National

માલદીવ વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાની તૈયારી

નવી દિલ્હી: માલદીવ સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર એક નવું એરપોર્ટ બનાવવાની યોજના બનાવી રહી છે. આ એરપોર્ટના નિર્માણથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની આશા છે. ખાસ વાત એ છે કે નવું એરપોર્ટ સિવિલ અને મિલિટરી હેતુ માટે હશે અને અહીંથી સિવિલ એરક્રાફ્ટની સાથે મિલિટ્રી એરક્રાફ્ટ પણ ઓપરેટ કરી શકશે.

પ્રાપ્ત માહિતી મુજબ નવા એરપોર્ટ પર સિવિલ એરક્રાફ્ટની સાથે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર જેટ પણ ઓપરેટ કરી શકાશે અને તે સંયુક્ત એરફિલ્ડ હશે. સરકારે અગાઉ મિનિકોય આઇલેન્ડ પર નવું એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પરંતુ હવે આ પ્રસ્તાવમાં ફેરફાર કરીને તેને સંયુક્ત એરફિલ્ડ તરીકે વિક્સાવવાની તૈયારીઓ ચાલી રહી છે. લશ્કરી દૃષ્ટિકોણથી નવા એરપોર્ટનું નિર્માણ ભારતને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર પર દેખરેખ રાખવામાં મદદ કરશે. તેમજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે અગાઉ સરકારને મિનિકોય આઇલેન્ડ પર એરસ્ટ્રીપ બનાવવાનું સૂચન કર્યું હતું. પરંતુ હવે તાજેતરના પ્રસ્તાવમાં ભારતીય વાયુસેનાને અહીં મોટી કામગીરી સોંપવામાં આવશે.

લક્ષદ્વીપમાં નેવી પહેલેથી જ મજબૂત છે, હવે એરફોર્સ તૈયારી કરી રહી છે
ભારતીય નૌકાદળ લક્ષદ્વીપના કાવારત્તી ટાપુ પર INS દ્વિપ્રક્ષક નેવલ બેઝ ધરાવે છે. ભારતીય નૌકાદળ અહીં પહેલાથી જ મજબૂત છે. પરંતુ હવે એરફોર્સની હાજરી અને શક્તિ વધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવી દઇયે કે અહીં INS દ્વિપ્રક્ષક 2012 થી કાર્યરત છે અને તે દક્ષિણી નેવલ કમાન્ડનો એક ભાગ છે. આ સિવાય નૌકાદળ 1980ના દાયકાથી કાવારત્તી ટાપુ પર કાર્યરત છે. તેમજ તેની કાયમી સુવિધા અહીં હાજર હતી.

માલદીવ સાથે વિવાદ બાદ લક્ષદ્વીપ ચર્ચામાં છે
મિનિકોયમાં એરપોર્ટના નિર્માણથી લક્ષદ્વીપમાં પ્રવાસનને પણ વેગ મળશે. હાલમાં લક્ષદ્વીપમાં અગાટી ટાપુ પર એક એરસ્ટ્રીપ છે. પરંતુ તે પટ્ટી પર તમામ પ્રકારના એરક્રાફ્ટ ઓપરેટ કરી શકાતા નથી. તેમજ પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદથી આ કેન્દ્રશાસિત પ્રદેશ પણ ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર પીએમ મોદીની તસવીરો જોઈને લોકો લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે કરી રહ્યા છે. જેને લઈને વિવાદ થયો હતો કારણ કે માલદીવના કેટલાક નેતાઓએ પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના પર ભારત સરકારે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. વિવાદ બાદ માલદીવ સરકારે પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનારા મંત્રીઓને પણ સ્થગીત કરી દીધા છે.

Most Popular

To Top