Dakshin Gujarat

અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, પ્લાન્ટમાં એસિડ ગળતર

ભરૂચ : અંકલેશ્વર GIDCની કેમિકલ ફેકટરીમાં આગ લાગવાની વધુ એક ઘટના બની છે.સોમવારે વહેલી સવારે કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બેકાબુ બનેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ઘટનામાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું હોવાની વિગતો બહાર આવી છે. આગમાં પ્લાન્ટ નજીક મુકવામાં આવેલા કેમિકલના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા છે. સૂત્રો દ્વારા એસિડ લીકેજના કારણે આગ બુઝાવવામાં પડકારનો સામનો કરવો પડ્યો હતો. પ્લાન્ટમાં રહેલા એસિડના કારણે ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં ૧૫ દિવસમાં ઔદ્યોગિક એકમમાં આગનો આ ત્રીજો બનાવ છે. આ અગાઉ તા.૨૨મી જૂને અંકલેશ્વર જીઆઈડીસી સ્થત ફાર્મા કંપની નિરંજન લેબોરેટરી કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. નજીકની શ્રમજીવીઓની વસાહતમાંથી ઉડેલા તણખલાંના કારણે લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. આ ઘટનાનાં ગણતરીના કલાકો અગાઉ પાલેજની રુચિકા ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભીષણ આગની ઘટના બની હતી. અહીં ૧૦થી વધુ ફાયરફાઇટર મોકલવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કન્ટ્રોલ કરી હતી.

લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી
આગની ઘટના બાદ પ્લાન્ટમાં એસિડ ગળતરની ઘટના બની હતી. આ એસિડના કારણે સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી હતી. ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ ટીમના હેડ મનોજ કોટીયાની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર મહદંશે નિયંત્રણ મેળવી લીધું છે. પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરોએ પાણીનો છંટકાવ અવિરત ચાલુ રાખ્યો છે. ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે ન આવતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

Most Popular

To Top