Columns

ખૂંખાર ત્રાસવાદીઓને આપણી સુરક્ષા એજન્સી કે ગુપ્તર વિભાગ કરી રીતે શોધી કાઢે છે ?

સૌ પ્રથમ આપણે આ વાંચીએ…
* પાંચેક આતંક્વાદી પંજાબ બોર્ડરથી પાટનગર દિલ્હીમાં પ્રવેશ્યા હોવાની બાતમી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) તરફથી દિલ્હી પોલીસને મળી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી સંરક્ષણ દળોને સાબદા રહેવાની તાકીદ થઈ છે.
* છતીસગઢ અને પશ્ચિમ બંગાળથી નકક્ષલવાદીના બે અલગ અલગ ગ્રુપ બિહાર-ઓરિસામાં ત્રાટકે એવી સંભાવના છે…
* પાકિસ્તાનના 13 લશ્કરી જવાન ‘જૈશ-એ-મહમ્મદ’ના નામે જ્મ્મુ-કશ્મીરમાં આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. એમને શોધી કાઢવા આપણી ગુપ્તચર એજન્સીઓ સાબદી થઈ છે.

આવા અને આ પ્રકારના સમાચાર આપણને અવારનવાર અખબારોમાં વાંચવા અને ટીવી પર જોવા મળે છે. આ જોઈ-સાંભળીને મોટાભાગના લોકોને જિજ્ઞાસા થાય :
આવા દેશદ્રોહીઓનાં પગેરું આપણી સુરક્ષા એજન્સી કે ગુપ્તર વિભાગ કરી રીતે શોધી કાઢે છે ?
હવે આ સમાચારો પર નજર દોડાવો.
*’મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન’પર બહારગામથી આવેલા મુસાફરોની ભીડમાંથી ચાર શંકાસ્પદ શખ્સની રેલવે પોલીસે ધરપકડ કરી છે. એ ત્રણેય આતંકવાદી હોવાના પુરાવા પણ મળ્યા છે.
* ચંદીગઢ ઍરપોર્ટ પર લેન્ડ થયેલા પેસેન્જરોમાંથી બે વ્યક્તિને સિક્યોરિટી ગાર્ડસે અટકમાં લીધી છે. એ બન્ને સુરક્ષા ટીમની નજર ચૂકવીને શહેરની અંદર સરકી જવાનો પ્રયાસ કરતી હતી. એ બન્ને પાકિસ્તાની ત્રાસવાદી હોવાની ઓળખ થઈ છે.

માત્ર આતંક્વાદી જૂથોને જ નહીં, પોલીસને ચોપડે ચઢેલા ને ભાગતા ફરતાં ખૂની- ઉઠાવગીરો-બૅન્ક લૂટારુઓ જેવા પીઢ અપરાધીઓને કાયદાના લાંબા હાથ શોધીને જે રીતે ઝબ્બે કરે છે એ કામગીરી કડાકૂટવાળી છે કારણ કે આપણે ત્યાં હજુ સુધી અપરાધીઓની ઓળખ કે એમના ગુનાની કરમકુંડળીને સાચવી રાખવાની પૂરતી વ્યવસ્થા નહોતી. હા, હવે ડિજિટલ ક્ષેત્રે થયેલી નવી શોધખોળ તેમ જ ‘આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ( AI ) એટલે કે કૃત્રિમ બુદ્ધિની મદદથી એ દિશામાં ઝડપી ને સઘન પ્રયાસ થઈ રહ્યા છે.

ચવન્નીછાપ લે-ભાગુ ચોર-ઉચ્ચકાથી લઈને દેશની સુરક્ષામાં છીંડાં પાડીને નાગરિકોને જેખમમાં મૂકનારા આતંકવાદીઓને આગોતરા ઓળખી લઈને એમને સમયસર દબોચી નાખવા એ આજની પ્રાયોરિટી-અગ્રતા છે. સામે છેડે આજનો અપરાધી પણ ગુનાખોરીની લેટેસ્ટ ટેક્નિક અને ‘મોડસ ઑપરેન્ડી’(ચોક્કસ કાર્યપદ્ધતિ) અપનાવતો થઈ ગયો છે એટલે એમને સપડાવવાનાં લૅટેસ્ટટ સાધન-એપ્સ કે પછી સૉફટવૅર વિશે જાણવા માટે આપણે થોડા ફ્લેશબૅક- ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે.

કોઈ પણ વ્યક્તિની આંખ-કાન-હોઠ-નાક અને વાળ એની ખરી કે ચોક્કસ ઓળખ આપી શકે. આ બધા ઉપરાંત એ વ્યક્તિની હાઈટ-હાથ-પગ -સ્થૂળતા ઈત્યાદિને લીધે આપણી સમક્ષ એનું પૂર્ણ વ્યક્તિત્વ ખડું થાય છે. જો કે પ્રાથમિક ઓળખ માટે એનો ફેસ-ચહેરો કાફી છે. એ માટે ચહેરાની છબી જરૂરી છે. સારી ક્ષમતાવાળા CCTV કેમેરા દ્વારા આવી તસવીર ઝડપી લેવામાં આવે પછી એની ઓળખ માટેના વિભિન્ન તબક્કા છે. આજે આપણને જાણીને નવાઈ લાગે પરંતુ થોડાં વર્ષ અગાઉ આ દિશામાં મહત્ત્વનું પ્રદાન કર્યુ હતું મુંબઈનાં પારુલ નીલેશ શાહ નામનાં એક ગુજરાતી માનુનીએ… વાત થોડી વિગતે જાણીએ.

ધારી લો કે નક્સલવાદીઓના અડ્ડા જેવા ગઢચિરોલીના ગાઢ જંગલમાં એમની એક ટોળકી લપાઈને બેઠી છે. લશ્કરી જવાનો એમની શોધમાં છે. નરી આંખે એમને શોધવા મુશ્કેલ છે. ઈન્ફ્રારેડ કેમેરામાં એમની તસવીરી ઝલક ઝડપાય ખરી પરંતુ ઓછા પ્રકાશમાં સ્થળ બરાબર ઓળખી ન શકાય માટે એમની અસ્પષ્ટ તસવીરો અને વીડિયોનું એક સોફટવેરની મદદથી બન્નેનું ફ્યુઝન (મિશ્રણ-સંયોજન્) કરવામાં આવે તો ચોક્કસ સ્થળ-વિસ્તારની પાકી માહિતી મળી શકે. આવી ‘મલ્ટી મોડેલ ઈમેજ ફ્યુઝન’ ટેક્નિક-સૉફટવેર તૈયાર કર્યું છે પારુલબહેને.

આના માટે એમને વિખ્યાત ‘માઈક્રોસોફટ’કંપની તરફથી પ્રતિષ્ઠિત રિસર્ચ એવોર્ડ પણ એનાયત થયો છે. એ ઉપરાંત અમેરિકન આર્મીએ પણ એમના દ્વારા વિકસાવેલી ટેક્નિકની વિશેષ નોંધ પણ લીધી છે. પારુલ શાહનું આ ‘મલ્ટી મોડેલ ઈમેજ ફ્યુઝન’ સૉફટવેર આજે ડિફેન્સ – સર્વેલન્સમાં ઉપયોગી હોવા ઉપરાંત બીજાં ક્ષેત્રોમાંય એનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.અલબત્ત, આજે તો આ દિશામાં જબરી પ્રગતિ થઈ છે.

આપણે ત્યાં ખાસ કરીને, રેલવે સ્ટેશન-એરપોર્ટ-જાહેર સભાઓ કે પછી ક્રિકેટ કે ફૂટબોલ મેચ વખતે મોટી સંખ્યામાં દર્શકો ઉમટે એવાં સ્ટેડિયમો વગેરે સ્થળોમાં ‘ફેસ રિકૉગ્નિશન સિસ્ટમ’ગોઠવવામાં આવે તો આવી ગીર્દીમાં બીજાની સાથે ભળી ગયેલા ગુનેગારોના ચહેરા પણ ઝડપાય જાય. એ પછી પોલીસ ચોપડે જે ગુનેગારોની માહિતી અગાઉથી સંઘરી રાખવામાં આવી હોય એની સાથે સરખાવતા ભીડમાં ભળી ગયેલા અપરાધીની ઓળખ તરત થઈ જાય. અલબત્ત, આપણે ધારીએ છીએ- જેટલી સરળતાથી કહીએ છીએ એટલી સરળ આ ક્રિયા-પ્રકિયા નથી.

જાહેર સ્થળોએ ગોઠવવામાં આવેલા ‘ક્લૉઝડ સર્કિટ ટીવી નેટવર્ક’ને ‘વીડિયો સર્વેલન્સ સિસ્ટમ’(VSS) સાથે સાંકળી લેવામાં આવે છે, જે ગીર્દીમાં ઝડપેલા ચહેરાઓની છબી ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા નિયત કરેલા મુખ્ય મથક – કન્ટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. અહીં ‘આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી મળેલી તસવીરોનું પોલીસ ચોપડે નોંધાયેલી અપરાધીઓની છબીઓ (Criminals Digital Data) સાથે આપોઆપ સરખામણીની સાથોસાથ પૃથક્કરણ થાય અને એમાંથી અપરાધીની છતી થયેલી ઓળખ લાગતી-વળગતી ઈન્ટેલિજન્સ એજન્સીને પહોંચતી કરવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે ધારીએ-વિચારીએ એ કરતાં પણ બહુ ઝડપી હોય છે.

ગુનેગારને પારખવાની આ પ્રકારની અતિ આધુનિક વ્યવસ્થા બહુ ટૂંક સમયમાં આપણે ત્યાં શરૂ થવાની છે. આપણે ત્યાં રેલવે સ્ટેશનો પર લોકોની સૌથી વધુ અવરજવર હોવાથી ખાસ પ્રકારના 400થી વધુ કેમેરા દેશના 750 રેલવે સ્ટેશન પર તબક્કાવાર કાર્યરત થશે. પ્રયોગાત્મક સફળતા પછી આમચી મુંબઈના 70થી વધુ લોકલ ટ્રેનનાં સ્ટેશનોનો પણ સમાવેશ થશે. અહીં એ પણ ઉમેરવું જોઈએ કે આ ‘ફેસ રિકૉગ્નિશન સિસ્ટમ’ના કેમેરા માત્ર અપરાધીને જ ઓળખવાના કામમાં નહીં આવે. એના દ્વારા લાપતા બાળકો – વૃદ્ધ વ્યક્તિઓને પણ શોધી શકાશે.

‘મલ્ટી મોડેલ ઈમેજ ફ્યુઝન’ટેકનિક પર Ph.D. કર્યું છે એવાં પારુલ શાહે ફિંગર પ્રિન્ટ્સ તેમ જ બાયોમેટ્રિક અને આ જ ક્ષેત્રને લગતાં અન્ય વિષયો વિશે સઘન સંશોધન કર્યું છે. પારુલબહેન એમાંથી ‘સ્ટેગનોગ્રાફી’વિશે રસપ્રદ માહિતી તથા સમજ આપતા ઉમેરે છે કે આ ‘સ્ટેગનોગ્રાફી’ એક એવી ટેક્નિક છે કે જેમાં ગુપ્ત માહિતીની ઈમેજ વીડિયો-ઑડિયોમાં સંતાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે લાદેનના ત્રાસવાદીઓએ અમેરિકા પર 9/11નો હુમલો કર્યો ત્યારે એની આગોતરી માહિતી એક ફિલ્મ દ્વારા પોતાની ટોળકીને પહોંચાડવા આતંકવાદીઓએ આ ‘સ્ટેગનોગ્રાફી’ ટેક્નિક બખૂબી ઉપયોગ કર્યો હતો!

એ જ રીતે, પારુલબહેનની ‘મલ્ટિ મોડેલ ઈમેઝ ફ્યુઝન’ટેકનિકનો ઉપયોગ સેટેલાઈટ કેમેરાથી લીધેલી તસવીરો પર પણ થાય છે. સેટેલાઈટથી ઝડપાયેલી હજારો તસવીરોમાંથી ફ્યુઝન ટેક્નિક દ્વારા જોઈતી 8-10 તસવીરો તારવીને એક ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકાય. એ જ રીતે, તબીબી ક્ષેત્રે પણ આ સૉફટવેર ટેક્નિકની મદદથી CT સ્કેન તેમ જ MRIની ઈમેજનું ફ્યુઝન-સંમિશ્ર કરીને યોગ્ય નિદાન પર પહોંચી શકાય છે. આવાં નિદાન અટપટાં ઑપરેશન વખતે ખાસ કામ લાગે છે.

ફરી મૂળ વાત પર પરત આવીએ તો કોઈ પણ અજાણ્યા કે શંકાસ્પદ ચહેરાની ઝલક ઝડપીને એની તાત્કાલિક ઓળખ માટે પાયાની ટેક્નિક તો ‘ફેસ રિકૉગ્નિશન સિસ્ટમ’ પર જ નિર્ભર છે. સમયાનુસાર, એમાં બહુ ઝડપથી ફેરફાર આવી રહ્યા છે. અગાઉ સાદા CC TV કેમેરાથી મેળવેલી તસવીરોનું પૃથક્કરણ થતું. આજે IP- ‘ઈન્ટરનેટ પ્રોટોકોલ’ કેમેરાની છબીઓને ૩D- થ્રી ડાયમેન્શન ( લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ એવાં ત્રણ આયામ)માં દર્શાવે છે, જેથી ઓળખ વધુ સચોટ બને છે.  આ જ ટેક્નિક હવે ગુગલ-એપલ-એમેઝોન- ફેસબુક-માઈક્રોસૉફટ,ઈત્યાદિએ એમની એપ સર્વિસમાં ઉમેરી છે.

ફેસબુક એના ‘ડીપેફેસ’પ્રોગ્રામ દ્વારા કોઈ પણ તસવીરની 97 % સુધી ખરી ઓળખ કરી શકે છે તો ગુગલ એની ‘ફેસનોટ’સિસ્ટમથી તસવીરને 99% સુધી સાચી પારખી શકે છે.. બીજી તરફ, ઝડપાયેલી તસવીરવાળી વ્યક્તિના ચહેરા પરના હાવભાવથી એની માનસિક સ્થિતિ કેવી છે એનું પણ પરીક્ષણ થઈ શકે એવી ‘ફેસ્યલ ઈમોશન રિકૉગ્નિઝન’(FER) પ્રક્રિયા પણ વિકસી રહી છે..! આ બધા વચ્ચે નવાઈની વાત એ છે કે ચહેરા ઓળખની આવી અનેક ટેકનોલોજી એટલી બધી ઝડપથી વિકસી રહી છે કે આતંકવાદીઓ-અપરાધીઓને ઝબ્બે કરવા ઉપરાંત એનો ઉપયોગ શોપિંગ કરનારાથી લઈને હોટલ-રેસ્ટૉરાંના ગ્રાહકો સુધી એ વિસ્તરી રહી છે. તાજેતરનું એક વિશ્વવ્યાપી સર્વેક્ષણનું તારણ કહે છે કે આગામી 2 વર્ષ એટલે કે 2024 સુધીમાં ‘ફેસ્યલ રિકૉગ્નિશન’ની માર્કેટ 7 અબજ ડોલરનો આંક વળોટી જશે!

Most Popular

To Top