SURAT

ઇચ્છાપોરમાં કાપડના યુનિટમાં મધરાતે આગ ભભૂકી,બે કારીગરનું રેસ્ક્યુ


​​​surat : ઇચ્છાપોર હજીરા રોડ પરના એસ.એમ. કનિક ટેક્સ નામના સિન્થેટિક ફેબ્રિક કાપડના યુનિટમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. યુનિટના બીજા માળે ફસાયેલા બે કારીગર જીવ બચાવવા ચોથા માળે જઇ નીચે કૂદકા મારવાની કોશિશ કરતાં તે પહેલા ફાયરની ટીમે ( fire team) બંને કારીગરને કાળા ધુમાડા વચ્ચેથી ઓક્સિજન બોટલ ( oxygen) પહેરી આગમાંથી ફિલ્મી સ્ટાઇલમાં રેસ્ક્યુ કરી ફાયર વિભાગે બચાવી લીધા હતા.અડાજણના ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, ઇચ્છાપોરમાં મંગળવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એસ.એમ. કનિક ટેક્સ નામના કાપડના યુનિટ ( textile unit) માં બીજા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. બાદ ફાયરની ટીમ ગણતરીની મિનીટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બીજા માળે બે કારીગર ફસાયા હોવાની જાણ થતાં જ તાત્કાલિક આગ અને કાળા ધુમાડા વચ્ચેથી બીજા માળે જઇ બંનેની શોધખોળ હાથ ધરી હતી.

બીજા માળે કોઈ નહીં મળતાં ત્રીજા માળેથી બચાવો બચાવોની બૂમાબૂમ સાંભળી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં ત્રીજા માળે પહોંચ્યા હતા. જ્યાં પણ બંને કારીગર ન દેખાતાં ફરી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ફરી બૂમો સાંભળી ચોથા માળે જતા બંને ધાબા ઉપરથી નીચે કૂદીને જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. આવા સમયમાં આગ અને ધુમાડા વચ્ચે બંને કારીગરને ઓક્સિજન બોટલ પહેરાવી રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં સફળ થયા હતા. આગને કાબૂમાં લેવામાં અને રેસ્ક્યુ કરી બંને કારીગરના જીવ બચાવવામાં બે કલાકનો સમય લાગી ગયો હતો. આગમાં કાપડ, વાયરિંગને નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી.

Most Popular

To Top