Sports

હોકી વર્લ્ડકપમાં ભારતના અભિયાનના વિજયી શ્રીગણેશ

રાઉરકેલા: આજથી શરૂ થયેલા હોકી વર્લ્ડકપમાં (Hockey Worldcup) પોતાની પ્રથમ મેચમાં ભારતે (India) સ્પેનને (Spain) 2-0થી હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પૂલ ડીમાં બીજું સ્થાન મેળવી લીધું છે. આ પહેલા ઈંગ્લેન્ડે વેલ્સને 5-0થી હરાવ્યું હતું. ગોલ તફાવતને કારણે ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે. ટીમ ઈન્ડિયા માટે અમિત રોહિદાસ અને હાર્દિક સિંહે ગોલ કર્યા હતા. જ્યારે સ્પેન વતી એકપણ ગોલ થયો નહોતો.
મેચ શરૂ થયાની 12મી મિનીટે ભારતને મળેલા બીજા પેનલ્ટી કોર્નરને અમિત રોહિદાસે ગોલમાં ફેરવીને ટીમને 1-0ની સરસાઇ અપાવી હતી. ભારતને પ્રથમ ક્વાર્ટરમાં કુલ ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા તેમાંથી માત્ર એકને ગોલમાં ફેરવી શકાયો હતો. મેચ દરમિયાન કુલ પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા હતા જેમાંથી ચાર ફેલ રહ્યા હતા. 26મી મિનિટે હાર્દિક સિંહે ચાર ખેલાડીઓને છક્કડ ખવડાનીને ગોલ કરતાં ભારતની સરસાઇ 2-0 થઇ હતી. મેચની 32મી મિનિટે મળેલા પેનલ્ટી સ્ટ્રોક પર કેપ્ટન હરમનપ્રીત સિંહ ગોલ કરતાં ચૂક્યો હતો.

ભુવનેશ્વર : આજથી શરૂ થયેલા હોકી વર્લ્ડકપની એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને 8-0થી હરાવીને ટીમ ત્રણ પોઈન્ટ અને ગોલ ડિફરન્સ પર આર્જેન્ટિનાને પાછળ છોડીને ગ્રુપ-એમાં ટોચ પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી મેચનો પ્રથમ ગોલ ક્રેગ ટોમે આઠમી મિનિટે કર્યો હતો. આ પછી ઓગિલવી ફ્લિને 26મી, હેવર્ડ જેરેમીએ 26મી અને 28મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 4-0ની લીડ અપાવી હતી. હાફ ટાઈમ સુધી આ સ્કોર રહ્યો હતો. બીજા હાફમાં 31મી મિનિટે ક્રેગ ટોમ, 38મી મિનિટે હેવર્ડ, 44મી મિનિટે ક્રેગ ટોમ અને 53મી મિનિટે વિકહામ ટોમે ગોલ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને 8-0થી વિજય અપાવ્યો હતો.

હોકી વર્લ્ડકપમાં આર્જેન્ટિનાએ દક્ષિણ આફ્રિકાને 1-0થી હરાવ્યું
ભુવનેશ્વર, તા. 13 : હોકી વર્લ્ડકપમાં આજે રમાયેલી પ્રથમ મેચમાં આર્જેન્ટીનાની ટીમે દક્ષિણ આફ્રિકાને 1-0થી હરાવ્યું હતું. આ મેચના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં બંને ટીમ ગોલ કરી શકી નહોતી. આર્જેન્ટિનાએ ત્રીજા ક્વાર્ટરમાં આક્રમક શરૂઆત કરી દક્ષિણ આફ્રિકાની ગોલ પોસ્ટ પર હુમલો ચાલુ રાખ્યો હતો અને તોસ્કાનીના પાસ પર કેસેલાએ શાનદાર ગોલ કરીને ટીમને સરસાઇ અપાવી હતી. ચોથા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાના ડિફેન્સે સાઉથ આફ્રિકાના હુમલાઓને મારી હઠાવ્યા હતા. આર્જેન્ટિનાની ટીમ નિર્ધારિત સમય પુરો થયો ત્યાં સુધી એક ગોલની સરસાઇ જાળવી રાખવામાં સફળ રહી હતી. આ રીતે આર્જેન્ટિનાએ હોકી વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 1-0થી હરાવ્યું હતું.

હોકી વર્લ્ડકપ 2023નું પ્રથમ યલો કાર્ડ આર્જેન્ટીનાના નિકોલસ કીનનને બતાવાયું
આર્જેન્ટિનાના ખેલાડીને બીજા ક્વાર્ટરની 24મી મિનિટે યલો કાર્ડ મળ્યું હતું જે આ વર્લ્ડકપનું આ પહેલું યલો કાર્ડ છે. આર્જેન્ટિનાના નિકોલસ કીનનને ફાઉલ કરવા બદલ રેફરીએ યલો કાર્ડ બતાવ્યું હતું. જેના કારણે તે પાંચ મિનિટ માટે મેદાનની બહાર રહ્યો હતો.

હોકી વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે વેલ્સને 5-0થી હરાવ્યું
ભુવનેશ્વર, તા. 13 : શુક્રવારે બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે હોકી વર્લ્ડકપની ગ્રૂપ ડીની પોતાની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે ડેબ્યૂ કરનાર વેલ્સને 5-0થી હરાવ્યું હતું. સેમ વોર્ડે મિડફિલ્ડમાં જમાવેલા પ્રભુત્વને કારણે તમામ મોરચે ઇંગ્લેન્ડ ડેબ્યુટન્ટ વેલ્સ કરતાં પ્રભાવક પુરવાર થયું હતું. માત્ર એકવાર ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમે મેચ શરૂ થયાની 35મી સેકન્ડે જ ગોલ કરીને સરસાઇ મેળવી લીધી હતી. ડેવિડ ગુડફિલ્ડે વેલ્સના ડિફેન્સને છક્કડ ખવડાવીને હાફ પરથી બોલ લઇને આપેલો પાસ સર્કલમાં વોર્ડ અપફિલ્ડને મળ્યો હતો, તેણે નિકોલસ પાર્ક તરફ બોલ ધકેલ્યો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં મોકલી દીધો હતો. આ પહેલા ગોલ પછી ઇંગ્લેન્ડે વેલ્સને એકપણ તક આપી નહોતી અને અંતે મેચ 5-0થી જીતી લીધી હતી.

Most Popular

To Top