Sports

T-20ના જમાનામાં વન-ડે ક્રિકેટનો ક્રેઝ ઘટ્યો, જો આવું જ રહ્યું તો વન-ડે મેચ રમાડાશે જ નહીં!

નવી દિલ્હી: નજીકના ભવિષ્યમાં વન-ડે ક્રિકેટનું (ODI Cricket) અસ્તિત્વ ભુંસાઈ જાય તેવી દહેશત ઉભી થઈ છે. ટી-20ના (T-20) જમાનામાં ફેન્સનો વન-ડે મેચો પ્રત્યેનો રસ ઘટી રહ્યો છે અને બ્રોડકાસ્ટ કંપનીઓ પણ તેનું લાઈવ પ્રસારણ કરવામાં રસ દાખવી રહી નહીં હોવાથી આઈસીસી દ્વારા વન-ડે ટુર્નામેન્ટો રમાડવાનું બંધ કરવામાં આવે તેવા અહેવાલો સામે આવ્યા છે.

ODI ફોર્મેટના ભવિષ્ય પર ટૂંક સમયમાં મોટો નિર્ણય સંભવ છે. ODI ક્રિકેટની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. ચાહકો T20 ફોર્મેટમાં ક્રિકેટ જોવાનું પસંદ કરે છે, કારણ કે તેમાં ઓછા સમયમાં ઘણો રોમાંચ મળે છે. આંકડા દર્શાવે છે કે કોરોના મહામારી બાદ ચાહકો ODI ક્રિકેટમાં ઓછો રસ લઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે T20 ફોર્મેટની લોકપ્રિયતા વધી છે, તેવા ODI ફોર્મેટ માટે બ્રોડકાસ્ટરની વ્યવસ્થા કરવી સરળ નથી. તો આવી સ્થિતિમાં દ્વિપક્ષીય વનડે શ્રેણીને રદ કરી શકાય છે.

તાજેતરમાં MCC દ્વારા આઈસીસીને સૂચન કરાયું છે કે 2027 વન-ડે વર્લ્ડકપ પછી દ્વિપક્ષીય ODI શ્રેણી બંધ થવી જોઈએ. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન MCC એ ICCને દ્વિપક્ષીય ODI શ્રેણીને રદ કરવાનું સૂચન કર્યું છે. એમસીસીએ કહ્યું કે T20 ફોર્મેટ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. તેથી દ્વિપક્ષીય વનડે સિરિઝ બંધ કરવી જોઈએ. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ICCની બેઠક યોજાશે. આ બેઠકમાં ODI ફોર્મેટ પર મોટો નિર્ણય સંભવ છે. અહેવાલો અનુસાર, આઈસીસીના એક સભ્યએ કહ્યું કે વર્લ્ડ કપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક છે, પરંતુ તેમ છતાં ચાહકો ODI ફોર્મેટમાં રસ નથી બતાવી રહ્યા. 

તેણે કહ્યું કે ખાસ કરીને કોરોના મહામારી પછી ટી-20ને કારણે ચાહકોએ વનડેમાં વધુ રસ દાખવ્યો નથી. જો કે, તે જ સમયે, તેણે કહ્યું કે માત્ર ભારત જેવો દેશ જ વિશ્વ કપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ઇવેન્ટ માટે 50 ઓવરની મેચો માટે ભીડ એકઠી કરી શકે છે, જે ODI ફોર્મેટને બચાવવા માટે જરૂરી છે.

ચાહકો ઉપરાંત બ્રોડકાસ્ટર્સ પણ ODI ફોર્મેટ પ્રત્યે ઉદાસીન
ICC અનુસાર, હવે બ્રોડકાસ્ટર્સ ટેસ્ટ સિરીઝ અથવા T20 સિરીઝ પર ફોકસ કરી રહ્યા છે. બ્રોડકાસ્ટર્સ ODI ફોર્મેટમાં વધુ રસ દાખવી રહ્યા નથી. જોકે, ODI ફોર્મેટનું ભવિષ્ય શું હશે તેનો અંતિમ નિર્ણય ડરબનમાં યોજાનારી ICCની બેઠકમાં લેવામાં આવશે. 

ટેસ્ટ ફોર્મેટ સામે પણ અનેક પડકારો
એમસીસીનું કહેવું છે કે ટેસ્ટ ફોર્મેટના પોતાના પડકારો છે. ટેસ્ટ ક્રિકેટના અસ્તિત્વ માટે સતત યુદ્ધ ચાલતુ આવ્યું છે. દુનિયામાં ઘણા એવા દેશ છે, જેઓ 5 દિવસની મેચો પર પોતાના પૈસા ખર્ચવા નથી માંગતા. એમસીસીએ ઝિમ્બાબ્વેનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઝિમ્બાબ્વેએ વર્ષ 2017માં નિર્ણય લીધો હતો કે તે તે પોતાના દેશની બહાર મેચ રમશે. મતલબ, અન્ય ટીમોની યજમાનીમાં રમશે. ઉપરાંત MCC એ સૂચવ્યું છે કે ICC ટેસ્ટ મેચો માટે અલગ ફંડની વ્યવસ્થા કરે.

Most Popular

To Top