Madhya Gujarat

ખેડા જિલ્લામાં દિવાળી પૂર્વે ફૂડ વિભાગની તવાઈ

નડિયાદ: દિવાળીના તહેવાર પહેલા ખેડા જિલ્લા ફૂડ વિભાગ સક્રિય થયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન ખેડા જિલ્લા ફૂડ વિભાગે કુલ 155 એકમોની તપાસ કરી અને તેમાંથી જુદા-જુદા ખાદ્ય પદાર્થના સેમ્પલો લીધા છે. જે ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર ટાણે જ્યારે વેપારીઓ ભેળસેળયુક્ત સામગ્રી વેચાણ કરી કમાણી કરી લેવાની ફિરાકમાં હોય છે, તેવા સમયે ફૂડ વિભાગે મુખ્ય બજારોમાં સપાટો બોલાવ્યો છે. જ્યાં જુદી-જુદી આઈટમોના નમૂના લેવાયા છે. ફૂડ વિભાગના અધિકારી પિયુષભાઈ પ્રજાપતિના નેજા હેઠળ ફૂડ વિભાગની જુદી-જુદી ટીમો બનાવાઈ હતી.

ફૂડ સેફ્ટી ઓફીસરની ટીમ તથા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ તથા તેની સાથે ફાળવેલ કેમીસ્ટ સ્ટાફ સાથે દિવાળીના તહેવારને ધ્યાને રાખી ખેડા જિલ્લાના નાગરીકોને મિઠાઈ, ફરસાણ, માવો, બરફી, ઘી, તેલ, મુખવાસ તથા અન્ય ખાદ્ય સામગ્રી ગુણવત્તા યુક્ત મળી રહે તે હેતુથી ઉપરોક્ત ટીમ દ્વારા જિલ્લામાં 155 પેઢીઓમાં તપાસ કરી 1 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી સપ્તાહ દરમિયાન શંકાસ્પદ નમૂના લેવાની અને એફ.એસ.એસ.એ. હેઠળની અન્ય કામગીરી કરી છે.

આ કામગીરી દરમિયાન આ ટીમો દ્વારા નડિયાદ સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકાના મુખ્ય મથકોમાં આવેલા બજારોમાં સપાટો બોલાવ્યો હતો. જેમાં કુલ 155 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ફોર્મલ 40 નમૂના લેવાયા છે. જ્યારે 89 સર્વેલન્સ નમૂના લેવાયા છે. આ નમૂનામાં મિઠાઈ, ફરસાણ, માવો અને બરફી સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીના પગલે જિલ્લાભરના મુખ્ય બજારમાં વ્યવસાય કરતા ખાણી-પીણી અને ડેરી તેમજ મિઠાઈના વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

મિઠાઈ, ફરસાણ, માવા સહિતના 225 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાય
ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન જિલ્લાના જુદા-જુદા એકમોમાંથી 35 કિલો મિઠાઈ જેની કિંમત 10,500/-, 40 લિટર બળેલુ તેલ જેની કિંમત 800/-, 42 કિલો બેકરીની આઈટમ જેની કિંમત 840/-, મીઠો માવો 70 કિલો જેની કિંમત 1400 રૂપિયા જ્યારે 38 કિલો ફરસાણ જેની કિંમત 38 કિલો મળી કુલ 225 કિલો અખાદ્ય બિન આરોગ્યપ્રદ જથ્થો જેની કુલ કિંમત 14,300 ગણી તેનો નાશ કરાયો છે.

74 ખાદ્યએકમો પર તળેલા તેલની તપાસ
ફૂડ વિભાગે કાર્યવાહી દરમિયાન FSW વાન દ્વારા ટી.પીસી./તળેલા તેલ માટે 74 એકમો પર તળેલા તેલની તપાસ કરી હતી. આ પૈકી 40 લિટર તેલનો નાશ કરવામાં આવ્યો છે. જેની કિંમત 800 રૂપિયા હતી. ફૂડ વિભાગ દ્વારા તળેલા તેલની ગુણવત્તા માપવામાં આવતી હોય છે. જે અખાદ્ય અને બિન આરોગ્યપ્રદ લાગતા તેનો નાશ કરાયો છે.

Most Popular

To Top