Columns

ઇડી હવે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનનો શિકાર કરવા માગે છે

ભાજપના રાજમાં વિપક્ષના કોઈ મુખ્ય મંત્રી સલામત નથી. બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પોતાની ખુરશી ટકાવી રાખવા માટે મજબૂરીવશ ઇન્ડિયા ગઠબંધનને ટાટા બાય કહીને ભાજપ સાથે ગઠબંધન કર્યું તે પછી ભાજપનો આગલો શિકાર ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન હશે અને તે પછી કદાચ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી તેજસ્વીપ્રસાદ યાદવનો પણ વારો હોઈ શકે છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ ઇડી ગમે ત્યારે જેલમાં ધકેલી શકે છે. ભાજપના રાજમાં મુખ્ય મંત્રીને જેલમાં મોકલવાનું ખૂબ આસાન થઈ ગયું છે. ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન તો ઇડીના હાથે ધરપકડથી બચવા માટે જે રીતે દિલ્હીમાં ભેદી રીતે ગાયબ થઈ ગયા અને રાંચીમાં પ્રગટ થયા તે તો કોઈ હિન્દી સસ્પેન્સ ફિલ્મની કથા જેવું હતું. દિલ્હીમાં તેમની બીએમડબલ્યુ કારમાંથી ૩૬ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા તે પછી હેમંત સોરેન તેમની કાર ઉપરાંત તેમનું વિમાન પણ દિલ્હીમાં મૂકીને પોબારા ગણી ગયા હતા.

હેમંત સોરેન દિલ્હીમાં ગાયબ થઈ ગયા તેના લગભગ ૪૦ કલાક પછી મંગળવારે રાંચી પહોંચ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) કથિત જમીન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. ઇડીએ અત્યાર સુધીમાં ૧૦ સમન્સ જારી કર્યા છે. એવી ચર્ચા છે કે ઇડી હેમંત સોરેનની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળની સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

હેમંત સોરેનના ગુમ થવા બાબતનાં પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યાં છે અને ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. હેમંત સોરેન રાંચી પહોંચ્યા બાદ એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેઓ તેમના તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને મુખ્યમંત્રી આવાસ પર મળ્યા છે. ખાસ વાત એ છે કે આ મીટિંગમાં હેમંતની પત્ની કલ્પના સોરેન પણ હાજર રહ્યાં હતાં. જો હેમંત સોરેનને લાલુપ્રસાદ યાદવની જેમ જેલમાં જવું પડે તો રાબડી દેવીની જેમ કલ્પના સોરેનને મુખ્ય મંત્રી બનાવાય તેવી સંભાવના છે.

ઇડીએ સોમવારે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન હેમંત સોરેન સ્થળ પર જોવા મળ્યા ન હતા, પરંતુ ઇડીની ટીમે બંગલામાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હતી. ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હેમંત સોરેનના બંગલામાંથી ૩૬ લાખ રૂપિયાની રોકડ મળી આવી છે અને તેની સાથે બે લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી છે.

દક્ષિણ દિલ્હીમાં હેમંત સોરેનના બંગલામાં ઇડીએ દરોડા પાડ્યા હતા અને લગભગ ૧૩ કલાક સુધી ઇડીની ટીમ બંગલામાં હાજર રહી હતી. ઝારખંડમાં જમીન કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડીની ટીમ હેમંત સોરેનના બંગલે પહોંચી હતી. રોકડની સાથે ઇડીએ બંગલામાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સાથે હરિયાણા નંબરની બીએમડબલ્યુ કાર અને અન્ય કાર પણ જપ્ત કરી છે. મિડિયા અહેવાલો અનુસાર હેમંત સોરેને ઇડીને જણાવ્યું હતું કે તેઓ ઇડીને બુધવારે તેમના રાંચીના નિવાસસ્થાને મળશે.

ઝારખંડનું રાજકીય નાટક તે ૮૧ ધારાસભ્યોની આસપાસ ફરે છે, જેમાં બહુમતી હાલમાં મુખ્ય મંત્રી હેમંત સોરેન પાસે છે. અહીં બહુમત માટે કુલ ૪૧ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ૨૯ ડિસેમ્બરે તેમની સરકારની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેઓ ઝારખંડના પહેલા આદિવાસી મુખ્યમંત્રી બન્યા છે, જેમને સતત ચાર વર્ષ સુધી આ પદ સંભાળવાની તક મળી છે. આ એકમાત્ર વસ્તુ છે જેનો હેમંત સોરેન ફાયદો ઉઠાવવા માંગે છે. તેઓ કહેતા રહ્યા છે કે તેમની ધરપકડ કરવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે પરંતુ તેઓ  ડરતા નથી કારણ કે તેઓ શિબુ સોરેનના પુત્ર છે અને તેમના પરિવારનો સંઘર્ષ સાથે લાંબો સંબંધ છે. શિબુ સોરેન પણ ભ્રષ્ટાચારના કેસમાં અનેક વખત જેલના મહેમાન બની ચૂક્યા છે.

જમીન કૌભાંડ કેસ સંબંધિત કથિત મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫૦ હેઠળ સોરેનને ૧૦ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સી બે મોટા કેસની તપાસ કરી રહી છે, જેમાં રાજ્યની રાજધાનીમાં ગેરકાયદેસર ખાણકામ અને જમીન કૌભાંડનો સમાવેશ થાય છે. જમીન કૌભાંડનો મામલો સેનાના કબજામાં આવેલી જમીનની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. નકલી નામ અને સરનામાના આધારે ઝારખંડમાં આર્મીની જમીન ખરીદવામાં અને વેચવામાં આવી હતી. આ અંગે રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો દ્વારા જમીનના ખરીદવેચાણ ઉપરાંત આદિવાસીઓની જમીન પર ગેરકાયદે કબજો કરવાના મામલે મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે ઇડી દ્વારા વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા હતા.

ઇડી ૨૦૨૨ થી ઝારખંડ રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામના ૧૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહી છે. તે કેસમાં ભારતીય વહીવટી સેવાના અધિકારી અને બે ઉદ્યોગપતિઓ સહિત ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ રાંચીમાં જમીન કૌભાંડ કેસમાં રૂ. ૭૪ કરોડ ૩૯ લાખની કિંમતના બે પ્લોટ જપ્ત કર્યા છે. ઇડી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે બંને પ્લોટ મની લોન્ડરિંગના આરોપ હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં સેનાના કબજામાં આવેલી ચાર એકર ૫૫ દશાંશ જમીનની કિંમત ૪૧ કરોડ ૫૦ લાખ રૂપિયા અને હેહલ વિસ્તારમાં સ્થિત બાજરા મૌઝાની સાત એકર ૧૬ દશાંશ જમીનની કિંમત ૩૨ કરોડ ૮૦ લાખ રૂપિયા આંકવામાં આવી છે.

ઇડીએ આ કેસમાં રાંચીના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર છવી રંજન સહિત ૧૦ આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. છવી રંજનની તો ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગના કેસની તપાસના ભાગરૂપે હેમંત સોરેનના પ્રેસ સલાહકાર, સાહિબગંજ જિલ્લાના અધિકારીઓ અને ભૂતપૂર્વ ધારાસભ્યની જગ્યા પર પણ દરોડા પાડ્યા હતા.

રાજકીય નિષ્ણાતોના મતે ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન વિધાનસભ્ય દળ પર મજબૂત પકડ ધરાવે છે. તેથી જો તેમની ધરપકડ થાય તો ધારાસભ્યો તેમને કોઈ પણ નિર્ણય લેવા માટે અધિકૃત કરી શકે છે. તેમની પાસે નીચે મુજબના બીજા કેટલાક વિકલ્પો પણ છે. ૧. હેમંત સોરેન આ મીટિંગમાં રાજીનામું આપી શકે છે, કારણ કે તેમને ઇડી સાથે કાનૂની લડાઈ લડવાની છે. જો તેઓ ઈચ્છે તો પદ પર રહીને પણ આ કામ કરી શકે છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી ઇડી તેમની ધરપકડ કરવાની પ્રક્રિયામાં ન જાય ત્યાં સુધી તેઓ પદ પર રહેવા માંગે છે.

૨. તેઓ તેમના અનુગામી તરીકે કલ્પના સોરેનનું નામ રજૂ કરી શકે છે. જો કે તેમાં જેએમએમ પ્રમુખ જેએમએમ પ્રમુખ શિબુ સોરેનની સંમતિ મળી હોય તે જરૂરી છે. શિબુ સોરેનની સંમતિથી તેમને પરિવારના દરેકની સંમતિ પણ મળશે. હાલમાં તેમનાં ભાભી સીતા સોરેન અને  ભાઈ બસંત સોરેન ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં પારિવારિક એકતા તેમનો પ્રથમ પ્રયાસ હશે. ૩. જો હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનના નામને શિબુ સોરેન તરફથી લીલી ઝંડી ન મળે તો તેઓ તેમના અનુગામી તરીકે તેમના પિતા શિબુ સોરેનનું નામ રજૂ કરી શકે છે. ૪. છેલ્લા વિકલ્પ તરીકે તેઓ પાર્ટીના કોઈ વરિષ્ઠ ધારાસભ્યને મુખ્ય મંત્રી બનાવવાની ઓફર કરી શકે છે. આ માટે જેએમએમ કેમ્પમાં તેમની કેબિનેટમાં સામેલ એક મહિલા મંત્રી અને એક ધારાસભ્યના નામની પણ ચર્ચા થઈ રહી છે. હેમંત સોરેન આ કરે તેવી શક્યતા ઓછી છે. આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top