Charchapatra

કૂતરાઓનું મળ વિસર્જન અને સુરતની સ્વચ્છતા

વિદેશોમાં કૂતરા માલિકો પોતાના કૂતરાઓને જાહેરમાં મળવિસર્જ કરાવી શકતા નથી. ધારોકે થાય તો ઊંચકી લેવું પડે. કેનેડા ગઇ ત્યારે જોયેલું કે ત્યાં અઠવાડિયામાં એક જ વખત કચરો લેવા આવે છે છતાં કયાંય ગંદકી દેખાતી નથી. નાગરિકો પોતાના બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના પાઠ ભણાવીને ઉછેરે છે. આપણે ત્યાં કૂતરા માલિકો કૂતરાને મળવિસર્જન કરાવવા રાતે અથવા વહેલી સવારે રસ્તા ઉપર ખાસ ફરાવવા લઇ જાય છે એ મળ સુરત મહાનગર પાલિકાના સફાઇ કામદાર ભાઇ-બહેનોએ સાફ કરવા પડે છે.

આપણે રસ્તા ગંદા કરવા કે આપણા કૂતરા પાસે ગંદા કરાવવા અને બિચારા સફાઇ કામદારો પાસે સાફ કરાવવા કેટલું યોગ્ય ? રાતે કે વહેલી સવારે ચાલવા જનારા લોકોએ નીચે જોઇ જોઇને ચાલવું પડે છે. ફિટ રહેવા ચાલવા જનારા આ ગંદકી જોઇને ‘અનફિટ’ થઇ જાય તો નવાઇ નહી. સુરતને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહી છે પરિણામે સ્વચ્છતામાં બીજો નંબર મેળવી શકાયો છે. સુરતને સ્વચ્છતામાં પ્રથમ નંબરે લાવવું હોય તો રખડતાં કૂતરાને રાખવાનો યોગ્ય પ્રબંધ તથા પાલતું કૂતરાઓના માલિકો કે જેઓ રસ્તા પર મળવિસર્જન કરાવે છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવાની જરૂર છે. માતા પિતાએ પણ પોતાનું બાળક ગમે ત્યાં કચરો ન ફેંકે એવી ટેવ નાનપણથી જ પાડે અને પોતે પણ આછરણ કરે.
સુરત     – ડો. જયા હલાટવાળા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશનો કોઈ ધણિયાત જ નથી
બસો વર્ષના ગાળામાં ભારતીયોયએ જે ગુલામી ભોગવી તે કલ્પનાની બહાર છે. પરંતુ તે રાજકીય જ હતી. અંદરથી સામાજિક રીતે પ્રજા સુખી હતી. ગુલામ દેશમાં પણ ખાવાપીવાનું તો પ્રજાને સારી રીતે મળતું હતું. જો કે તે વખતે વસ્તીવધારો પણ ન હતો. સામાજિક રીતે પ્રજા પર નિયંત્રણો ઓછાં હતાં, પરંતુ જ્યાં આઝાદી મળી કે પ્રજામાંથી ભૂખ્યા વરુઓની જેમ લોકો બહાર આવ્યા તેમાં આઝાદી પછીની સરકારે પણ સાથ આપ્યો. તેમને પોતાના કુટુંબની જ એકહથ્થુ સત્તા રહેવી જોઈએ. દેશમાં સામાજિક ગુલામી અને અરાષ્ટ્રીયતાનો વિકાસ થવા માંડયો. આ આઝાદી મળ્યા પછીનાં સિત્તેર વર્ષનું ચિત્ર છે. ભાજપની નવી સરકાર આવી પરંતુ તે એકદમ કાંઈ કરી ન શકી. પેલા દેશના માલેતુજાર ભૂખ્યા વરુઓ તો એના એ જ રહ્યા. સરકારમાં પણ ઘૂસી ગયાં. ભાજપ પૂરેપૂરો રાષ્ટ્રીય ભાવનાવાળો પક્ષ બની ન શક્યો. મંત્રીઓ પણ જ્યાં જાય ત્યાં જુનાં રજવાડાંઓની રાજવીઓ જેમ લાવલશ્કર લઈને જ જાય છે. આઝાદી મળ્યા પછી ભારતનાં યુવાનોને ભણતરમાં કે સામાજિક રીતે રાષ્ટ્રીય ભાવનાના સંસ્કાર મળ્યા જ નથી. એટલે ગુલામીમાં જ સંસ્કાર હજી મોટા ભાગના લોકોમાં કામ કરે છે. રાષ્ટ્રીય વિચારધારા ધરાવતાં લોકોની વ્યથા હાલ તો એના એ જ છે. સરકાર પણ એમાંથી મુક્ત થઈ શકે એમ નથી. પ્રજાએ જ વિચાર કરવાનો રહે છે !
પોંડીચેરી – ડો. કે.ટી.સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top