Business

હરિ નામ સુમિરન

સદા રામ નામનો મહિમા ગાતા ગોસ્વામી તુલસીદાસજી પાસે એક ગૃહસ્થ આવ્યા અને કહેવા લાગ્યા, ‘બાપજી, આપ કહો છો કે બે અક્ષરના નામ ‘રામ’ નામથી મોટો મંત્ર કોઈ નથી.રામ નામનું સુમિરન કરવાથી મનની શાંતિ મળે છે.ખુશી મળે છે.બધા દુઃખ દૂર થાય છે અને એટલે હું સવાર સાંજ હરિનામ સુમિરન કરું છું.પણ નિયમિત નથી થતું.’ તુલસીદાસજીએ કહ્યું, ‘ભાઈ, શું તકલીફ થાય છે? હરિ સુમિરન રોજ કરવું જ જોઈએ.બને ત્યાં સુધી નિયમપૂર્વક કરવાનો પ્રયત્ન કરો જ.’ ગૃહસ્થે કહ્યું, ‘બાપજી, ક્યારેક મનમાં ઉચાટ હોય છે.

કોઈ વાતનો ગુસ્સો હોય છે, શરીર થાકેલું હોય છે કે પછી કોઈ અન્ય કામની વ્યસ્તતાને કારણે હરિનામ લેવાનું રહી જાય છે અથવા ઘણી વાર મનની સ્થિતિ એવી હોય છે કે સમય હોય છે છતાં હરિનામ લેવાનું મન જ નથી થતું.’ તુલસીદાસજીએ કહ્યું, ‘ભાઈ, હું એમ નહિ કહું કે વાંધો નહિ, હરિનામ ન લેવાય તો ન લેવું, પણ હું એમ કહીશ કે મારી એક વાત અહીં સમજી લેજો. જો આવી કોઈ પણ પરિસ્થિતિ થાય ને ત્યારે ખાસ કરીને યાદ કરી મનને વશમાં કરી હરિનામ લેવાનું એક વાર શરૂ કરી દેવું….’

ગૃહસ્થ વચ્ચે બોલ્યા, ‘પણ બાપજી, હરિનામ લેવાનું મન જ ન હોય છતાં મન વિના અને ભાવ વિના હરિનામ લેવાનું શરૂ કરીએ.તેનો શો અર્થ અને શો ફાયદો.મન વિના કરેલી ભક્તિનું શું કોઈ ફળ મળે?’ તુલસીદાસજીએ જવાબમાં એક ચોપાઈ કહી, ‘તુલસી મેરે રામ કો રીઝ ભજો યા ખીજ;ભોમ પડા જામે સભી ઉલટા સીધા બીજ.’ એટલે કે જયારે જમીનમાં વાવણી કરતી વખતે બીજ વાવવામાં આવે ત્યારે એ જોવામાં નથી આવતું કે બીજ ઉલટા પડે છે કે સીધા પણ સમય જતા વાતાવરણ અનુકૂળ થતાં બધાં બીજ ઊગે છે.

એવી જ રીતે મન હોય કે ન હોય, એક વાર હરિ સુમિરન કરવામાં આવે તો આગળ જતાં મન તેમાં પરોવાય છે અને એક ને એક દિવસ એનું ફળ મળે જ છે.કારણ કે મારા રામ એકદમ દયાળુ છે અને મારા રામના નામનો મહિમા જ એટલો જીવંત છે.એક વાર નામ લેવાનું શરૂ કરો એટલે એ તમારા અશાંત મનને શાંત કરે છે અને પછી મનમાં રામનામનું સ્થાન બનવા લાગે.ભાવ ઊગવા માંડે અને તમે ભાવથી ભક્તિ કરવા લાગો.જાઓ, આજથી રોજ હરિ સુમિરન કરજો જ.’ ગૃહસ્થે હરિ સુમિરન કર્યા બાદ જ ભોજન લેવાનો નિયમ લીધો.

Most Popular

To Top