uncategorized

શહેરી સંસ્કૃતિ – સમાજ અને કળા તો જાણ્યાં હવે જાણો ‘આદિવાસી સંસ્કૃતિ – સમાજ અને કળા’

જેને આપણે અભણ કહીએ છીએ તે જીવન ભણેલા હોય છે. પોતાની અંદર જે, નૈસર્ગિક બળે, પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાપ્ત થાય તેને જીવતા હોય છે. ગુજરાતના યા દેશભરના આદિવાસી વિશે એમ કહી શકાય પણ આપણે એ લોકો પાસે, તેમની સંસ્કૃતિ, સમાજ અને કળા પાસે બહુ જતા નથી. તેમનાં નૃત્ય જુદાં, તેમનાં વાદ્યો જુદાં, તેમનાં ગાયન જુદાં, ગાયકી જુદી, તેમનાં ચિત્રો જુદાં, શિલ્પો જુદાં, શૃંગાર જુદા, આલેખ જુદા. તેઓનું આ બધું કાંઇ શહેરની ગેલેરીઓમાં જોવા ન મળે. મહેફિલોમાં માણવા ન મળે. તેઓને તો તેમનાં ઘર, આંગણ, ચોક જ કળા પ્રદર્શનનાં સ્થળ. બીજાઓ માટે નહીં, અંદરની ધૂનથી બધું કરે. કોઇ જોઇ – વખાણે એવા ભાવ નહિ.

આપણે ત્યાં સૌરાષ્ટ્રનાં લોકજીવનને, વિશેષ કરીને તેમના સાહિત્યને ઝવેરચંદ મેઘાણીએ લોકપ્રિયતા અપાવવા જેવું સમૃધ્ધ કામ કર્યું પણ આદિવાસી સમાજો માટે કામ કરનારા બહુ ઓછા અને તેમાં આવ્યા ડૉ. ભગવાનદાસ પટેલ. તેઓ આખી જિંદગી આદિવાસી ભોમકામાં જ રહ્યા અને તેમનું વિશિષ્ટ સાહિત્ય અને જીવન ગ્રંથ સ્વરૂપે બહાર લાવ્યા. જો કે આદિવાસી કળાઓ તેમના મુખ્ય કેન્દ્રમાં નહિ, આદિવાસી સાહિત્ય જ વધુ કેન્દ્રમાં. આદિવાસી કંઠ – પરંપરાની અનેક કૃતિઓ તેમણે શબ્દબધ્ધ કરી. વર્ષો પહેલાં ‘પીળી ભોમકા’ નામે એક ગ્રંથ પ્રગટ થયેલો. પછી જયોતિ ભટ્ટે આદિવાસી કળા વિશે છબીકાર, ચિત્રકાર તરીકે કામ કર્યું. આ દરમ્યાન જીવ્યા સોના મશે વડે વારલી ચિત્રકળાને રાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઇ. એમની રેખાંકન શૈલીના મૂળ મધ્યપ્રદેશમાં આવેલી દસેક હજાર વર્ષ પુરાણી ‘ભીમ બેટકા’ની ગુફાઓનાં ચિત્રોમાં છે એવું અભ્યાસીઓએ નોંધ્યું. જીવ્યા સોમા મશેએ તો એ ગુફાઓ જોઇ નહોતી પણ આદિવાસી સૃજને આપોઆપ અનુસંધાન રચી દીધું. હમણાં ડૉ. ભગવાનદાસ લિખિત ‘આદિવાસી સંસ્કૃતિ – સમાજ અને કળા’ ગ્રંથ કલા પ્રતિષ્ઠાને ‘કલાગ્રંથ’ – ભાગ-૩૩ તરીકે પ્રગટ કર્યો છે. ૩૧૨ પૃષ્ઠનું આ પુસ્તક સમગ્રતાથી અને નાની વિગતો, કથાઓ સાથે આદિવાસી સંસ્કૃતિના વિશેષોને પ્રગટ કરે છે. સાથે જ તેમની કળાઓ અને કળાવિધિનો ય પરિચય કરાવે છે.

કલા પ્રતિષ્ઠાને કલાગ્રંથ-૩૩ તરીકે પ્રગટ કરેલો આ ગ્રંથ ગુજરાતની ઓળખ વધુ સમૃધ્ધ બનાવે છે

ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ અને સમાજ કેવો ભાતીગળ અને સમૃધ્ધ છે તેનો દરેક પૃષ્ઠે પરિચય બંધાતો જશે. ડૉ. ભગવાનદાસ પટેલનું કામ એવું છે કે કોઇ સંસ્થામાં બેસી, મ્યુઝિયમમાં જઇ સંશોધન કરવાથી શકય નથી. તેઓ જીવાતી જીવનરીતિ સાથે કળા અને સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. આ પુસ્તકમાં તેમનું ‘લેખકીય’ વાંચતા સમજાશે કે કેવા સંદર્ભો વડે તેઓ અભ્યાસની ઇતિહાસ રેખા અને સંસ્કૃતિના મૂળને તપાસે છે. આ પુસ્તકનું એક જુદું મૂલ્ય એ કારણે પણ છે કે આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ હવે બદલાઇ રહી છે. અત્યારનો સમય તેમના જીવનનું અતિક્રમણ કરી ચૂકયો છે. આ ગ્રંથ આમ તો ડૉ. ભગવાનદાસ પટેલના અધ્યયનનું જ પરિણામ છે પણ ગ્રંથને શીર્ષક પ્રમાણે પૂર્ણતા આપવા જયોતિ ભટ્ટ, જયદેવ શુકલ, અરવિંદ ઘોષાલકર, અરવિંદ ભટ્ટ, રાજરત્ન ગોસ્વામીના લેખો પણ સમાવાયા છે.
જો ગ્રંથમાં રસિકતા, અધ્યયનદૃષ્ટિ અને સંસ્કૃતિખોજ સાથેના સમભાવ સાથે પ્રવેશ કરશો તો તે અત્યંત રોમાંચક પણ લાગશે. યુનિવર્સિટી, સંશોધન સંસ્થાના જ્ઞાન પહેલાં આદિવાસી સમાજે આદિમ કલ્પનાઓ વડે પ્રકૃતિનાં તત્ત્વોને ઓળખ્યાં છે ને તેની કથાઓ રચી છે. વેદોમાં જેનો ‘નિષાદ’ પ્રજાતિ તરીકે ઉલ્લેખ થયો છે એ જ કેવી રીતે આદિવાસી છે તેને ભાષાવિજ્ઞાન વડે સમજાવે છે. ભીલની ઓળખ પણ એ રીતે સ્પષ્ટ કરે છે. ક્રમિક રીતે આ અભ્યાસને તેઓ ગુજરાતના ૨૯ જેટલા આદિવાસી સમુદાયોમાં વર્ગીકૃત કરે છે. પછી આ આદિવાસી જાતિઓનો રસપ્રદ પરિચય પણ કરાવે છે. તેમના પહેરવેશ, કાર્યો, લગ્ન વ્યવહાર, દેવો ને નૃત્યોને ઓળખાવે છે. ભીલોનો પરિચય એવો જ રોમાંચક જણાશે. તેમની જીવનરીતિ, આભૂષણો, ખોરાકની વિગતો ય જાણવા જેવી છે. દારૂ (હેંરો) તેમનું પ્રિય પીણું છે એવું કહ્યા પછી તે કેવી રીતે બને અને પહેલી ધારનો દારૂ જમીનમાતા, મેલાં દેવ-દેવીઓને ચડે એવી માહિતી સાથે આ દારૂની તેમના જીવન-ઉત્સવમાં કેવી મહત્તા છે તે કહે છે. આદિવાસીઓનાં હથિયારો અને વાદ્યો પ્રકૃતિમાંથી બનેલાં છે. તેઓએ બજાર પાસે જવું નથી પડતું. તેઓનાં કળા – કૌશલ્ય પણ કોઇ પ્રશિક્ષણ સંસ્થામાંથી નથી આવ્યાં. તેમના મનોરંજન પણ પોતીકા છે. ભગવાનદાસ ભાઇએ તેમનાં વાદ્યોનો પરિચય સતસવીર કરાવ્યો છે.

આ ગ્રંથ તમને એક જુદા જ જગતમાં, વ્યવહારને જીવનરીતિમાં લઇ જશે. આદિવાસીઓનાં જન્મ- લગ્ન – મરણનાં રીતરિવાજોનો અભ્યાસ કરવા જેવો છે કારણ કે તે તેમણે પોતાના વ્યવહારિક પ્રશ્નોમાંથી સર્જયા છે. તેઓ કોઇ સરકારી નિયમોને વશ નથી, તેમનાં પોતાનાં જ બંધારણો છે એ જાણી થશે કે માનવસમાજ પોતાની રીતે પણ દેશમાં દેશ સર્જી લે છે. તેમને સંસ્કૃત સમાજના દેવ-દેવીઓનો પણ ખપ નથી. ફાગણથી ચૈત્રના મહિના તેમના ઉત્સવોના છે. આ રીતે અહીં બીજા મહિનાઓ અને ઉત્સવોનું ય મહાત્મ્ય અંકાયું છે. તેમનાં નૃત્ય – નાટય – વેશ ધર્મ સાથે જ જોડાયેલાં છે. તેઓના વેશના પ્રકાર દસ છે. ભીલ આદિવાસીઓનો મુખ્ય મહોત્સવ ‘ગવરી’ છે. આ ઉત્સવ ભાદરવા સુદ એકમથી આસો સુદ અગિયારસના સૂર્યોદય સુધી પૂરા ૪૧ દિવસ ચાલે. લેખકની નોંધ છે કે, ‘અનેક લોકનાટ્‌યોથી સંલગ્ન અને ૬૦ થી ૧૦૦ જેટલા નટથી પ્રદર્શિત થતો ભારત દેશનો અદ્વિતીય લોકોત્સવ છે!

આદિવાસી ચિત્રકલામાં વારલી વિશેષ છે પણ તેમનાં ભીંતચિત્રો, તેમાંનાં પ્રતીકોનું ય મહત્ત્વ છે. પીઠોરા નામના તેમનાં ભીંતચિત્રો અને તેની કથાવસ્તુ આદિવાસી નેરેટિવને ઓળખાવે છે. આ બધું આ ગ્રંથમાં અનેક ફોટોગ્રાફસ વડે અંકિત છે એટલે વાચકને એક પ્રમાણ પણ મળશે. આખા ગ્રંથમાંથી પસાર થતાં તમને ડૉ. ભગવાનદાસ પટેલના અધ્યયન – અભ્યાસ – નિરીક્ષણમાં તેઓનું આદિવાસી સમાજમાં કેવું અવગાહન છે તે સમજાશે. મઝાની વાત એ કે તેની તેઓ જાણે શાસ્ત્રોકત પ્રણાલી સ્થાપી આપે છે. કલા પ્રતિષ્ઠાનના રમણીક ઝાપડિયાને આ ગ્રંથ પ્રગટ કરવાનો વિચાર આવ્યો એ જ તેમની કળાદૃષ્ટિ અને સમાજ – સંસ્કૃતિ દૃષ્ટિનો પરિચય છે. ગુજરાતને સમગ્રતાથી ઓળખવું હોય તો આ ગ્રંથ પણ ખૂબ જરૂરી છે.

Most Popular

To Top