Columns

કોરોનાની રસી લેનારા ૧૦૨ કરોડ ભારતીયોનો ડેટા કેવી રીતે લિક થયો?

ભારતમાં નાગરિકો દ્વારા સરકારને આપવામાં આવતો અંગત ડેટા લિક ન થાય તે માટેના કાયદાઓ અત્યંત નબળા છે. સરકાર દ્વારા આધાર કાર્ડ, પાન કાર્ડ, વેક્સિન કાર્ડ કે તેવો કોઈ પણ ડેટા માગવામાં આવે ત્યારે બાંયધરી આપવામાં આવે છે કે તે ડેટા સરકારના હાથમાંથી કોઈ બીજા હાથમાં જશે નહીં; પણ આ બાંયધરીનું પાલન કરવામાં સરકાર પાંગળી પુરવાર થઈ રહી છે. ભૂતકાળમાં ભારતનાં નાગરિકોનો આધાર કાર્ડનો ડેટા લિક થયો હતો. તેવી જ રીતે તાજેતરમાં ટેલિગ્રામની એક ચેનલ દ્વારા વેક્સિન લેનારા ૧૦૨ કરોડ ભારતીયોનો સંવેદનશીલ ડેટા લિક થઈ ગયો છે. આ ભારતીયોમાં સંસદસભ્યો અને પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.

ટેલિગ્રામના ‘બોટ’ ઉપર ભારતના કોઈ પણ નાગરિકનો ફોન નંબર આપવામાં આવે તો તેનું નામ, સરનામું, જન્મતારીખ, આધાર કાર્ડનો નંબર વગેરે વિગતો આંખના પલકારામાં આપી દેવામાં આવતી હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેના કહેવા મુજબ ભારતમાં વેક્સિન લેનારા ૧૦૨ કરોડ નાગરિકોનો ડેટા ‘કોવિન’નામના પ્લેટફોર્મ પર ચડાવવામાં આવતો હોય છે. વર્ષ ૨૦૨૧માં પણ ‘કોવિન’ પરનો ૧૫ કરોડ ભારતીયોનો ડેટા લિક થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વખતે કોઈએ આખું ‘કોવિન’પોર્ટલ હેક કરીને તેના ડેટાનો વેપાર શરૂ કર્યો હતો.

ટેલિમાર્કેટિંગ કરતી કંપનીઓ માટે તો આ ડેટા સોનાની ખાણ જેવો પુરવાર થયો હતો. તેનો ઉપયોગ કરીને તેઓ કરોડો લોકો સુધી પોતાની જાહેરખબરો પહોંચાડી શકતી હતી. એક મલયાલમ દૈનિકમાં આ સમાચાર પ્રગટ થયા તેને પગલે ભારત સરકાર સફાળી ઊંઘમાંથી જાગી હતી અને તેણે ટેલિગ્રામની ચેનલ બ્લોક કરી દીધી હતી. જો કે ત્યાં સુધી કરોડો લોકોનો ડેટા માર્કેટમાં ફરતો થઈ ગયો હતો. ભારતનાં જે નાગરિકોનો ડેટા સરકારની અણઆવડતને કારણે લિક થયો તેમની પાસેથી તેઓ કોઈ વળતર મેળવી શકે તેમ નથી; કારણ કે ભારતના કાયદાઓમાં તેવા પ્રકારની કોઈ જોગવાઈ જ નથી.

ભારત સરકાર દ્વારા ભલે ગમે તેટલા દાવાઓ કરવામાં આવે તો પણ ભારતનાં નાગરિકો દ્વારા સરકારને આપવામાં આવેલો ડેટા સલામત નથી. આજે કોઈ પણ બેન્કમાં ખાતું ખોલાવવું હોય તો પાન કાર્ડ માગવામાં આવે છે અને પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવાનું કહેવામાં આવે છે. જો બેન્કનું એકાઉન્ટ પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિન્ક હોય તો કોઈ પણ હેકર પાન કાર્ડ કે આધાર કાર્ડના નંબરના આધારે બેન્કનો એકાઉન્ટ નંબર જાણી શકે છે. તેને કારણે બેન્કનું ખાતું પણ ખાલી થઈ શકે છે. કોવિન પ્લેટફોર્મ હેક થવાથી ટેલિગ્રામ ચેનલ પર પી. ચિદમ્બરમ અને જયરામ રમેશ જેવા રાજકારણીઓ ઉપરાંત બરખા દત્ત અને રાજદીપ સરદેસાઈ જેવા પત્રકારોનો ડેટા પણ લિક થઈ ગયો હતો. તેમના ફોન નંબરને બદલે આધાર નંબર નાખવામાં આવે તો પણ બધી વિગતો મળી જતી હતી. આ વિગતોમાં તેમના પાસપોર્ટ નંબર વગેરેનો પણ સમાવેશ થતો હતો.

આપણા દેશમાં કોઈ સરકારી સંસ્થાને કે ખાનગી સંસ્થાને આપવામાં આવેલો ડેટા લિક થઈ જાય તેની કોઈ નવાઈ નથી. ૨૦૨૧ના મે મહિનામાં ડોમિનોસ પિઝા નામની કંપનીને આપવામાં આવેલા ૧૮ કરોડ ઓર્ડરોનો ડેટા લિક થઈ ગયો હતો. તેમાં ક્યા ગ્રાહક દ્વારા કઈ વાનગીનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેની વિગતો ઉપરાંત તેના મોબાઇલ નંબરો, ઇમેઇલ એડ્રેસો, ક્રેડિટ કાર્ડની વિગતો વગેરે બહાર આવી ગયા હતા. તેવી જ રીતે ૨૦૨૧ના મે મહિનામાં એર ઇન્ડિયામાં નિયમિત મુસાફરી કરતાં ૪૫ લાખ ગ્રાહકોનો ડેટા બજારમાં વેચાવા આવ્યો હતો. તેમાં મુસાફરનાં નામો ઉપરાંત તેમના મોબાઈલ નંબરો, પાસપોર્ટ નંબરો, જન્મ તારીખો, તેમણે ક્યારે, ક્યાંથી ક્યાં મુસાફરી કરી તેની વિગતો પણ લિક થઈ ગઈ હતી. જો કોઈ પ્રતિસ્પર્ધી વિમાન કંપનીઓના હાથમાં આ ડેટા આવી ગયો હોય તો તેઓ તેનો ઉપયોગ એર ઇન્ડિયાના ગ્રાહકોને તોડવા માટે કરી શકે.

આજકાલ લોકો દ્વારા ઘરે બેઠાં અનાજ, કરિયાણું વગેરેનો ઓર્ડર આપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેમાં પણ ગ્રાહકની સંવેદનશીલ માહિતી લિક થઈ જવાનો ડર રહેલો છે. ઓનલાઇન કરિયાણાની દુકાન ચલાવતી બીગ બાસ્કેટ નામની કંપનીના બે કરોડ ગ્રાહકોનો ડેટા ૨૦૨૦ના નવેમ્બરમાં લિક થઈ ગયો હતો. તેમાં ગ્રાહકોના ફોન નંબર, એડ્રેસ, પીન કોડ નંબર, જન્મતારીખ, ઇમેઇલ એડ્રેસ વગેરેનો સમાવેશ થતો હતો. ૧૫ જીબીના પેન ડ્રાઈવમાં આ ડેટા વેચાતો હતો. ૨૦૧૯ના ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધરાવતાં ૧૩ લાખ લોકોનો ડેટા લિક થઈ ગયો હતો. આ ડેટા એટીએમ મશીનો સાથે જોડવામાં આવેલાં સાધનો દ્વારા હેક કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા તેના નાગરિકોનો ડેટા આધાર કાર્ડના નામે ભેગો કરવામાં આવે છે, જેમાં નામ, સરનામાં, જન્મતારીખ અને બેન્કનાં ખાતાં નંબરો ઉપરાંત બાયોમેટ્રિક્સનો પણ સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે આધાર કાર્ડ માટે આપવામાં આવેલો ડેટા બિલકુલ સલામત છે, પણ હકીકત કંઈક અલગ જ છે. વર્ષ ૨૦૧૮માં ૧૩ કરોડ ભારતીયોના આધાર કાર્ડનો ડેટા લિક થઈ ગયો હતો. તેઓ વ્હોટ્સ એપના માધ્યમથી મામૂલી રકમ લઈને કોઈ પણ નાગરિકના આધાર કાર્ડનો ડેટા વેચતા હતા. હકીકતમાં આધાર કાર્ડનો ડેટા તૈયાર કરતી કંપની દ્વારા અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓને આધાર કાર્ડના ડેટા સુધી પહોંચવા માટેના પાસવર્ડ આપવામાં આવ્યા છે. તેઓ પણ આધારનો ડેટા લિક કરી શકે છે.

હમણાં હમણાં તમામ સરકારી યોજનાનો લાભ ઉઠાવનારાં નાગરિકોને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે છે. આ કારણે જનધન યોજના, ઉજ્વલા યોજના, મનરેગા કે ફસલ વીમા યોજનાનો લાભ લેનારાં નાગરિકોનો ડેટા સરકાર પાસે આવી જાય છે. આ ડેટાનો ઉપયોગ પણ રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવા માટે કરી શકે છે. તાજેતરમાં ભાજપના પ્રમુખ અમિત શાહે સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ લેનારાં ૨૨ કરોડ નાગરિકો સુધી પહોંચવાની ભાજપના કાર્યકરોને પ્રેરણા કરી હતી.

દેશનાં ક્યાં નાગરિકને સરકારની કઇ યોજનાનો લાભ મળ્યો છે? તેની વિગતો ભાજપના કાર્યકરો પાસે કેવી રીતે આવે? ભાજપના હાથમાં કેન્દ્ર સરકાર હોવાથી તેના હાથમાં આ વિગતો આવી ગઇ હોય તેવું બની શકે છે. સુપ્રિમ કોર્ટમાં આધાર કાર્ડનો ડેટા ચોરાઇ જવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો ત્યારે રાજકીય પક્ષો દ્વારા થનારા દુરુપયોગની કોઇને કલ્પના નહોતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ એપનો વિકાસ કરવામાં આવે છે, તેનો ડેટા પણ ચોરાઇ જવાનો ભય પેદા થયો છે. આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા તેની વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ લેનારા ૭.૮ કરોડ નાગરિકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો.

શાસક તેલુગુ દેશમ્ પાર્ટી દ્વારા આ ડેટાનો ઉપયોગ પોતાના પ્રચાર કાર્ય માટે કરવામાં આવ્યો હતો. આ ડેટાનું માઇનિંગ કરવાનું કામ આઇટી ગ્રીડ નામની ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું. તેણે સેવા મિત્ર નામની એપ દ્વારા આ ડેટાની ચોરી કરી હતી, જેનો ઉપયોગ તેલુગુ દેશમના પ્રચાર માટે કરવામાં આવ્યો હતો. સેવા મિત્ર એપના માધ્યમથી દરેક લાભાર્થીને તેલુગુ દેશમ પક્ષ દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો હતો. ભારતનાં નાગરિકોને તેના ડેટાની કિંમત ખબર નથી; માટે તેની સહેલાઈથી ચોરી થઈ જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top