Columns

બધું મારા ઠાકોરજીનું

એક ગરીબ ખેડૂત ધોમધખતા તાપમાં ખેતરમાં કામ કરી રહ્યો હતો અને કામ કરતા કરતા મોટે અવાજે હરિના ભજન લલકારી રહ્યો હતો અને સખ્ત ગરમીમાં થાક્યા વિના પરસેવે રેબઝેબ થઇ મહેનત કરી રહ્યો હતો અને તેના મુખ પર અજબ સંતોષ અને ખુશી હતી.તેના હોઠો પર કોઈ ફરિયાદ ન હતી.બપોરનો સમય થયો ખેડૂતની પત્ની ભાથું લઈને આવી અને ખેડૂતે બળદને ઝાડ નીચે છાંયડામાં બેસાડ્યા.પાણી આપ્યું.ઘાસ આપ્યું અને પ્રેમથી કહ્યું, ‘મારા ઠાકોરજીના બળદીયા ઘડીક પોરો ખાઈ લો.’પછી ખેડૂત પત્ની સાથે જમવા બેઠો પત્નીએ ભાથું ખોલ્યું બોલી, ‘માંડ ચાર સુકા રોટલા અને મરચા લાવી છું.હવે ઘરમાં કઈ નથી.સાંજે વાળુ [રાત્રિનું જમણ] શું કરશું તે પણ પ્રશ્ન છે.’

ખેડૂત બોલ્યો, ‘જેવી ઠાકોરજીની મરજી…અત્યારે ચિંતા ન કર હમણાં ઠાકોરજીએ આ રોટલા આપ્યા છે ને ચાલ અડધા અડધા ખાઈ લઈએ. ઠાકોરજીને જે કરવું હોય તે કરશે.’પત્ની બોલી, ‘કેવી આંધળી ભક્તિની વાત કરો છો.તમે આટલી મહેનત કરો છો આટલી ભક્તિ કરો છો સતત ઠાકોરજીનું નામ લો છો અને આપણને મળે છે શું??? ઠાકોરજી આપણને આપે છે શું??’ખેડૂત બોલ્યો, ‘ગાંડી થા મા..આવું ન બોલાય જો સમજ આ શરીર આપ્યું ઠાકોરજીએ …તેમાં ભુખ લાગી રોટલાની … રોટલો બન્યો બાજરાનો …બાજરો ઉગ્યો ખેતરમાં ..આ ખેતર આપ્યું છે ઠાકોરજીએ…જો આ પાણી તળાવનું …અને તળાવ ઠાકોરજીનું …આ રોટલો બન્યો ચુલા પર …ચૂલો બન્યો માટીનો ..માટી ઠાકોરજીની…સાંભળ મારી વાત, આ બળદ ઠાકોરજીના …આ હળ ઠાકોરજીનું …આ હળ ચલાવતો મારો હાથ;મારી મહેનત પણ આ શરીર આપ્યું ઠાકોરજીએ…એટલે આ ફસલ આખી ઠાકોરજીની…આ કુવો ખોદ્યો આપણે પણ અંદર પાણી આપ્યું ઠાકોરજીએ …. ચારેબાજુ જો બધે મારા ઠાકોરજીની કૃપા છે…આ ખેતર; આ પાદર;આ ગામ;તેના ગલી-મહોલ્લા બધુજ ઠાકોરજીનું જ છે તેમ હું માનું છું.

એટલે આપણે અને આપણા પ્રશ્નો,આપણા સુખ દુઃખ બધું ઠાકોરજીનું છે એટલે તેઓ વિચારશે અને રસ્તો કાઢશે.તેમણે જેમ નિર્ધાર્યું હશે તેમ થશે તેમાં તસુભાર ફેરફાર નહિ થાય. માટે ચિંતા કરવાની મુક અને મારા ઠાકોરજી પર ભરોસો રાખ.અને યાદ રાખ ઠાકોરજી તો સતત આપતાં જ રહે છે તું એમ ન પૂછ ઠાકોરજી આપણને શું આપે છે?એમ વિચાર આપણે ઠાકોરજીને શું આપી શકીએ.’આટલું બોલી ખેડૂત બે રોટલા ખાઈને, પાણી પી જરાક ખેતરમાં ઝાડ નીચે આડો પડ્યો અને ઠાકોરજીનું ભજન ગાવા લાગ્યો.ખેડૂત પત્ની પોતાના પતિની અડોલ શ્રધ્ધાને જોતી રહી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top