Editorial

પ્રકૃતિ સાથે સુમેળ અને પ્રાકૃતિક આપત્તિઓ સામે ઝઝૂમવું – એ જ તરણોપાય

દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી તે તાઉતે વાવાઝોડું છેવટે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ પર ત્રાટકીને જ રહ્યું. પ્રારંભિક અહેવાલો પ્રમાણે તેણે ઠીક ઠીક ખાનાખરાબી કરી છે. આ લખાય છે ત્યારે ત્રણના મોતના અહેવાલ છે. નુકસાનના પુરા અહેવાલો બહાર આવતા હજી થોડા દિવસો પણ લાગી શકે. મ્યાનમારે જેને નામ આપ્યું હતું અને જેના નામના ઉચ્ચારણ બાબતે પણ આપણે ત્યાં ઘણા ગુંચવાડાઓ હતા તે તાઉતે વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના રાજ્યો માટે નોંધપાત્ર નુકસાનકારક સાબિત થયું. કેરળ નજીક દરિયામાં ઉદભવેલા આ વાવાઝોડાએ ઉત્તર તરફ ઘણું લાંબુ અંતર કાપ્યું અને માર્ગમાં ઠેર ઠેર પોતાની અસર બતાવી.

આમ તો તેણે સૌપ્રથમ ભૂમિને સ્પર્શ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કાંઠે જ કર્યો પરંતુ માર્ગમાં આવતા રાજ્યોના કાંઠાઓ પર પણ તેની અસર ઘણી દેખાઇ. વાવાઝોડાની સિસ્ટમની આજુબાજુના પવનો પણ ઘણીવાર ખૂબ શક્તિશાળી હોય છે અને તે સખત પવનોની સાથે ધોધમાર વરસાદ પણ ખેંચાઇ આવતો હોય છે.

આ વાવાઝોડાની બાબતમાં પણ એવું જ બન્યું. કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં આ તાઉતે વાવાઝોડાની અસરથી સખત પવન ફૂંકાયો અને ભારે વરસાદ પડ્યો. કેરળમાં સેંકડો ઘરોને નુકસાન થયું. કર્ણાટકમાં પણ ઘણુ નુકસાન થયું અને ચારનાં મોત થયા. ગોવામાં તો નુકસાન ઘણુ વ્યાપક દેખાયું, ત્યાં બેનાં મોત થયા. મહારાષ્ટ્રમાં કોંકણ પ્રદેશમાં છનાં મોત થયા. દેશના આર્થિક પાટનગર મુંબઇને પણ આ વાવાઝોડાની ઘણી અસરનો સામનો કરવો પડ્યો.

ગુજરાતમાં દોઢ લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું હતું અને તકેદારીના ઘણા પગલાં લેવાયા હતા, છતાં નુકસાન તો થયું જ. અત્યાર સુધીમાં ત્રણના મોત થયા છે. માલમિલકતને વ્યાપક નુકસાનના અહેવાલ પણ છે. જુનાગઢ, ભાવનગર, ગીર-સોમનાથ અને અમરેલીમાં વ્યાપક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. કુલ ચાલીસેક હજાર વૃક્ષો ઉખડી ગયા છે, અનેક સ્થળેથી મોબાઇલ ટાવરો તૂટી પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સંખ્યાબંધ ઘરોને નુકસાન થયું છે. બીજું પણ ઘણું નુકસાન થયું છે. કેટલીક વખતે તકેદારીના ગમે તેટલા પગલાં છતાં અમુક માત્રામાં નુકસાન તો આવા સંજોગોમાં થતું જ  હોય છે. 

પ્રકૃતિ સામે માણસ છેવટે તો લાચાર જ છે તે આવા સંજોગોમાં સાબિત થઇ જતું હોય છે. કેટલીક કુદરતી આફતો માણસના પ્રકૃતિ અને પર્યાવરણ સાથેના ચેડાંનું પરિણામ હોય છે તો કેટલીક આવી આફતોમાં માણસનો વાંક કાઢી શકાય તેમ નથી. આપણી પૃથ્વી પર માણસ નહીં હતો ત્યારે પણ જાત જાતની પ્રાકૃતિક હોનારતો તો બનતી જ હતી. આવી કોઇક હોનારતમાં જ વિકરાળ ડાયનાસૌરનું નિકંદન નીકળી ગયું હોવાની  પણ એક થિયરી છે. તો બીજી બાજુ ગ્લોબલ વૉર્મિંગ જેવી આફતો પર્યાવરણ અને પ્રકૃતિ સાથેના ચેડાઓનું પરિણામ જણાય છે.

ભૂકંપ માટે ભૂસ્તરીય હિલચાલ જેવા કુદરતી કારણો જવાબદાર હોય છે તો વધેલા ભૂકંપો માટે માણસ દ્વારા વધારે પડતી કરવામાં આવેલી ખનન પ્રવૃતિ, અતિ વિશાળ જળબંધો વગેરેને પણ જવાબદાર માનવામાં આવે છે. વાવાઝોડાઓનું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગના કારણે વધ્યું હોવાનુ઼ કહેવાય છે, પરંતુ કુદરતી પરિબળોના કારણે પ્રાચીન કાળથી વાવાઝોડાઓ ઉદભવતા રહ્યા છે તે પણ વાસ્તવિકતા છે. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે અને તેણે ઘણા પ્રાકૃતિક પરિબળો પર વિજય મેળવ્યો છે તો સાથે પ્રકૃતિ સાથે ચેડાં કરીને આફતો પણ તેણે વહોરી લીધી છે.

જો પૃથ્વી પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને સારી રીતે જીવવું હોય તો પ્રકૃતિ સાથે સુમેળ રાખીને જીવવું અને સાથો સાથે પ્રાકૃતિક પરિબળો સામે ઝઝૂમતા રહેવું એ જ માણસજાત માટે ડહાપણભર્યો માર્ગ છે. ઓછી કે નહીંવત બુદ્ધિ ધરાવતા અન્ય પ્રાણીઓ પણ પોત પોતાની રીતે એ જ કરી રહ્યા છે.

Most Popular

To Top