Charchapatra

ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવાની જરૂર

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. પરિણામે ગુજરાતના ખેડૂતોને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતાં હાલ લાચારી અનુભવી રહ્યાં છે. આવતા માર્ચ મહિના સુધી ડુંગળીની નિકાસબંધી જાહેર થયા પછી રાજયમાં ખેડૂતોએ ઠેરઠેર દેખાવ અને ધરણાં કર્યાં છે. ડુંગળીનો પાક હાઇ વે પર નાંખી દીધા પછી પણ સરકાર કોઇ નિર્ણય લઇ શકતી નથી. રાજયની એપીએમસી પણ ડુંગળી લેવા તૈયાર થતી નથી. આમ ખેડૂતો બરબાદ થઇ રહ્યાં છે. એક કિલો ડુંગળી વેચતા ખેડૂતને માત્ર પાંચ રૂપિયા ભાવ મળે છે પરંતુ તે ડુંગળી જયારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને તેના પ્રતિ કિલોએ રૂપિયા ત્રીસ કે ચાલીસ ચૂકવવા પડે છે.

એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓને રૂપિયા પચ્ચીસ કે પાંત્રીસ મળી રહ્યા છે. સરકારે ડુંગળીના ભાવ ઘટાડવા માટે નિકાસબંધી જાહેર કરી છે. પરંતુ તેનાથી ખેડૂતો અને ગ્રાહકોને કોઇ જ ફરક પડયો નથી. ડુંગળીના ભાવનો લાભ તો ખેત બજાર સમિતિઓ અને હોલસેલના વેપારીઓ મેળવી રહ્યા છે. મોંઘા બિયારણ, ખાતર, માવજત, પાણી અને મજૂરી પછી ટ્રાન્સપોર્ટેશનમાં લવાતી ડુંગળીના ખેડૂતોને પડતર ભાવ પણ મળી રહ્યા નથી. હજી પણ સિઝનમાં ડુંગળીની ખૂબ જ ઉપજ થવાની છે ત્યારે ખેડૂતોમાં એવી તીવ્ર લાગણી પ્રવર્તી રહી છે કે કેન્દ્ર સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો ખેડૂતોને રાજય સરકાર પોષણક્ષમ ભાવ આપે. નિકાસબંધીને કારણે ખેડૂતોને તેમની ડુંગળી સ્થાનિક માર્કેટમાં વેચવી પડી રહી છે. સરકારે આ બધી બાબતને લક્ષમાં લઇ યોગ્ય પગલાં લેવાની તાતી જરૂર છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સી.એ.એ.ના કાયદા-અમલમાં તકેદારી જરૂરી છે
કેન્દ્ર સરકારે 2024માં પોતાના પહેલા મોટા પગલા તરીકે નાગરિકતા સુધારા કાયદો (C.A.A.) જો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ કાયદો-નિયમ 26મી જાન્યુઆરી પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે એવું આધારભૂત સૂત્ર દ્વારા જણાવાયું છે. હવે આ કાયદામાં શું છે તેનો અભ્યાસ કરતાં જણાશે કે આ નિયમ મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર હેરાન થઈને આવેલા હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયનાં લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

અહીં દેશના હિતમાં ગંભીર પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ભારતમાં પહેલાંથી જ ગેરકાયદેસર સરહદ પાર કરીને આવેલા બિનભારતીયો ભારતમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. જેમ કે આતંકવાદની પ્રવૃત્તિઓ તેમજ નશાયુક્ત પદાર્થોનો ગેરકાયદેસર વેપાર કરી રહી છે. હવે અન્ય દેશોનાં નાગરિકોને ભારતીય નાગરિકતા આપતાં પહેલાં તેમના આઈ.ડી. કાર્ડો તેમજ તેમના ભૂતકાળને લગતી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી અને અન્ય જરૂરી પેપરોની ચોક્કસાઈ અને તકેદારીપૂર્વક તપાસ કરાવવી અનિવાર્ય અને દેશના હિતમાં છે. આ જવાબદારી સંપૂર્ણપણે સરકારે જ લેવી પડશે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top