Comments

શુ ચીન જેવી સફળતા મેળવવા તેમની શાષન રીતિ-નીતિ અપનાવીશુ?

૨૦૦૭ માં ધર્મશાળામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી (કાઉન્ટડાઉન) ચાલી રહી છે. મને ખબર નથી કે પહેલાં મારી જિંદગીનો અંત આવશે કે પછી ચીની સામ્યવાદી સરમુખત્યારશાહીનો.” મેં તેમને કહ્યું હતું કે અત્યારે વિશ્વસમાજનો મિજાજ જોતાં તમે ચીનમાં લોકશાહી જોઇને જશો એની મને ખાતરી છે.
મેં આ વાત તેમનું મન રાખવા માટે નહોતી કરી. દલાઈ લામાને આવાં કોઈ ઓઠાંની જરૂર નથી. તેઓ મેં જોયેલા બે-ચાર ટકોરાબંધ આધ્યાત્મિક પુરુષોમાંના એક છે અને મારા માટે અંગત રીતે પૂજનીય છે. મેં આમ તેમને એટલા માટે કહ્યું હતું કે ત્યારે, ૨૦૦૭ માં, મને એમ લાગતું હતું કે વિશ્વ નાના-મોટા પ્રશ્નો છતાંય ધીરેધીરે વૈશ્વિકતાને સ્વીકારી રહ્યું છે અને નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. બીજું ચીનનો ઢાંચો વિરોધાભાસી અને વર્ણસંકર છે.

મુક્ત અર્થતંત્ર (ઑપન ઈકોનોમી) અને બંધિયાર રાજ્યતંત્ર (ક્લોઝ્ડ સોસાયટી) નો વર્ણસંકર ઢાંચો લાંબો સમય ચાલી ન શકે. ચીનના શાસકો ઉપર નીચેથી દબાણ આવશે અને ચીનમાં રાજકીય સુધારાઓ થશે. થશે શું, કરવા જ પડશે. બીજા વરસે ૨૦૦૮ માં અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર એક અશ્વેત વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી. બરાક ઓબામાએ શ્વેત અમેરિકનોનો વિશ્વાસ જીત્યો હતો અને એક અશ્વેત વ્યક્તિની સ્વીકૃતિનો ઉત્સાહ અને તેમના પરની શ્રદ્ધા ગોરી અમેરિકન પ્રજાના ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. ૨૦૧૧ માં જ્યાં કોઈએ કલ્પના પણ નહોતી કરી ત્યાં, આરબ વિશ્વમાં ‘આરબ સ્પ્રિંગ’ નામે ઓળખાતું આંદોલન થયું. આરબ દેશોના મુસલમાનો લોકશાહીની માંગણી સાથે રસ્તા ઉપર ઊતર્યા હતા. તેમને બંધારણીય રાજ જોઈતું હતું. તેમને કાયદાનું રાજ જોઈતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાંની પ્રજાને બંધારણને, ન્યાયતંત્ર અને પ્રજાને જવાબદાર પ્રજાસત્તાક રાજ્ય જોઈતું હતું. ભારતમાં પણ ૨૦૧૧ માં રાજ્યને વધારે જવાબદાર બનાવવા માટે આંદોલન થયાં હતાં એ તમને યાદ હશે.

પણ આજે? આજે એમ લાગે છે દલાઈ લામા ચીનમાં લોકશાહી જોયા વિના આ જગતમાંથી વિદાય લેશે. ચીનની વાત છોડો, એ પવિત્ર દુઃખી આત્મા જગતના લોકશાહી દેશોમાંથી લોકશાહીને વિદાય લેતી કે લોકશાહીને ક્ષીણ થતી જોઈ રહ્યો છે. ખાસ કરીને જે દેશમાં તેમણે આશ્રય મેળવ્યો છે અને જે દેશને તેઓ તિબેટના ગુરુ સમાન દેશ તરીકે ઓળખાવી રહ્યા છે એ ભારતમાં લોકશાહીને ક્ષીણ થતી જોઈ રહ્યા છે. દલાઈ લામાને તેમના તિબેટ મુક્તિ અભિયાનમાં સૌથી વધુ મદદ અમેરિકાની મળતી રહી છે અને તેમની નજર સામે આજે અમેરિકામાં પણ લોકશાહી ક્ષીણ થઈ રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ બન્ને દેશમાં પ્રજાનો એક વર્ગ લોકશાહીનું માથું વધેરીને શાસકોને તાસકમાં ધરવા આતુર છે. માત્ર દસ વરસમાં આમ ઊંધા એકડા કેમ લખાવા માંડ્યા?

આવી સ્થિતિ માત્ર ભારત અને અમેરિકામાં જ નથી, બીજા લોકશાહી દેશોમાં પણ છે. જે દેશો ચીનમાં લોકશાહી નહીં હોવા માટે નિંદતા હતા અને પોતાને ત્યાં લોકશાહી હોવા માટે ગર્વ અનુભવતા હતા એ દેશોને અત્યારે ચીનના ગવર્નિંગ મોડેલની ઈર્ષા થઈ રહી છે. લોકશાહી દેશોમાં કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે ચીનના શાસકો અત્યારે દુનિયામાં સૌથી વધુ મજબૂત છે અને તેમની મજબૂતીનું કારણ લોકોના દબાવ અને દખલગીરીથી મુક્તિ છે. ચીનના શાસકો મજબૂત છે કારણ કે તેઓ પ્રશ્ન પૂછનાર લોકશાહી સંસ્થાઓ (સંસદ, અદાલત, સ્વતંત્ર મીડિયા, મુક્ત વિમર્શ અને જળ, જંગલ, જમીન અને લોકોના અધિકારોનું રક્ષણ કરનારી અને શાસનનું નિયમન કરનારી લોકશાહી સંસ્થાઓ)થી મુક્ત છે. ચીનના શાસકો મજબૂત છે કારણ કે તેમને રાજ્યો અને પ્રાંતોના અધિકારક્ષેત્ર (ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ ડીસ્ટ્રીબ્યુશન ઑફ પાવર) ની ચિંતા કરવાની જરૂર હોતી નથી. આને પરિણામે ચીનના શાસકો ઝડપથી નિર્ણયો લઈ શકે છે અને માટે ચીન આગળ નીકળી ગયું છે.

ચીન આગળ નીકળી ગયું છે અને ચીન હજુ આગળ નીકળી જવાનું છે. કારણ? કારણ કે તેના શાસકોને કોઈ પૂછનાર નથી. કોઈ પૂછનાર નથી એ તેમની તાકાત છે અને તેમની તાકાત એ ચીનની તાકાત છે. આ તાકાત ખરી તાકાત છે અને તેનું અનુકરણ કરવું જોઈએ. આપણે અત્યાર સુધીમાં નાગરિકશાસ્ત્રમાં ખોટું ભણતા અને ભણાવતા આવ્યા છીએ કે ખરી તાકાત પ્રજા ધરાવે છે. ઉલટું જાગૃત અને પ્રશ્ન પૂછનાર પ્રજા રાજ્યની તાકાતને ક્ષીણ કરે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના આંગળિયાત અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ પારુલ ખખ્ખરની બહુચર્ચિત કવિતા વિષે લખેલા નનામા સંપાદકીયમાં આ જ વાત કહી છે. વિચારનારા, જાગૃત અને પ્રશ્ન પૂછનારાઓ શાસકોની તાકાતને ક્ષીણ કરે છે અને શાસકોની તાકાતને ક્ષીણ કરનારાઓ રાજ્યની તાકાતને ક્ષીણ કરે છે અને એનું નામ જ અરાજકતા. તેમના મતે અરાજકતા એ ગુનો છે. તેઓ એ ભૂલી ગયા છે કે તેઓ અને તેમની હિન્દુત્વવાદી જમાત પુરોગામી શાસકોને પ્રશ્નો પૂછીને તેમની તાકાત ક્ષીણ કરીને અને એ દ્વારા રાજ્યની તાકાતને ક્ષીણ કરીને દિલ્હીમાં રાજ્ય કબજે કર્યું હતું અને એ અર્થમાં તેઓ પણ અરાજકતાવાદી હતા. તેમની અરાજકતા એ રાષ્ટ્રવાદ અને પારુલ ખખ્ખરની અરાજકતા એ ગુનો.

પણ આવું કહેનારાઓ છે અને આવું કહેનારાઓને સમર્થન આપનારાઓ પણ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષે (નામ યાદ આવતું નથી અને મને ખાતરી છે કે તમને પણ નામ યાદ નહીં હોય. દરેક સ્થાને વ્હેંતિયાઓને બેસાડવામાં આવ્યા છે એટલે નામ યાદ રહેતાં નથી અને એમનું કદ જોતાં ગુગલ કરીને એ ભાઈનું નામ શોધવાની જરૂર પણ નથી.) થોડા સમય પહેલાં કહ્યું હતું કે ભારતની સમસ્યા વધારે પડતું લોકતંત્ર છે. લોકો પ્રશ્નો બહુ પૂછે છે અને કામ કરવા દેતા નથી. આમ કહેનારાઓને સમર્થન આપનારાઓ અત્યારે મોટી સંખ્યામાં છે. કાલે કોઈ માસ્તર એમ કહે કે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછીને ભણાવવા દેતા નથી તો આપણી પાસે બેવકૂફોની એક જમાત છે જે હોંશેહોંશે કહેશે કે સાહેબ સાચું કહે છે. પ્રશ્નો તે કાંઈ પૂછાતા હશે? સાહેબ ભણાવે ક્યારે?

તો જગતના લોકશાહી દેશોમાં કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે વિચાર કરવાથી અને પ્રશ્નો પૂછવાથી શાસકોની શક્તિ ક્ષીણ થાય છે અને પરિણામે રાજ્યની તાકાત ક્ષીણ થાય છે. ચીન આગળ નીકળી ગયું છે કારણ કે ત્યાં વિચારવાની આદતને પ્રોત્સાહન આપવામાં આવતું નથી અને પ્રશ્નો પૂછવાની મનાઈ છે. વિચારનારાને અને પ્રશ્ન પૂછનારાને શાસન તરફથી કોઈ રક્ષણ આપવામાં આવતું નથી. હા, તમારે બોલવું જ હોય તો શાસકોની શક્તિમાં વધારો થાય અને તે પોરસાય એવું બોલો, પણ અકળાવનારા પ્રશ્ન પૂછો એ ન ચાલે. શાસકોને પ્રશ્નો પૂછવાથી આખરે રાજ્યની શક્તિ ક્ષીણ થાય છે. આપણે ચીનનો મુકાબલો કરવાનો છે. આમ ચીનના શાસકીય ઢાંચાને સફળ ઢાંચા તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે અને અત્યારે જગતમાં ચીન રેફરન્સ પોઈન્ટ બની ગયું છે. દસ વરસ પહેલાં પણ ચીન આજ જેટલી જ ઝડપથી આગળ વધતું હતું, પરંતુ તેના શાસકીય ઢાંચાને સફળ અને અનુકરણીય માનવામાં નહોતો આવતો. રાજ્યની ખરી તાકાત તેની પ્રજા છે અને પ્રજાની તાકાતમાંથી રાજ્ય તાકાત મેળવે છે એવા એક છેડાથી બરાબર બીજા છેડે પ્રજાની તાકાત શાસકોની તાકાતને અને અર્થાન્તરે રાજ્યની તાકાતને ક્ષીણ કરે છે એવી માન્યતા દૃઢ થતી જાય છે. એક દાયકામાં જગતે જાણે કે એક વર્તુળ પૂરું કરી નાખ્યું!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top