શું તમે વિચાર્યું છે? તમે જ્યાં શિક્ષણ માટે ઊંચી ફી ચૂકવો છે ત્યાં શિક્ષકને કેટલો પગાર મળે છે

૧૧ મી જાન્યુઆરીથી ગુજરાતમાં શાળા કોલેજ શરૂ કરવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવી છે. હાલમાં દસમા અને બારમાના તથા કોલેજમાં છેલ્લા વર્ષ કે સેમેસ્ટરનું વર્ગખંડ શિક્ષણ શરૂ થવાનું છે. આમ તો ગુજરાતમાં ઉત્તરાયણના સમયમાં શાળા કોલેજોમાં સામાન્ય સંજોગોમાં પણ વિદ્યાર્થીઓ આવતા નથી.

શું તમે વિચાર્યું છે? તમે જ્યાં શિક્ષણ માટે ઊંચી ફી ચૂકવો છે ત્યાં શિક્ષકને કેટલો પગાર મળે છે

ત્યારે સરકારશ્રીએ સ્વાભાવિક રીતે જ ઉત્તરાયણ પછી ૧૮મીને સોમવારથી શાળા – કોલેજો શરૂ કરવાનું વિચાર્યું હોત તો વધુ સારુ થાત. કારણ ત્યાં સુધીમાં નવા વર્ષ પછી વિશ્વભરમાં વકરેલા કોરોના અને ઉતરાયણ પછી ગુજરાતમાં પણ દિવાળી પછી થયુ તેમ સંક્રમણ વધે છે કે નહીં તે જોઇ શકાત પણ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓને ગુજરાતમાં પણ વહેલામાં વહેલુ શિક્ષણ શરૂ થયું તેની જાહેરાત કરવામાં વધારે રસ હશે તેમ લાગે છે. બાકી ગુજરાતના વાલીઓ તો ઉત્તરાયણ પછી પણ વિદ્યાર્થીઓને શાળાએ મોકલશે કે કેમ તે પ્રશ્ન છે!

કોરોનાએ આપણી જૂની શિક્ષણ પધ્ધતિ અને શિક્ષણના વ્યવસાયિક માળખાને ચપ્પટ કરી નાખ્યું છે. છઠ્ઠી જૂનથી કાયદેસર શાળાઓ ખોલ્યા પછી શિક્ષણ આજ સુધી ઓનલાઇનના આશરે ચાલ્યું. જો સ્માર્ટફોન અને જીઓનું નેટવર્ક ન હોત તો આપણાં શિક્ષણનું શું થાત એ કલ્પના કરી શકાતી નથી.

જોકે આપણે સૌએ શહેરી મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ સિવાય આપણે કશું વિચાર્યું જ નથી! ફી બાબતે ચર્ચા થાય ત્યારે અનેક મા-બાપને લાચારપણે ‘ફી તો ભરવી જ પડે ને!’ કહેતાં સાંભળ્યાં ત્યારે થયું કે આપણે વિરોધનો વિચાર પણ કરી શકતા નથી. વિકલ્પોનો વિચાર કરતા પણ આપણને ધૃજારી આવે છે.

સામાન્ય રીતે જાન્યુઆરી ફેબ્રુઆરીના ઠંડા દિવસોએ શિક્ષણ જગતમાં શિક્ષણેતર પ્રવૃત્તિના દિવસો હોય છે. યુવક મહોત્સવ, વાર્ષિક ઉત્સવ, રમત ઉત્સવ, સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ, ટૂર, પિકનીક… એ આ દિવસોમાં યોજાય! હવે આ વરસે આ બધુ શકય નથી. ઘણી શાળાઓએ ઓન-લાઇન શિક્ષણની જેમ ઓનલાઇન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ યોજી છે. જોકે ટૂર-કે પીકનીક તો ઓફલાઇન જ જવું પડે! એટલે બાળકોને આ વર્ષે શાળાકક્ષાની ટૂર કે પીકનીકમાં જવાનો લાભ મળવાનો નથી.

બાળકો ભલે પીકનીક કે ટૂરમાં ન જાય પણ આ વર્ષે વાલીઓએ ટૂર કે પીકનીક કરવી જોઇએ… હા, બરાબર ઉલ્ટુ કરવાનું. વિદ્યાર્થીઓ શાળામાંથી જોવાલાયક સ્થળોએ જાય છે. વાલીઓ, સમાજના આગેવાનોએ શાળા કોલેજોની મુલાકાત લેવાની! આ લેખકની આપ સૌ વાચકોને વિનંતી છે કે ઓછામાં ઓછી એક શાળા કોલેજની મુલાકાત લો અને તમારા અનુભવનો અહેવાલ સરકારશ્રીના શિક્ષણ વિભાગને મોકલી આપો!

અમને ચોકકસ ખાતરી છે કે ગુજરાતમાં શાળા કોલેજો, શિક્ષકો અધ્યાપકો, શિક્ષણની પધ્ધતિઓ, વિદ્યાર્થીઓ વિષેની તમારી મોટાભાગની માન્યતાઓનું ભ્રમ નિરસન થઇ જશે! હા, જેમ આપણે જોવા-જાણવા લાયક સ્થળ પર જઇએ છીએ અને માહિતી મેળવીએ છીએ તેમ તમારે આ શિક્ષણ સંસ્થાઓ, તમે જેના માટે મોટી ધારણાઓ બાંધી છે તે તમારા પાલ્યનું ઘડતર કરનારાી સંસ્થાઓની હકીકત તમારી સામે હશે!

શિક્ષણ સંસ્થાઓમાં આમ તો દરેક વાલીએ સતત જતા આવતા રહેવાનું જ હોય છે. શહેરમાં ફી ભરવાના નામે વાલીઓ શાળા કોલેજોમાં જતા જ હોય છે. પણ આ વખતે જાવ ત્યારે થોડી સતર્કતા સાથે જાવ. તમારું પોતાનું બાળક ન ભણતું હોય તો પણ જાવ. જુઓ તો ખરા આ વિદ્યાના મંદિરો, શિક્ષણતિર્થોમાં ચાલે છે શું?

જયારે તમે કોઇ શાળા કોલેજમાં જાવ ત્યારે સૌ પ્રથમ ત્યાંના પુસ્તકાલય અને નવરાશના સમયમાં વિદ્યાર્થીએ વાચવા બેસવાની જગ્યાની મુલાકાત લેજો. શૈક્ષણિક સંસ્થા પુસ્તકો સામાયિકો વિદ્યાર્થીને કઇ રીતે પૂરા પાડે છે તે પ્રક્રિયા સમજજો. જો વિજ્ઞાન પ્રવાહની સંસ્થા હોય તો પુસ્તકાલય પછી પ્રયોગશાળા તપાસજો.

એમાંય સેલ્ફ ફાયનાન્સ વિજ્ઞાન કોલેજો, એન્જીનિયરીંગ કોલેજો, કે પ્રયોગકાર્ય અગત્યનું હોય તેવી તમામ સંસ્થામાં પ્રયોગશાળા તેની વિદ્યાર્થીઓને પ્રયોગ કરાવવાની શકયતા તપાસજો. જો તમે આ શાળા કોલેજોના વહિવટીય કર્મચારી અને ખાસ તો સફાઇ કામદારોને મળો તો પૂછજો કે પગાર કેટલો આપે છે. જો તમને એમ થાય કે જે શાળામાં ડોનેશન અને ઊંચી ફી ચુકવી હું મારા બાળકને ઉચ્ચ કેળવણી માટે મોકલુ છું ત્યાં શિક્ષક કે જે ખરેખર ઘડતર કરવાના છે તેમને કેટલો પગાર મળે છે?

ખાસ તો આ કોરોના કાળમાં લાયબ્રેરી બંધ હતી છતા લાયબ્રેરી ફી ભરી પ્રયોગશાળા બંધ હતી પણ લેબોરેટરી ફી લીધી રમત-ગમત બંધ હતું પણ સ્પોર્ટસ ફી લીધી. હાઇકોર્ટે માત્ર શિક્ષણ ફી લેવાનું જ કહ્યું છે છતાં તમામ પ્રકારની ફી લીધુ એ શાળા કોલેજોએ શિક્ષકો અધ્યાપકોને પૂરા પગાર ચુકવ્યા જ નથી! પણ આ વાત તમને ખુદને અનુભવ એ માટે તમારે જાતે આ શિક્ષણ સંસ્થાઓનો અનુભવ લેવો પડે!

સાથે સાથે સેનેટાઇજેશન, સોશિયલ ડીસ્ટન્સ, માસ્કનો શાળા કોલેજોમાં કેવો ઉપયોગ થાય છે તે પણ જાત-તપાસ કરો. અને હા, એક આપણા પાલ્યને પરિક્ષા હોય ત્યારે તો આપણે ખાસ જઇએ છીએ અને જરૂર પડે આ વ્યવસ્થાનો લાભ પણ લઇએ છીએ તો એકાદવાર આપણા પાલ્ય પરિક્ષા ન આપવાના હોય ત્યારે આ પરિક્ષાનો અનુભવ કરો!

જો ગુજરાતનો દરેક વાલી પોતાના નજીકની શાળા કોલેજોનો ખાલી પીકનીકના મૂડથી પણ આંટો મારે તો તેને શિક્ષણ સંસ્થાઓના અનેક પ્રકારોનું વ્યવહારીક જ્ઞાન થશે. જેમકે કાગળ પર ચાલતી શિક્ષણ સંસ્થાઓ – દિવસમાં કલાક માટે ચાલતી શિક્ષણ સંસ્થાઓ શિક્ષકો – અધ્યાપકો વગર ચાલતી શિક્ષણ સંસ્થાઓ…. બીજા રાજય, બીજા દેશના  બોર્ડ યુનિ. દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓ વગેરે વગેરે અને આવી શિક્ષણ સંસ્થાઓનો અનુભવ આમ ત્યારે જ તમને સમજાશે કે આ માત્ર શિક્ષણ સંસ્થાઓએ એના તિર્થસ્થાનો છે જયાં તમારે માત્ર રૂપિયા ચુકવીને મોક્ષ જ મેળવવાનો હોય છે.

          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts