Editorial

રાફેલ એમના સમાવેશથી દક્ષિણ એશિયામાં ભારતની સેના વધુ મજબૂત બની જશે

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની બે દિવસીય મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે મોટા સંરક્ષણ સોદા પર મહોર મારવામાં આવી હતી. ભારત સરકારે આજે શનિવારે આ ડીલ વિષે જાહેરાત કરી હતી. રાફેલ બનાવતી કંપની દસોલ્ટ એવિએશને પણ આ અંગે માહિતી આપી છે. આ અંતર્ગત ભારતીય નૌકાદળને ફ્રાન્સના દસોલ્ટ એવિએશન પાસેથી 26 નવા અદ્યતન રાફેલ ફાઈટર જેટ મળશે, જેને ખાસ કરીને નેવીની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવશે. વડા પ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની બેઠક દરમિયાન આ ડીલ નક્કી કરવામાં આવી હતી.

દસોલ્ટ એવિએશનેએ જણાવ્યું કે, “ભારત સરકારે ભારતીય નૌકાદળને નવી પેઢીના ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવી રાફેલની પસંદગીની કરી છે. ભારતીય નૌકાદળના 26 રાફેલ પહેલાથી જ સેવામાં રહેલા 36 રાફેલ સાથે જોડાશે.” રક્ષા મંત્રાલયે ગફ્રાન્સ પાસેથી રાફેલ જેટના 26 નેવલ વેરિઅન્ટ્સ અને ત્રણ ફ્રેન્ચ ડિઝાઈનવાળી સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી.

દસોલ્ટ એવિએશને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય ભારતમાં હાથ ધરવામાં આવેલા સફળ પરીક્ષણ અભિયાન પછી લેવામાં આવ્યો છે, જેમાં નેવી રાફેલ એ સાબિત કર્યું છે કે તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે અને તેના માટે સંપૂર્ણપણે યોગ્ય છે. આ ડિફેન્સ ડીલમાં ભારતને 22 સિંગલ સીટર રાફેલ-એમ મરીન ફાઈટર એરક્રાફ્ટ મળશે. આ ફાઇટર એરક્રાફ્ટને સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. સાથે જ 4 ટ્રેનર રાફેલ મરીન એરક્રાફ્ટ પણ મળશે. રાફેલ-એમ ફ્રાન્સના રાફેલ ફાઈટર જેટ્સનું નેવલ વર્ઝન છે. સંરક્ષણ સોદા બાદ સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે.

ભારતીય નૌકાદળ લાંબા સમયથી આધુનિક જનરેશનના ફાઈટર એરક્રાફ્ટની જરૂરિયાત અનુભવી રહી છે. ઈન્ડો-પેસિફિકમાં ચીનની ગતિવિધિઓને જોતા નૌકાદળ આ ખરીદી પ્રસ્તાવને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા ઇચ્છતું હતું. ચીન હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, આવી સ્થિતિમાં ભારતીય નૌકાદળને સમુદ્રમાં મજબૂત રહેવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને આ ફાઈટર પ્લેન્સનું મહત્વ વધી જાય છે.

આ ફાયટર જેટની ક્ષમતા પર એક નજર કરીએ તો રફાલ વિમાન પરમાણુ મિસાઇલ ડિલિવર કરવામાં સક્ષમ છે. દુનિયાના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. રફાલમાં બે પ્રકારની મિસાઇલ છે. એકની રેન્જ દોઢસો કિલોમિટર અને બીજીની રેન્જ લગભગ ત્રણસો કિલોમિટર છે.

પરમાણુ હથિયારો સાથે રફાલ હવાથી હવામાં 150 કિલોમિટર સુધી મિસાઇલ છોડી શકે છે અને હવાથી જમીન સુધી તેની મારકક્ષમતા 300
કિલોમિટર છે.

રફાલ જેવું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે પણ નથી. દસૉ ઍવિએશનના જણાવ્યા પ્રમાણે રફાલની સ્પીડ મૅક 1.8 છે. એટલે કે 2020 કિલોમિટર પ્રતિ કલાક ઝડપે ઉડે છે. ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર. રફાલમાં આકાશમાં પણ ઇંધણ ભરી શકાય છે. રફાલ લડાકુ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં લડાઈઓમાં ઉપયોગ થયો છે. રફાલની વિઝિબિલિટી 360 ડિગ્રી છે. પાઇલટે વિરોધીને જોવાના છે અને બસ બટન દબાવી દેવાનું છે. બાકીનું કામ કમ્યુટર કરી નાંખે છે. આવા 36 રાફેલ પહેલાથી જ ભારતની વાયુસેનામાં સામેલ છે. જ્યારે રાફેલ એમ તેના કરતાં આધુનિક છે. તેની મારક ક્ષમતા સામે દુનિયાનું કોઇપણ જેટ ટકી શકે તેમ નથી. હવે બીજા 26 રાફેલ એમ ભારતને મળશે જેના કારણે ઇન્ડિયન નેવી દક્ષિણ એશિયામાં સૌથી મજબૂત ગણાતા નૌકાદળની શ્રેણીમાં આવી જશે.

Most Popular

To Top