Charchapatra

ડુપ્લીકેશન અને ભેળસેળ: હવે તો હદ થાય છે

હમણાં બે સમાચારે ધ્યાન ખેંચ્યું. ભારત અને પાક. વચ્ચે જે મેચ રમાઈ એની ડુપ્લીકેટ ટિકિટ વેચાઈ અને અંબાજી મંદિરમાં ડુપ્લીકેટ ઘી નો પ્રસાદ આપવામાં આવતો હતો… હાઈપ્રોફાઈલ મેચની પણ ડુપ્લીકેટ ટિકિટ બને એ કેટલી હદની બેદરકારી કહેવાય..! પવિત્ર પ્રસાદ પણ ભેળસેળ મુક્ત નથી તો પછી બીજા બધાં ખાદ્ય પદાર્થોની તો વાત જ શી કરવી. દૂધ, દહીં, ઘી, પનીર, ફળફળાદિ જેવા ખાદ્ય પદાર્થો પણ પ્રજાને શુદ્ધ ના મળતા હોય તો એને સરકારની ઘોર બેદરકારી જ કહેવાય ને?

સરકાર સત્તાનાં મદમાં મસ્ત છે અને પ્રજા પ્રાથમિક જરૂરિયાતોના અભાવમાં ત્રસ્ત છે. ડુપ્લીકેટ પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, સર્ટિફિકેટ, ચલણી નોટ (યાદ છે..? નોટબંધીના ફાયદા ગણાવતી વખતે સરકારે ડંફાસ મારેલી કે નકલી નોટ બંધ થઈ જશે.) શા માં ડુપ્લીકેશન નથી થતું એ જ પ્રશ્ન હવે તો બાકી છે. “મજબૂત હાથોમાં દેશ” નાં બણગાં તો ફૂંકાય છે પણ સરકાર રોડ પર રખડતાં ઢોર અને કૂતરાઓનો ત્રાસ તો દૂર કરી શકતી નથી..!

દરરોજ ઊઠીને થતાં બળાત્કારો અને તેમાંય નાની બાળકીઓ પરના બળાત્કારોની સંખ્યા દિનબદિન વધતી જાય છે. છાસવારે પરીક્ષાનાં પેપરો ધાણીની જેમ ફૂટે છે અને સરકાર આવા પ્રશ્નો બાબતે તદ્દન નિ:સ્પૃહ છે. રાતોરાત સમગ્ર મંત્રી મંડળ બદલવાની ગોપનીયતા જળવાઈ છે પણ એક પરીક્ષાનુ પેપર સચવાતું નથી. મજબૂત અને ડબલ એન્જિન સરકારની ડીંગો હાંકવાની વચ્ચે ગુંડાઓ, બળાત્કારીઓ, ભેળસેળિયાઓ, અસામાજિક તત્ત્વો બેખૌફ બન્યા છે. જાણે કાયદાનો ડર જ નથી રહ્યો. દેશની અત્યારની એકમેવ સરકારને પ્રજાની વિનંતી કે તમે જેમ તમારા વિરોધીઓ પર તૂટી પડો છો એમ દેશને ફોલી ખાતાં આવા કીડાઓ પર પણ તૂટી પડો ને.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top