Business

ગુજરાતના આ એરપોર્ટ પર માત્ર 75 દિવસમાં સાડા ત્રણ કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણ કરાયું

અમદાવાદ: અદાણી (Adani) સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની (Sardar VallabhBhai Patel International Airport) મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના (Run Way) રીકાર્પેટીંગની (Re) કામગીરી માત્ર 75 દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે.

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના ’નોટમ’ (નોટીસ ટુ એરમેન)નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર 75 દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના 15 કલાક દરમિયાન સરેરાશ રોજની 160 ફ્લાઇટ્સ માટે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

આ રનવે માટે 200 કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે 40 માળની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ 10 નવેમ્બર 2021થી શરુ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના 200 દિવસનું આયોજન હતું. પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિરંતર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને અદાણી સમૂહે તેના 200 દિવસના લક્ષ્યને ઘટાડી સંસાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા 90 દિવસ કર્યા હતા. કંપનીના આ પ્રયાસોમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ઉત્સાહી 600 ઉદ્યમી કર્મચારીઓની ટીમનો જુસ્સો અને 200 જેટલા અત્યાધુનિક સાધનોની શક્તિના પ્રચંડ સહયોગથી આ પડકારજનક કામગીરી 10 લાખ સુરક્ષિત માનવ કલાકોમાં તેની પૂર્ણતાના આખરી મુકામે ફક્ત 75 દિવસમાં પહોંચી હતી.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકના રનવેના રીકાર્પેટીંગની વિક્રમરુપ કામગીરીનું અદકેરું મહત્વ એટલા માટે છે કે ભારતના મુંબઇ, કોચી, નવી દિલ્હી, બેંગાલુરુ અને હેદ્રાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથવગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે. અદાણી સમૂહે નવેમ્બર-2020માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહી હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રનવે રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણો અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો.

વધુમાં એરપોર્ટ ખાતે અન્ય કામોનું અપગ્રેડેશન પણ પુરું કરવામાં આવ્યું છે. એરપોર્ટના રનવેથી લઇ ટેક્સી માર્ગોને સાંકળતી એરફિલ્ડ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ એક અલગ નજરાણું બનીને સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ લાઇટીંગ સિસ્ટમ સમગ્ર જિલ્લાના 12થી 14 ગામોની વીજળી લાઇનની સમકક્ષ છે.

ઉલ્લેખનિય છે કે અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની 100 ટકા પેટા કંપની તરીકે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્ઝ લિ.માં 2019માં સામેલ કરવામાં આવી હતી. સંકલિત આંતરમાળખું અને પરિવહન લોજીસ્ટિક્સમાં વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવવાની તેની દ્રષ્ટીને અનુરુપ અદાણી સમૂહ એરપોર્ટ ક્ષેત્રમાં પ્રવેશીને દેશના 6 વિમાની મથકના સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ માટે ઉંચી બિડ કરનાર તરીકે ઉપસી આવ્યું હતું. અને અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગૌહતી અને થિરુવનંતપુરમ એરપોર્ટ મળી 6 એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીઆ સાથે કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં 73 ટકા હિસ્સો પણ ધરાવે છે જ્યારે તેની સામે નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં 74 ટકા હિસ્સો ધરાવે છે. તેના પોર્ટફોલિઓમાં 8 વિમાનીમથકોના વ્યવસ્થાપન અને વિકાસ સાથે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જેનો ફુટફોલ ભારતના 25 ટકા પ્રવાસી અને 33 ટકા એર કાર્ગો ટ્રાફિક ક્ષેત્રમાં છે

Most Popular

To Top