National

‘આ ‘સહારાશ્રી’ કોણ છે જે કોર્ટમાં આવી શકતા નથી?’, હાઈકોર્ટે સુબ્રત રોય વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું

પટના: પટના (Patna) હાઈકોર્ટમાં (High Court) સહારા ઈન્ડિયાની વિવિધ યોજનાઓમાં ગ્રાહકો દ્વારા જમા કરવામાં આવેલા નાણાંની ચુકવણીને લઈને દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સહારા ગ્રુપના (Sahara Group) ચેરમેન સુબ્રત રૉયને (Subrata Roy) કોર્ટમાં હાજર થવાની નોટિસ આપી હતી. છતાં સુબ્રત રૉય કોર્ટમાં શુક્રવારે હાજર થયા ન હતા. તેથી કેસની સુનાવણી કરી રહેલી બેંચે તેમની સામે ધરપકડ વોરંટ (Arrest Warrant) જારી કર્યું હતું. કોર્ટના આદેશ મુજબ, 3 રાજયોના પોલીસ વડાઓને સુબ્રત રૉય વિરુદ્ધ ધરપકડ વોરંટ મોકલવામાં આવશે.

સહારા કંપની વિરુદ્ધ 2000થી વધુ લોકોએ પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી. સહારામાં રોકાણ કરનારા લોકોનો આરોપ છે કે સહારા કંપનીએ વિવિધ સ્કીમ દ્વારા હજારો ગ્રાહકો પાસેથી નાણાં જમા કરાવ્યા હતા.પરતું મુદત પૂરી થઈ ગયા પછી પણ તેમના પૈસા પરત કરવામાં આવ્યા નથી. આ મામલે ગુરુવારે સુનાવણીમાં થઈ હતી તેમાં જસ્ટિસ સંદીપ કુમારે શુક્રવારે સવારે 10:30 વાગ્યે સહારા ઈન્ડિયાના માલિક સુબ્રત રૉયને કોઈપણ પરિસ્થિતિમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પરતું સુબ્રત રૉય હાજર રહ્યા ન હતા. આવી સ્થિતિમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ મુજબ, બિહારની સાથે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પોલીસ વડાઓને સુબ્રત રૉય વિરુદ્ધ ધરપકડ વોરંટ મોકલવામાં આવશે અને હવે આ મામલે આગામી સુનાવણી 16 મેથી થશે.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ સુબ્રત રૉય ‘સહારા’ કોણ છે જે કોર્ટમાં આવી શકતા નથી? તેઓએ કોર્ટમાં આવવું પડશે. અહીં લોકો કેટલા પરેશાન છે તે જોવું પડશે. ઉપરાંત, જસ્ટિસ સંદીપ કુમારે વધુમાં કહ્યું હતું કે સુબ્રત રૉય હાઈકોર્ટથી મોટા નથી. આ મામલામાં સુબ્રત રૉયના વકીલે વર્ચ્યુઅલ સુનવણી માટે પરવાનગી માંગી હતી. જણાવી દઈએ કે, કોરોના ગાઈડલાઈન્સ હેઠળ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થઈ રહી હતી, પરંતુ આ મામલામાં ફિઝિકલી સુનાવણી થઈ હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુબ્રત રૉયની ઉંમર 74 વર્ષની છે અને જાન્યુઆરી મહિનામાં તેમનું ઓપરેશન થયું હતું. હાલમાં તે બીમાર છે તેથી તેમણે શારીરિક ઊપસ્થિતિમાંથી મુક્તિ આપવી જોઈએ. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોકાણકારોને નાણાં પરત કરવા તેમની પાસે વિગતવાર યોજના તૈયાર છે. આ માટે તે 5 કરોડ રૂપિયા પણ જમા કરાવવા તૈયાર છે.

Most Popular

To Top