાવી રહ્યાં છે.

Most Popular

To Top