Comments

રમકડાંથી રમાય નહીં, એ આપણને રમાડે છે

સાહિત્યકૃતિઓનું માધ્યમાંતર થાય એ બાબતની નવાઈ નથી. મુદ્રિત માધ્યમમાંથી ભજવણી સુધી અનેક સાહિત્યકૃતિઓ યા તો મંચ પર ભજવાતી આવી છે, કે પછી રૂપેરી પડદે ઉતરતી આવી છે. સિનેમાના લગભગ આરંભકાળથી અનેક સાહિત્યકૃતિઓ રૂપેરી પડદે અવતરી છે. એમાંની કેટલી સફળ રહી અને કેટલી નિષ્ફળ, તેમજ એ રૂપાંતરણ કેટલું અધિકૃત હતું એ અલગ ચર્ચાનો વિષય છે. ફિલ્મના માધ્યમ માટે મૂળભૂત જરૂરિયાત વાર્તાની હોય છે. ફિલ્મની જરૂરિયાત અનુસાર તેની પર અમુક સંસ્કાર કરવા પડે છે, પણ આ માધ્યમ એટલું પ્રચંડ છે, અને દિન બ દિન એ હદે વિસ્તરતું રહ્યું છે કે સતત નવિન પાત્રો અને કથાઓ મળતાં રહે એ શક્ય નથી.

કૉમિક બુક્સના અમેરિકન પ્રકાશક ‘માર્વેલ કૉમિક્સ’દ્વારા અનેક પાત્રોની ચિત્રકથાઓ પ્રકાશિત કરાતી રહી છે, જે બાળકોમાં અને મોટેરાંઓમાં પણ ખૂબ લોકપ્રિય બની રહી છે. ૧૯૩૯માં માર્ટિન ગૂડમેન દ્વારા ‘ટાઈમલી કૉમિક્સ’તરીકે આરંભાયેલી આ કંપનીનું નામ અને માલિકી બદલાતાં રહ્યાં છે, પણ તેના પ્રકાશનની લોકપ્રિયતા બરકરાર રહી છે. સમાંતરે આ કંપનીએ ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો અને ૧૯૮૨માં તેણે નિર્માણ કરેલી પહેલવહેલી ફિલ્મ ‘હોવર્ડ, ધ ડક’રજૂઆત પામી. ત્યારથી લઈને આજ દિન સુધી ફિલ્મક્ષેત્રે કંપનીએ પાછું વાળીને જાયું નથી. સ્પાઈડરમેન, એક્સ-મેન, હલ્ક, આયર્ન મેન, ધ એવેન્જર્સ, ઘોસ્ટ રાઈડર્સ, એન્ટ મેન, કેપ્ટન અમેરિકા, થો સહિત અનેક પાત્રોને ચમકાવતી ફિલ્મોએ ટિકીટબારી છલકાવી દીધી છે. કૉમિક બુકમાં વાર્તાનું મૂળભૂત તત્ત્વ હોય છે જ, પણ લોકપ્રિય બનેલા કોઈ રમકડાનાં પાત્ર પર ફિલ્મ બની શકે?

રુથ હેન્ડલર નામનાં મહિલાએ ૧૯૫૯માં ‘મટેલ’નામની રમકડાં બનાવતી કંપનીનો આરંભ કરીને બાર્બી નામની ફેશનેબલ ઢીંગલીને બજારમાં મૂકી. અત્યંત નાજુકનમણી આ ઢીંગલીની લોકપ્રિયતા એટલી છે કે આજ દિન સુધી તેનાં અવનવાં રૂપ આવતાં રહ્યાં છે. આ ઢીંગલીને સિનેમાના રૂપેરી પડદે ‘બાર્બી ઈન ધ નટક્રેકર’ફિલ્મ દ્વારા ૨૦૦૧માં ઉતારવામાં આવી. આ ફિલ્મને મળેલી અપાર સફળતાનો સીધો લાભ બાર્બીના રમકડાના વેચાણને થયો. એ પછી અત્યાર સુધીમાં ચાલીસેક ફિલ્મો બાર્બીને કેન્દ્રમાં રાખીને નિર્માણ પામી છે. પણ આ વર્ષે રજૂઆત પામવા માટે તૈયારી કરી રહેલી વધુ એક ફિલ્મના સમાચાર પ્રસારમાધ્યમોમાં ચમકી રહ્યા છે.

બાર્બીની અત્યાર સુધીની સફળતાથી પ્રેરાઈને ‘મટેલ’કંપની હવે બીજાં પિસ્તાલીસ રમકડાનાં પાત્રો પર આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહી છે. ‘મટેલ’જેવી કંપની આમ કરી શકતી હોય તો જેનાં રમકડાં બજારમાં ખૂબ ચાલે છે એવી અન્ય કંપનીઓ એમ કરવા કેમ ન લોભાય? રમકડાંની કાર બનાવતી ‘હોટ વ્હીલ્સ’કંપની પણ મેદાનમાં ઊતરી છે, અને તેના પર આધારિત ફિલ્મનું નિર્માણ ખ્યાતનામ નિર્માતા-નિર્દેશક જે.જે.એબ્રમ્સ કરવાના છે. સ્ટારટ્રેક, આર્માગેડન, સ્ટાર વૉર્સ, મિશન ઈમ્પોસિબલ જેવી વૈવિધ્યપૂર્ણ કથાવસ્તુ ધરાવતી ફિલ્મોનું તેઓ નિર્માણ કે દિગ્દર્શન કરી ચૂક્યા છે.

બાર્બી, બાર્ની-ધ ડાયનોસોર જેવાં પાત્રો કશીક લાક્ષણિકતા ધરાવે છે, પણ કારમાં એવા કોઈ ગુણો શી રીતે હોઈ શકે? એબ્રમ્સના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સંવેદનાસભર, વાસ્તવદર્શી અને હિંસક હશે. આનો અર્થ એ કે બાળકોને રમવાના રમકડાંના મુખ્ય પાત્ર પર આધારિત આ ફિલ્મ બાળકો માટે યોગ્ય નહીં હોય. અગાઉ ૨૦૧૪માં ‘નીડ ફોર સ્પીડ’ફિલ્મ રજૂઆત પામી હતી, જે કાર રેસિંગની આ જ નામની વિડીયો ગેમ પર આધારિત હતી. આ ફિલ્મે આરંભિક નફો કર્યો હતો, પણ લોકોને તે ખાસ પસંદ પડી નહોતી.

વ્યાપારીકરણ અને વ્યવસાયીકરણ અમેરિકાની તાસીર રહી છે. એક વ્યક્તિ કે વસ્તુ લોકપ્રિય બને એ સાથે જ તેનું બજાર ઊભું કરી દેવામાં આવે છે, અને તેની લોકપ્રિયતાની રોકડી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્પાઈડરમેનની કૉમિક બુક પરથી ફિલ્મ બની એની સાથોસાથ બીજી અનેક ચીજા બજારમાં મૂકાઈ જાય. રમકડાં, ટી-શર્ટ, સ્ટીકર, મગ, કી-ચેઈન તેમજ બીજી ઘણી ચીજા.

હૉટ વ્હીલ્સની જાહેરખબર જેમણે જાઈ હશે તેમને ખ્યાલ હશે કે એમાં વાસ્તવિક કારના પ્રમાણમાપ અનુસાર નાનકડી કાર બનાવવામાં આવે છે. અતિશય ઘોંઘાટિયું સંગીત અને ઝડપભેર દોડતી, અથડાતી, ઉછળતી કાર એમાં જાવા મળે છે. આ કારની પશ્ચાદ્ભૂ તેના મોડેલ અનુસાર અલગ અલગ હોય છે, એમ એના ‘ચાલક’પણ જુદા જુદા હોય છે. ટૂંકમાં, એનું કાર હોવા સિવાયનું એકે લક્ષણ મનમાં નોંધાતું નથી. આવા રમકડામાં એબ્રમ્સ જેવા નિર્માતા-નિર્દેશક ફિલ્મ માટે જરૂરી ‘રંગો પૂરે’એ વ્યાપારીકરણ કઈ હદે પહોંચી ગયું છે એ દર્શાવે છે. કિશોરો માટેનું આ રમકડું માત્ર નિર્દોષ રમત રહેવાને બદલે ફિલ્મમાં આવતાં વિવિધ પાત્રો જેવું અતરંગી દર્શાવાય તો તેની સીધી અસર કિશોરોના માનસ પર થઈ શકે એમાં કોઈ શંકા નથી. પણ નાણાં આવતા હોય ત્યારે એવી બધી ફિકર કોઈ શું કામ કરે?

બાર્બી પર બનેલી ફિલ્મોએ એ મુખ્ય પાત્રની લાક્ષણિકતાઓની આસપાસ કથા ગૂંથીને ફિલ્મો બનાવીને અઢળક કમાણી કરી. તેને પગલે બીજાં અનેક રમકડાં પડદે આવી રહ્યાં છે. ગ્રાહકોનાં ખિસ્સાં બન્ને સંજાગોમાં ખાલી થવાના છે, પણ હૉટ વ્હીલ્સ વિશેની ફિલ્મમાં નાણાં ઉપરાંત તેની મનોવૈજ્ઞાનિક અસરનું મહત્ત્વનું પરિબળ સંકળાયેલું છે. ફિલ્મનું બજાર એટલું વિસ્તરી ચૂક્યું છે કે હવે તેમાં નાણાં સિવાયની તમામ બાબતો કદાચ ગૌણ બની રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top