Madhya Gujarat

ભાજપ-કોંગ્રેસ બન્નેમાં અસંતોષની જ્વાળા આગ બની, બન્ને પક્ષમાં બળવાની સ્થિતિ

ગોધરા: ચૂંટણીઓ માં રાજકીય પક્ષોમાં ટિકિટ લઈને પક્ષના કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની અને પંચમહાલ જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામોને લઈને બંને પક્ષના કાર્યકરોમાં નારાજગી વ્યાપી જવા પામી છે.

નારાજગી એટલા હદે વ્યાપી છે કે પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લા પંચાયતની ૩૮ બેઠકો , સાત તાલુકા પંચાયતની ૧૭૮ બેઠકો તેમજ ગોધરા નગરપાલિકાની ૪૪ બેઠકો અને શહેરા નગરપાલિકાની ૨૪ બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી  યોજાવાની છે.

આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસે ગોધરા નગરપાલિકામાં ભાજપ દ્વારા ૨૪ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા.

ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોના નામો સામે ગોધરા શહેર ભાજપના મહામંત્રી મુકેશભાઈ જયશવાલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં પસંદ કરાયેલા ઉમેદવારોમાં પક્ષમાં વર્ષોથી જોડાયેલા અને સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરીને અન્ય ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હોવાના આક્ષેપો કરી ગોધરા શહેર ભાજપ મહામંત્રીના પદેથી રાજીનામું આપી ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર બે માંથી અપક્ષ ઉમેદવાર તરીકે આજે પોતાનું ફોર્મ ભર્યું હતું.

બીજી તરફ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપ દ્વારા નક્કી કરાયેલી રણનીતિનું પાલનન કરવામાં આવ્યું હોવાનું જણાવી ભાજપ પક્ષમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું ત્યારે પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના લિસ્ટ બાબતે કોંગ્રેસ કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.

પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખે આક્ષેપ કર્યા હતા કે શહેરા વિધાનસભા બેઠકના ૨૦૧૭ના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ દ્વારા તેઓ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

જેને લઇને જીલ્લા પંચાયત ચૂંટણી માટે કોંગ્રેસ પ્રદેશ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટ પ્રમાણે પંચમહાલ જિલ્લામાં ટિકિટોની ફાળવણી કરવામાં આવી નથી. આમ પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ટિકિટોની ફાળવણી અંગે કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ અસંતોષ ચૂંટણીના પરિણામો પર કેટલો હાવી થાય છે તે ચૂંટણીના પરિણામો બાદ જાણી શકાશે.

ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ધ્વારા છ વોર્ડમાં પોતાના ૨૪ ઉમેદવારોની યાદીમાં સગાવાદ અને પૈસાવાદ ચલાવ્યો હોવાની ચર્ચા ચાલે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top