Charchapatra

રૂપિયો મજબૂત હશે તો દેશ વધુ મજબૂત બનશે

ચીન સામે  ભારતની વેપાર ખાધ 100 અબજ ડોલર જેટલી થઈ છે જે ભારતના અર્થતંત્રને નુકસાનકર્તા છે. આપણા  દેશની નિકાસ કરતાં આયાત વધુ હોઈ આપણા દેશનો રૂપિયો નબળો પડે છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડિયાનું જે સૂત્ર આપ્યું છે તે મુજબ તો કોઈ કામ થઈ શકયું નથી અને આગળ પણ માલનું ઉત્પાદન થાય એવા કોઈ પણ પ્રોજેક્ટ શરૂ થયા હોય તેવું દેખાતું નથી. આપણે ચીનને ટક્કર આપી શકીએ તેવી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતો કેટલોક માલ સામાન  બનાવી શકતા નથી તેથી તે આયાત કરવો પડે છે જેને કારણે આપણું ઘણું  વિદેશી હુંડિયામણ ખર્ચાઈ જાય છે.

ચીન સરહદ પર દુશ્મની રાખે છે  અને આપણી જમીન હડપવાના પ્રયાસો કરતું રહે છે અને બીજી તરફ ભારત સાથે અબજો ખરબોના માલ સામાન નિકાસ કરી તગડી કમાણી કરી શસ્ત્રો વિક્સાવી ચીન બન્ને તરફથી ભારતને ખોખરું કરતું જાય છે તે સત્ય હકીકત છે. હવે સરકાર આપણી જરૂર મુજબનો માલસામાન આપણે ત્યાં જ ઉત્પાદન કરવા તરફ ધ્યાન આપે તે જરૂરી છે અને  તે માટે ભારતીય ઉત્પાદકો આગળ આવે અને પ્રોત્સાહક નીતિ બનાવી આપણે ત્યાં જ આપણા વપરાશમાં આવતા તમામ  માલસામાનનું  તાકીદે ઉત્પાદન શરૂ થાય તે મુજબનું આયોજન કરવું જરૂરી છે. આપને આયાતકર્તા નહીં, પરંતુ નિકાસ કર્તા બનવાની જરૂર છે. જો દેશનો રૂપિયો મજબૂત હશે  તો  દેશ પણ  વધુ મજબૂત બનશે.
સુરત    – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દીકરી વહાલનો દરિયો

દીકરી પર આમ તો સાહિત્યમાં ઘણું બધું લખાયું છે. પરંતુ સાચે જ દીકરી માટે ખૂબ જ સારો કહી શકાય તેવો સમય હવે આવ્યો છે. વધુ નહીં ફક્ત બે દશક પહેલાંની પણ વાતો કરીએ તો દીકરી માટે આજે જે સ્વતંત્રતા છે તેની અડધી પણ નહોતી. આજે તો સરકાર હોય કે સમાજ કે પછી સામાન્ય પરિવાર, દરેક સ્થાને દીકરી અને દીકરો સમાન છે તેવી લાગણી ઉદ્ભવી છે. શિક્ષણ અને બીજા તમામ ક્ષેત્રમાં દીકરી દીકરાની બરાબરી કરી શકે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. ખરેખર જુના કુરિવાજોના પંજામાંથી મુકત થઇ દીકરી આજે માનભેર જીવન જીવવા માટે સ્વતંત્ર બની છે. સમયની સાથે આજની દીકરી વધુ પરિપકવ બની પરિવાર,સમાજ અને દેશના ગૌરવમાં વધારો કરી રહી છે. સાચા અર્થમાં દીકરી વહાલનો દરિયો બની રહી છે.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top