Gujarat

રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી શરૂ કરો: કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની માંગ

ગાંધીનગર: રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકસતી જાતિ (ઓબીસી)ને બંધારણની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) વસતીના ધોરણે અનામત આપવા તથા બજેટમાં (Budget) વસતીના ધોરણે જોગવાઈ કરી ગ્રાન્ટ (Grant) ફાળવવામાં આવે, તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ગુરુવારે સમર્પિત આયોગને મળી જુદી જુદી માંગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું હતું.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, ધારાસભ્ય અમિત ચાવડા, ગેની ઠાકોર સહિત અનેક અગ્રણીઓએ ગાંધીનગરમાં સમર્પિત આયોગ સમક્ષ ઓબીસી સમાજને જોગવાઈ મુજબ અનામતનો લાભ આપવા રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા સમર્પિત આયોગને આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી તાત્કાલિક શરૂ કરી આ કામગીરી ત્રણ માસમાં પૂર્ણ કરી તેના આંકડા જાહેર કરવામાં આવે. જ્ઞાતિ આધારિત વસતીની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અને અન્ય જગ્યાઓમાં ઓબીસી અનામતની સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવે.

રાજ્યમાં ઓબીસી સમાજની વસતી 52 ટકા કે તેથી વધુ છે. આ વર્ગમાં સંવિધાનની જોગવાઈ તથા પ્રવર્તમાન નિયમો મુજબ મધ્યપ્રદેશમાં અમલી નીતિ મુજબ ગુજરાતમાં પણ ગ્રામ પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં 27 ટકા બેઠક અનામત રાખવા નીતિવિષયક જાહેરાત કરવામાં આવે. ગુજરાતમાં ઓબીસી સમાજના લાભાર્થીઓ માટે યોજનાઓમાં પૂરતું બજેટ ફાળવવામાં આવતું નથી. જેથી વસતીના ધોરણે બજેટમાં જોગવાઈ કરવામાં આવે. એસ.ટી., એસ.સી.ની સબ પ્લાનની હાલની જોગવાઈ મુજબ ઓબીસી સબ પ્લાન અંગેની જોગવાઈ કરવામાં આવે, તેમજ સરકારી તેમજ સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવતી ભરતીમાં ઓબીસી સમાજના લોકો માટે 27 ટકા જગ્યા અનામત રાખવામાં આવે સહિતની વિવિધ માંગણીઓ કરતું આવેદનપત્ર સમર્પિત આયોગને રજૂ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top