Gujarat

ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્રો બનાવાશે: રાજ્યપાલ

ગાંધીનગર: ગુજરાત વિદ્યાપીઠના (Gujarat Vidhyapityh) ગાંધીનગર (રાંધેજા), ખેડા (દેથલી) અને વલસાડ (આંભેટી)ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્રો બનાવાશે. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગરના (Gandhinagar) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિષય નિષ્ણાતો સાથે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત વાર્તાલાપ અને વિચાર-વિમર્શ કર્યો હતો.

વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જરૂરી છે, એમ કહીને આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર મોટા પાયે તાલીમાર્થીઓ તૈયાર કરી રહી છે, જે ખેડૂતોને ઘર આંગણે જઈને તાલીમ આપશે. ગુજરાતના ગામડે-ગામડે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે કૃષિ વૈજ્ઞાનિકોને આ ઈશ્વરીય કાર્યમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સંશોધન, શિક્ષણ અને કૃષિ વિસ્તરણનું કાર્ય કરે છે. ખેડૂતોને તેમના ખેતરોમાં જઈને માર્ગદર્શન આપે છે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મોડેલ તાલીમ કેન્દ્ર બને એ દિશામાં કાર્ય કરાશે. આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, માણસે પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું દોહન અને શોષણ કર્યું છે. પરિણામે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ પ્રકૃતિની સમૃદ્ધિ તેને પાછી આપવાનું આપણું દાયિત્વ છે. એમણે કહ્યું કે, કોરોનાની વેક્સિન તો આપણે શોધી કાઢી, પરન્તુ અસહ્ય ગરમી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ જેવી કુદરતી આપત્તિઓ સામે સંરક્ષણ માટે કઈ વેક્સિન કામ આવશે? પ્રકૃતિનું સંતુલન જ એક માત્ર ઉપાય છે અને તે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જ સંભવ છે.

Most Popular

To Top