uncategorized

કુપાત્રની મદદ પણ ન લેવાય

એક રાજા હતો. એ ખૂબ પ્રજાવત્સલ ગણાતો. એ પોતાની પ્રજાની દરેક લાગણી સ્વીકારતો અને કોઇ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતો. બન્યું એવું કે એક વખત ભારે દુષ્કાળ પડયો. વરસાદ ન આવવાથી જમીનો તરડાવા માંડી, કૂવા- તળાવનાં પાણી ખૂટી ગયાં, અન્નના ભંડાર ખાલી થવા માંડયા, પ્રજા પરેશાન થઇ રહી હતી. પાણી ખૂટતાં પશુપાલકો અને બીજા કેટલાક લોકો ગામ ખાલી કરી અન્યત્ર જવા લાગ્યા. ધીમે ધીમે કરતાં મોટા ભાગનું ગામ ખાલી થઇ ગયું. રાજા વિચારતો કે હવે શું કરવું?

કોઇએ કહ્યું કે ફલાણો વેપારી છે એણે અનાજનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે અને એ લોકોને બમણા દામ લઇ આપી રહ્યો છે. એની પાસેથી રાજા અનાજ ખરીદી લે તો લોકોને વહેંચી શકાય. રાજાએ આ સાંભળી વેપારીને બોલાવ્યો અને અનાજ લેવાની વાત કરી. વેપારીને મનમાં લોભ જાગ્યો, રાજા પાસેથી વધુ નાણાં લઉં. રાજા પાસે તો અઢળક મતા હોય જ. વેપારીએ ભાવ ઓછો કરવાની ના પાડી. રાજાએ માંડ સમજાવી તેની પાસેથી અનાજ ખરીદી લીધું અને ગરીબોને વહેંચવા માંડ્યું.

ભૂખ્યા જનોને અનાજ મળતાં બચી ગયા. દુષ્કાળ લાંબો ચાલ્યો. રાજાના ભંડારમાં નાણાં ખાલી થવા માંડયા. રાજાએ ફરી એ વેપારીને બોલાવી નાણાં ઉધાર લેવા વાત કરી. વેપારીએ રાજાને વ્યાજે નાણાં પણ આપ્યા. સમય જતાં વરસાદ થયો અને બધી પરિસ્થિતિ સુધરી ગઇ. રાજા પાસે હાલ નાણાં પૂરતાં નહોતાં જેથી એ વેપારીને પરત કરી શકે. વળી રાજાએ દુષ્કાળને કારણે મહેસૂલ પણ માફ કરી દીધું હતું. રાજની કોઇ આવક રહી ન હતી. રાજાએ થોડી વધુ મુદત માગી. વેપારીએ તકાજો કરવા માંડયો. એણે લોકોમાં વાત ફેલાવી, રાજા ભિખારી થઇ ગયો છે. મારું દેવું ચૂકવતો નથી. મેં લોકોને બચાવવા અનાજ આપ્યું. રાજાને પૈસા ધીર્યા છે ત્યારે રાજા જીવતો રહ્યો છે અને હવે એ પરત આપતો નથી. લોકોમાં આવી વાતો ફેલાતી ગઈ. રાજાએ અન્યત્રથી પૈસા લાવી એ વેપારીને આપી દીધા. રાજાને લાગ્યું કે, આ મદદ કરનાર સુપાત્ર નથી. નહીં તો આવી વાતો ફેલાવે નહીં. મદદ કરી હોય તો કોઇને કહે નહીં, એ સુપાત્ર ગણાય. આવા કુપાત્રનું દાન તો શું મદદ પણ લેવી ન જોઇએ. જે આપ્યા પછી ગામમાં ઢંઢેરો પીટે.

Most Popular

To Top