દાહોદ: ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના એક ઈસમને મંડોર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત ત્રણ કારતૂસ સાથે ઝડપી પાડી તેની પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.270300/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, ગતરોજ રાત્રિના સમયે ધાનપુર પીએસઆઇ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
અને ફરતા ફરતા વાંસીયાડુંગરી ગામે આવતા ત્યાં તેમણે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની ટાવેરા ગાડી નં.GJ.17.N.1574 માં એક ઈસમે દેશી હાથ બનાવટની પિસ્તોલ સંતાડી રાખેલ છે અને તે વરઝર ગામેથી વાંસીયાડુંગરી તરફ આવી રહેલ છે તે બાતમીના આધારે ધાનપુર પીએસઆઇ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે મંડોર ગામે ચોકડી ઉપર આવી બાતમીવાળી ગાડીની વોચમાં ઊભા રહી વાહન ચેકિંગમાં હતા.
તે દરમ્યાન વરઝર વાંસીયાડુંગરી રોડ તરફથી બાતમીવાળી ટાવેરા ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કરતાં ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી નીચે ઉતારી ભાગવા જતાં પોલીસે તેને ઝડપી પાડેલ અને તેનું નામઠામ પૂછતાં તેને તેનું નામ સરદારભાઈ હરમલભાઈ પરમાર, રહે.બડાખુટાજા, પંચાયત ફળિયું, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ હોવાનું જણાવતા પોલીસે તેને સાથે રાખી પંચો રૂબરૂ GJ.17.N.1574 નંબરની ટાવેરા ગાડીમાં ઝડતી તપાસ કરતાં પોલીસને ટાવેરા ગાડીની ડ્રાઈવર સીટના નીચે સંતાડીને મૂકી રાખેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જે પિસ્તોલ બહાર કાઢીને સાવચેતીપૂર્વક જોતાં પિસ્તોલના મેગેઝીનમાં ત્રણ રાઉન્ડ કારતૂસ પણ લોડ કરેલા મળી આવ્યા હતા.