Dakshin Gujarat

શું આમ ભણશે ગુજરાત? બારડોલીમાં વિદ્યાના મંદિર પાસે જ જાહેર શૌચાલયની ગંદકી

બારડોલી(Bardoli): આંગણવાડી અને શાળા(School)ને આપણા દેશમાં વિદ્યાના મંદિરની ઉપાધિ આપવામાં આવી છે. બારડોલી નગરપાલિકા(Bardoli Municipality)માં આવા જ એક વિદ્યાના મંદિરનું ગંદકી(dirt)થી ખડબડી રહ્યું છે. નગરપાલિકા દ્વારા વિદ્યાના મંદિરની ગરિમા પણ જાળવી નથી અને આંગણવાડી પહેલા જ અત્યાધુનિક શૌચાલય તાણી બાંધ્યું છે. તલાવડી મેદાન નજીક આવેલી આંગણવાડીમાં બાળકે જવું હોય તો પહેલા જાહેર શૌચાલય પાસેથી પસાર થવું પડે છે અને આ અત્યાધુનિક જાહેર શૌચાલય(public toilets)ની સાથે જ આંગણવાડીનું જર્જરિત મકાન આવેલું છે. હાલ ચોમાસું ચાલી રહ્યું હોય તેમજ શૌચાલયની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી હાલ આંગણવાડીની ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કે, હાલ ગંદકીને કારણે આંગણવાડી બંધ કરવામાં આવી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ત્યારે શૌચલાયની સાથે જ ગંદકીમાં ખડબડતા વિદ્યાના મંદિરમાં દેશનું ભવિષ્ય કેવું શિક્ષણ મેળવી શકશે તે અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

  • બારડોલીમાં વિદ્યાના મંદિરની ગરિમા લજવાઈ : આંગણવાડી પાસે જ જાહેર શૌચાલયની ગંદકી
  • તલાવડી મેદાન નજીક આવેલી આંગણવાડીમાં બાળકે જવું હોય તો પહેલા જાહેર શૌચાલય પાસેથી પસાર થવું પડે છે

આ અંગે સ્થળ મુલાકાત કરતાં આંગણવાડીની આગળ અને પાછળ મળમૂત્ર જોવા મળ્યું હતું અને સહી ન શકાય એવી દુર્ગંધ આવી રહી હતી. બિલકુલ શૌચાલયની સાથે જ આંગણવાડી બનાવવા માટે પરવાનગી આપનાર અધિકારી અને શાસકોને વિદ્યાના મંદિરની ગરિમાનું પણ ધ્યાન રહ્યું ન હશે? એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ આંગણવાડીમાં અંદાજિત 40 જેટલાં બાળકો અભ્યાસ કરે છે. જેને હાલ સામે આવેલી અન્ય આંગણવાડીમાં બેસાડવામાં આવી રહ્યાં છે. બાળકો તો આ આંગણવાડીમાં નથી જતાં પણ આ ગંદકીને કારણે આજુબાજુ રહીશોના આરોગ્ય માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા શૌચાલયની બાજુમાં આવેલી આંગણવાડી ખસેડી અન્ય જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે.

ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે ચર્ચા થઈ છે
આ અંગે બારડોલીનાં ઇનચાર્જ CDPO પુષ્પાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ગંદકીને કારણે આંગણવાડીમાં બાળકોને બેસાડી શકાય એમ ન હોવાથી હાલ અન્ય આંગણવાડીમાં બેસાડવામાં આવે છે. પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે પણ ચર્ચા થઈ છે. પાલિકા દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે. જો કે, આંગણવાડી માટે બારડોલી નગરમાં જગ્યા મળતી ન હોવાથી મુશ્કેલી પડી રહી છે.

સફાઈ અને પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે
બીજી તરફ ચીફ ઓફિસર વિજય પરીખે જણાવ્યું હતું કે, હાલ તલાવડી મેદાનમાં સ્ટેડિયમનું કામ ચાલી રહ્યું હોય પાઇપલાઇન તૂટી જવાથી આ સ્થિતિ સર્જાય છે. બાળકોને તો પહેલાથી અન્ય આંગણવાડીમાં ખસેડી દેવામાં આવ્યા હતા. હાલ પાલિકા દ્વારા સફાઈ અને પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે.

Most Popular

To Top