આ વખતે ચોમાસાની ગતિ ઘણી વિચિત્ર રહી છે તે બાબતે અહીં અગાઉ પણ ચર્ચા થઇ ચુકી છે. ચોમાસુ તેના નિયત સમય કરતા મોડું શરૂ થયું, જૂન મહિનામાં ઘણો ઓછો વરસાદ રહ્યો, પણ પછી જુલાઇ મહિનામાં દેશના ઘણા ભાગોમાં અસાધારણ રીતે વધારે પડતો વરસાદ થયો. આ વખતે જૂન મહિનામાં વાવાઝોડું પણ હતું તેની અસર પણ રહી. શરૂઆતમાં વરસાદ ઘણો ખેંચાઇ ગયો પણ જુલાઇમાં ખાસ કરીને દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં અસાધારણ રીતે વધારે પડતો વરસાદ થયો છે.
ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને પછી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદે તરખાટ મચાવ્યો. યમુના છલકાવાને કારણે રાજધાની દિલ્હીમાં વર્ષો પછી અસાધારણ કહી શકાય તેવી પૂરની સ્થિતી જોવા મળી. હિમાચલ પ્રદેશમાં તો ભારે વરસાદે ઘણી તબાહી મચાવી. ઘણાનાં મૃત્યુ તો થયા જ સાથો સાથે માલ મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. આપણા ગુજરાતમાં જુલાઇના છેલ્લા દિવસોમાં પણ વરસાદે ભારે તડાફડી બોલાવી. હવે જુલાઇના આ ભારે વરસાદ પછી હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે.
જુલાઇમાં વધારે પડતા વરસાદ પછી ચોમાસુ સત્રના બીજા અર્ધભાગ(ઓગસ્ટ-સપ્ટેમ્બરના સમયગાળા)માં ભારતમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી અપેક્ષા છે એમ હવામાન વિભાગે કહેતા સોમવારે જણાવ્યું હતું કે અલ-નીનોની સ્થિતિ વરસાદ લાવતા પવનો પર અસર કરવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે. ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ અગાઉ જણાવ્યું હતું કે અલ-નીનો દેશમાં નૈઋત્યના ચોમાસના બીજા અર્ધભાગ પર કદાચ અસર કરી શકે છે. જો કે એવી અપેક્ષા છે કે દેશ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ મેળવે, ત્યારે એવી શક્યતા છે કે તે સામાન્ય વરસાદ(૪૨૨.૮ મીમી)ની નીચે તરફની બાજુ(૯૪ ટકાથી ૯૯ ટકા) તરફ ઢળે એમ હવામાન વિભાગના ડાયરેકટર મૃત્યુંજય મોહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે જૂનમાં નવ ટકા ઓછો વરસાદ હતો તો જુલાઇમાં ૧૩ ટકા વધુ વરસાદ થયો છે. જુલાઇમાં ૧૩ ટકા એટલે કે નોંધપાત્ર વધારે પડતો વરસાદ થયો છે એમ કહી શકાય. અલબત્ત, દેશના પૂર્વ અને ઉત્તરપૂર્વના ભાગોએ જુલાઇ મહિનામાં ૧૯૦૧ પછીથી સૌથી ઓછો વરસાદ(૨૮૦.૯ મીમી) થયો છે એમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ પ્રદેશમાં ગયા વર્ષે જુલાઇમાં ૨૩૪.૮ મીમી વરસાદ થયો છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં જુલાઇમાં ૨૦૦૧ પછીનો આ મહિનાનો સૌથી વધુ ૨૫૮.૬ મીમી વરસાદ થયો છે. આમ જુલાઇમાં વરસાદ ફક્ત વધુ પડતો થયો નથી પણ તેની વહેંચણી પણ અસમાન રહી છે.
સામાન્ય ચોમાસુ એ દેશના કૃષ ક્ષેત્ર માટે મહત્વનું છે, જેમાં બાવન ટકા જેટલી ખેતી વરસાદ પર આધારિત છે. વધુમાં તે પીવાના પાણી અને વિજળી ઉત્પાદન માટે આવશ્યક એવા જળાશયોને ભરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વરસાદ પર આધાર રાખતી ખેતી દેશના કુલ અનાજ ઉત્પાદનમાં અંદાજે ૪૦ ટકા જેટલો ફાળો આપે છે ત્યારે તે દેશની અન્ન સુરક્ષા અને આર્થિક સ્થિરતામાં મહત્વનો ફાળો આપે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પૂર્વ મધ્ય ભારત, પૂર્વ અને પૂર્વોત્તરના ભાગો અને હિમાલયના મોટા ભાગના સબડિવિઝનોમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે, જ્યારે મોટા ભાગના દ્વિપકલ્પીય ભારત અને ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના પશ્ચિમી ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શક્યતા છે.
ઓગસ્ટમાં વરસાદ સામાન્ય કરતા ઓછો(લાંબા ગાળાની સરેરાશના ૯૪ ટકા કરતા ઓછો) થવાની શક્યતા છે પરંતુ સરખામણીમાં સપ્ટેમ્બરમાં સ્થિતિ બહેતર રહેશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે. ભારતમાં ઓગસ્ટમાં ૨૫૪.૯ મીમી વરસાદ નોંધાય છે. ઓગસ્ટ મહિનો શરૂ થઇ રહ્યો છે અને હવે આ મહિનામાં વરસાદ કેવો રહે છે તે જોવાનું રહે છે. અતિવૃષ્ટિને કારણે શાકભાજીના ભાવોમાં વધારા જેવી અસરો જોવા મળી જ છે, હવે જો વધારે પડતો વરસાદ થાય તો ચોક્કસ લીલા દુકાળના સંજોગો ઉભા થાય. આથી હવામાન વિભાગની ચોમાસાના બાકીના બે મહિનામાં સામાન્ય વરસાદની આગાહી રાહતરૂપ છે.