Columns

રાજકીય ઉદ્દેશ્યથી ડેટાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે?

આપણે આપણી તમામ મિલ્કત અને સત્તાને ગણ્યાગાંઠ્યા ઉચ્ચ વર્ગના હાથોમાં જવાથી અટકાવવા ઇચ્છતા હોઈએ તો તેનો એક ઉપાય છે કે આપણે આપણા ડેટાને નિયંત્રિત કરીએ. અગાઉના સમયમાં જમીન દુનિયાની સૌથી મહત્ત્વની સંપત્તિ ગણાતી હતી, રાજનીતિમાં પણ જમીન પોતાના કબજે રાખવાની રમત રમાતી અને જમીનનો મોટો હિસ્સો જો ચુનંદા લોકો પાસે આવી જાય તો તે સમાજ સમૃદ્ધ ગણાતો હતો. તે પછી આધુનિક યુગમાં મશીન અને કારખાનાની જમીન વધુ મહત્ત્વની બની હતી અને એટલે જ રાજકીય સંઘર્ષ ઉત્પાદનના આ આધારભૂત સંસાધનોને નિયંત્રિત કરવામાં લાગી ગયા. જો ઘણું ઉત્પાદન આપતી મશીનો જો ચુનંદા લોકો પાસે આવી જાય તો તે વર્ગ સમાજનો મૂડી ધરાવતા વર્ગમાં આવી જતો. જો કે હવે એકવીસમી સદીમાં જમીન અને મશીનો બંને કરતાં વધુ મહત્ત્વની મિલકત ડેટા છે અને રાજકારણમાં પણ ડેટાને નિયંત્રિત કરવાના અત્યારે શક્ય એટલા પ્રયાસ થાય છે.’’ ડેટા જેને આપણે માહિતીનો સંગ્રહ કહીએ છે તે અંગે ઉપરની વાત વિશ્વના ભવિષ્યવેત્તા યુવાલ નોઆ હરારીએ લખી છે. યુવાલ નોઆ હરારીની આ વાત એટલે સ્મૃતિમાં અકબંધ રાખવાની આવશ્યકતા છે કારણ કે ડેટા આજે ચૂંટણીની બાજી બદલી શકે છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ડેટાનો ઉપયોગ રાજકીય પક્ષો કરવાના છે અને તેમાં નાગરિક તરીકે ગાફેલ રહેવું પોસાય એમ નથી.
ડેટા સંબંધિત પોતાના પુસ્તક ‘21 લેસન્સ ફોર 21 સેન્ચુરી’માં તેઓ લખે છે કે, ‘ડેટાને મેળવવાની ભાગદોડ અગાઉથી જ શરૂ થઈ ચૂકી છે. જેની આગેવાની ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેંસેટ જેવી મસમોટી કંપનીઓ કરી રહી છે. આપણને વિનામૂલ્યે માહિતી અને મનોરંજન પૂરું પાડીને તેઓ આપણી રૂચિ જગાવે છે અને તે પછી આપણી રૂચિને એડવર્ટાઈઝમેન્ટ કંપનીઓને વેચી દે છે. જો કે તેમનો ખરેખર વેપાર માત્ર આપણી રૂચિને એડવર્ટાઈઝમેન્ટ કંપનીઓને વેચી દેવાનો માત્ર નથી. તેઓ આપણી રૂચિને જાગ્રત કરીને આપણી મહત્તમ માહિતી ડેટા તરીકે સંગ્રહિત કરે છે. જે જાહેરાત થતી આવકથી તો અનેક ગણી મૂલ્યવાન છે. આપણે તેમના ગ્રાહક નથી, બલકે તેમના ઉત્પાદક બની ચૂક્યા છીએ. આ ડેટાનો સંગ્રહ એક એવા વેપારનો માર્ગ ઉઘાડે છે કે, જેનો પ્રથમ શિકાર એડવર્ટાઈઝમેન્ટ જગત પોતે જ થશે. આ નવીન માપદંડની સત્તા લોકોના હાથમાંથી એલ્ગોરિથમના અંતર્ગત જતી રહેશે. જેમાં ચીજવસ્તુઓની પસંદગી અને તેની ખરીદી સામેલ છે. હવે જે રીતે એલ્ગોરિથમ આપણી માટે ચીજવસ્તુઓની પસંદગી અને ખરીદી શરૂ કરી દેશે, એના પરિણામે પારંપારિક એડવર્ટાઇઝમેન્ટ ઉદ્યોગ ધ્વસ્ત થઈ જશે. ગૂગલને જ લઈ લો ને. ગૂગલ એ મુકામ પર પહોંચવા ઇચ્છે છે, જ્યાં આપણે તેને કશું પણ પૂછી શકીએ અને તેનાથી શ્રેષ્ઠતમ જવાબ મેળવી શકીએ. ત્યારે શું થશે જ્યારે આપણે ગૂગલને પૂછીશું કે, ‘હાય, ગૂગલ નવી કાર વિશે તારી પાસેની માહિતી અને મારી અંગત જાણકારીના આધારે મારા માટે શ્રેષ્ઠ કાર કઈ હશે?’ ગૂગલ આ સવાલનો સારી રીતે જવાબ આપી દે અને જો સરળતાથી આપણી અનુભૂતિ સિવાય ગૂગલના વિવેક પર વિશ્વાસ કરવા લાગીએ તો પછી કારની જાહેરાતનો ઉપયોગ શું રહી જશે?
હરારી આપણને આ અંગે ચેતવતાં કહે છે કે, ‘‘સામાન્ય લોકો માટે આ પ્રક્રિયા અંગે નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે. હાલના સમયમાં લોકો વિનામૂલ્ય E-mail સેવાઓ અને હાસ્યાસ્પદ વિડિયોના બદલામાં પોતાની સૌથી મૂલ્યવાન સંપત્તિ- અંગત ડેટા- આપીને ખુશ થાય છે. આ સ્થિતિ આફ્રિકા અને અમેરિકાના મૂળ નિવાસીઓના કબીલાની સ્થિતિ સાથે સરખાવી શકાય, જેમણે ખોટા રંગ ધરાવતા મોતી અને સસ્તા દાગીનાના બદલે અજાણતાં પોતાના દેશને યુરોપના સામ્રાજ્યવાદના હવાલે કરી દીધા. જો સામાન્ય લોકો એક મર્યાદા પછી પોતાના ડેટાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે તો તે ન થઈ શકશે. આનું કારણ એ છે કે પોતાના તમામ નિર્ણયો માટે, એટલે સુધી કે પોતાની તંદુરસ્તી અને શારીરિક સ્તરે જીવિત રહેવા માટે સુધ્ધાં આ પ્રકારના નેટવર્ક પર તેઓ આધારિત રહેવા લાગશે. ડેટા શરીર અને મસ્તિષ્કથી બાયોમેટ્રિક સેન્સર દ્વારા ‘AI’ મશીન સુધી પહોંચી જશે, ત્યારે વેપારી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ માટે તમારા માટે કોઈ નિર્ણય લેવાનો ખૂબ સરળ થઈ જશે. તેનાથી પણ વધુ જોખમી એ છે કે તમારા શરીર અને મસ્તિષ્કની કાર્યપ્રણાલીને સમજીને તે તમારું જીવન કેવું હોવું જોઈએ તે ઠરાવવા માટે શક્તિમાન થઈ જશે. આ પૂરી પ્રક્રિયા અટકાવવી હશે તો તે અંગે મૂળ પ્રશ્નને ધ્યાને રાખવો જોઈએ કે શું આપણા ડેટાની માલિકી આપણી પાસે છે? શું મારો DNA, મારા મસ્તિષ્ક અને મારા જીવન સંબંધિત ડેટાનો માલિકીનો અધિકાર મારી પાસે છે કે તે સરકારનો છે, કે પછી કોઈ વેપારી સંસ્થાનનો છે?’’
ડેટાનો સૌથી જોખમી ઉપયોગ સરકારો દ્વારા થાય છે. એટલું માત્ર વિચારી જુઓ કે આવા ડેટાના આધારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયા પોતાની ધારી અસર પહોંચાડીને ચૂંટણી પરિણામ બદલાવવા સુધી પહોંચી ગયું હતું. આજે પણ અમેરિકામાં તેની ચર્ચા થાય છે કે કેવી રીતે રશિયા અમેરિકાની ચૂંટણીમાં દખલ કરી ગયું. આ સ્થિતિમાં ભારતમાં શું થઈ શકે તે વિચારવું રહ્યું. આ અંગે યુવાલ નોઆ હરારી કહે છે કે, ‘‘સરકારને ડેટાનું રાષ્ટ્રીયકરણ કરવાનો અધિકાર આપીને મોટા ઉદ્યોગસંસ્થાનોની તાકાત પર નિયંત્રણ લાવી શકાય પરંતુ તેનું પરિણામ ડિજિટલ સરમુખત્યારશાહીના રૂપે પણ આપણી સામે આવી શકે છે. રાજકીય આગેવાન ઘણી વાર સંગીતકારની જેમ વર્તે છે, તેઓ જે ‘વાદ્ય’ વગાડે છે, તેનાથી તેઓ લોકોની લાગણી અને જૈવરસાયણિક તંત્રને અસર પહોંચાડી શકે છે. તેઓ એક ભાષણ આપે છે – તે દેશમાં આતંકની જેમ વ્યાપક બને છે. તેઓ ટ્વિટ કરે છે – અને ઘૃણાનો જાણે વિસ્ફોટ થાય છે. મને નથી લાગતું કે આપણે આ સંગીતકારોના હાથમાં વધુ સજ્જ વાદ્ય-યંત્ર સોંપવા જોઈએ. રાજકીય નેતાઓ પોતાની મુનસફી પ્રમાણે આપણી લાગણીના બટનને દબાવીને દ્વેષ, આનંદ, આક્રોશ અને અધીરાપણું જન્માવવા માટે સક્ષમ થઈ જશે, તે ક્ષણે રાજકારણ એક લાગણીભર્યા સરકસમાં પરિવર્તિત થઈ જશે. જો કે આપણે ઉદ્યોગ સાહસોથી ડરવું જરૂરી છે. ઇતિહાસ આપણને શીખવાડે છે કે જરૂરી નથી વધુ શક્તિશાળી સરકારોના હાથમાં આપણે સારી સ્થિતિમાં હોઈએ છીએ. આ સમયે હું મારો પોતાનો ડેટા વ્લાદિમિર પુતિનના હાથમાં સોંપવાના બદલે માર્ક ઝુકરબર્ગ પાસે મારો ટેડા જાય તે વધુ પસંદ કરીશ. [જો કે કેમ્બ્રિજ એનાલિટીકા સ્કેંડલે એ વાતને ઉજાગર કરી છે કે ઝુકરબર્ગના હાથમાં સોંપવામાં આવેલા ડેટા પણ જાણ્યાઅજાણ્યા રીતે પુતિન સુધી પહોંચી જાય છે.]’’ સર્વત્ર જોખમ છે તો તેનો ઉકેલ શું હોઈ શકે તે તરફ હરારી નિર્દેશ કરતાં લખે છે કે, ‘‘વ્યક્તિનો ડેટા પોતાની માલિકીમાં રહે તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ તે કેવી રીતે થાય તે અંગે કશુંય સ્પષ્ટતા આપણી પાસે નથી. આપણી પાસે જેમ જમીનનો માલિકી હક નિયંત્રિત કરવાનો હજારો વર્ષોનો અનુભવ છે. આપણે ખેતરની આસપાસ વાડ કેવી રીતે બાંધવી, વાડની પાસે કોઈ ચોકીદારને કેવી રીતે તૈનાત કરવો, અંદર કોણ આવી શકે, તેનું નિયંત્રણ કેવી રીતે રહે. ગત બે સદી દરમિયાન ઉદ્યોગોને પણ કન્ટ્રોલ કરવાનો આપણે પરિચય આપ્યો છે અને એટલે જ આજે વિશ્વવિખ્યાત જનરલ મોટર્સ કે ટોયેટોના શેર ખરીદીને હું તેના એક ભાગ પર માલિકીહક ભોગવી શકું છું પરંતુ ડેટાની માલિકીને નિયંત્રિત કરવાનું કામ વધુ મુશ્કેલ કાર્ય છે. તેનો અનુભવ આપણી પાસે નથી કારણ કે ડેટા આમ જોઈએ તો જમીન અને મશીનની જેમ તે ક્યાંય અસ્તિત્વ ધરાવતો નથી. તે પ્રકાશની ઝડપથી ગતિશીલ છે અને તેની અનેક વાર કૉપી થઈ શકે છે.’’
આ ખૂબ મોટો પડકાર છે પણ તેની સાથે ધીરજથી કામ લેવું પડશે. હરારી પણ તે અંગે કોઈ ઠોસ ઉત્તર આપતા નથી. ચૂંટણી સંદર્ભે ડેટા અંગે યુવાલ નોઆ હરારીએ મૂકેલા આ વિચારો સૌએ જાણવા જરૂરી છે. હવે તો ડેટાનો વધુ સિફ્તપૂર્વક ઉપયોગ થાય તે માટે ‘AI’ પણ આવી ચૂક્યું છે એટલે તે પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.

Most Popular

To Top