Dakshin Gujarat

ઉદ્ઘાટન થાય તે પહેલાં ધરમપુરનો બ્રિજ લોકોએ જાતે જ ખુલ્લો મૂકી દીધો

ધરમપુર: (Dharampur) ધરમપુર શહેરના સમડીચોકથી હાથીખાના તરફ જતી સ્વર્ગવાહીની નદી (River) ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું બ્રિજનું ઉદ્ઘાટન (Inauguration) ધરમપુર ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવાનું નક્કી કરાયું હતું. જો કે, કોઈક કારણસર આ બ્રિજનું ઉદ્ઘાટન નિયત કરેલી તારીખ બાદ આગામી તારીખ 12 ને રવિવારના રોજ રાખવામાં આવ્યું હતું. બ્રિજનું (Bridge) ઉદ્ઘાટન બે દિવસ લંબાવતા સ્થાનિકો, વેપારીઓ અને નગરજનો પરેશાન બન્યા હતા અને મંદગતિએ ચાલતી કામગીરીથી કંટાળી પણ ગયા હતાં. સાથે જ બ્રિજનું છેલ્લા એક દોઢ વર્ષથી ગોકુળ ગતિએ ચાલતી કામગીરીથી વેપારીઓ તથા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. છેલ્લા એક વર્ષથી બ્રિજના નવીનીકરણના કારણે માર્ગ બંધ થઈ જતાં ધંધા-રોજગાર અટવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. બ્રિજની કામગીરી કારણે બે-ત્રણ કી.મી.નો ચકરાવો કાપી ગંતવ્ય સ્થળે પહોંચવું પડી રહ્યું હતું. જોકે, સજાગ તંત્રએ સ્વર્ગવાહિની નદીમાંથી માર્ગ બનાવી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

મંદગતિએ ચાલતા બ્રિજના પગલે લોકોએ અવારનવાર આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. છેલ્લા એક દોઢ વર્ષથી ચાલી રહેલાં બ્રિજનું કામ પૂર્ણ થતાં રાજકીય આગેવાનો દ્વારા બ્રિજના ઉદ્ઘાટનની તારીખ આજરોજ નક્કી કરાઈ હતી. પરંતુ રાજકીય નેતાઓ દ્વારા આ ઉદ્દઘાટનની તારીખ 12 ને રવિવાર રાખવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય-મંત્રીના હસ્તે કરવામાં આવશે. જો કે, કંટાળી ગયેલા વેપારીઓ અને નગરજનો સમડીચોક પાસે ભેગા મળી નાળિયેર વધેરી અવરજવર માટે બ્રિજ ખુલ્લો મુકતા રાજકારણીઓની દયનીય હાલત બની હતી.

લોકોએ ઉદ્ઘાટન કરી દીધું એમાં કશું ખોટું નથી : ધારાસભ્ય
લોકોની અવરજવર માટે બનાવેલો બ્રિજનું ઉદ્ઘાટન વેપારીઓ તથા નગરજનોએ પોતાના વરદ હસ્તે કરતા ધારાસભ્યએ એમાં કશું વાંધો નથી એમ કહીં વાતને ટાળી હતી

ધરમપુર શહેરના હાથીખાના વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બ્રિજ લોકોની સુખાકારી માટેનું છે જેનું ઉદ્ઘાટન આજરોજ વેપારીઓ અને નગરજનોના હસ્તે થયા બાદ માર્ગને ખુલ્લો મૂકવામાં આવતાં સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલએ પણ ટેકો જાહેર કરી લોકોની અવરજવર માટે બનાવેલ બ્રિજનું લોકોએ ઉદ્ઘાટન કરતાં એમાં કશું વાંધો નથી એમ કહી વાતને ટાળ્યું હતું.

એક વર્ષથી લોકો ત્રાસી ગયા હતાં : વિરોધ પક્ષના નેતા
ધરમપુર શહેરમાં હાથીખાના વિસ્તારને જોડતાં બ્રિજનું ઉદ્ઘાટન નગરજનો દ્વારા કરી તેને ખુલ્લો મૂકયો એમાં કશું ખોટું નથી. લોકો માટે બ્રિજ ખુલ્લો મૂકાયો એટલું જ બસ છે. છેલ્લા એક-દોઢ વર્ષથી અટવાતા લોકો માટે આ બ્રિજ ફાયદાકારક સાબિત થશે અને હવે લોકોને અવરજવર માટે તથા બ્રિજની કામગીરીથી લોકોના ધંધા-રોજગાર સદંતર બંધ થઈ ગયા હતા જે હવે ફરી ચાલુ થશે અને નગરજનો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યો એને પાલિકા વિરોધ પક્ષના નેતા સુરેશભાઈ ગાયકવાડે ટેકો જાહેર કર્યો હતો.

Most Popular

To Top