Madhya Gujarat

ડાકોરમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો

ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ મહા સુદ પુનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હજારો શ્રધ્ધાળુઓએ મંગળા આરતીના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં સવારે શણગાર આરતી સમયે સોનાની પિચકારી વડે શ્રધ્ધાળુઓ ઉપર કેસુડાના પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ અબીલ-ગુલાલ સહિત સપ્તરંગોની છોળ ઉડાડવામાં આવી હતી. દરમિયાન હજારો શ્રધ્ધાળુઓએ ભગવાન સંગ હોલી ખેલી ધન્યતા અનુભવી હતી. ભક્તોનો પ્રવાહ મોડી સાંજે મંદિર બંધ થતાં સુધી અવિરત ચાલુ રહ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન બે લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર જય રણછોડ….માણખચોર ના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર બહાર શ્રધ્ધાળુઓની ભીડ વચ્ચે ગાયો ઘુસી જતાં અફરાતફરી મચી હતી. જોકે, ગાયોએ એકપણ શ્રધ્ધાળુને નુકશાન પહોંચાડ્યું ન હતું.

નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા થઈ
યોગીરાજ અવધુત સંતરામ મહારાજના 192મા સમાધિ મહોત્સવ અંતર્ગત રવિવારે મહા સુદ પુનમના દિવસે મંદિરમાં સાકરવર્ષાની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાકરવર્ષાનો લ્હાવો લેવા માટે રાજ્યભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં. નડિયાદના સંતરામ મંદિરમાં 192 વર્ષ પૂર્વે યોગીરાજ અવધુત સંતરામ મહારાજે સમાધિ લીધી હતી. તે સમયે કોડીયું આપોઆપ પ્રજ્વલ્લિત થયાં બાદ આકાશમાંથી પુષ્પ ને સાકરની વર્ષા થઈ હતી. બાદમાં દરસાલ મહા સુદ પુનમના દિવસે સંતરામ મંદિરમાં સાકર ઉછાળી આ દિવ્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારે મહા સુદ પુનમના પવિત્ર દિવસે સંધ્યા સમયે સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ઓમકારના નાદ સાથે મંદિર પરિસરમાં સાકર અને કોપરાની ઉછામણી કરવામાં આવી હતી. આ સમયે મંદિર પરિસર જય મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રધ્ધાળુઓએ આશીર્વાદરૂપી સાકર અને કોપરાની પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી.

અલૌકિક અક્ષરભૂવનના પ્રથમ સ્તંભની સ્થાપના કરાઇ
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના મૂખ્ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ ભવ્યાતિભવ્ય દિવ્ય શાકોત્સવ વડતાલ પિઠાધીપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતો મહંતોના સાનિધ્યમાં દબદબાભેર રીતે ઉજવાયો હતો. વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરના પૂજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ મંદિરના દેવોને રસોયાના વાઘા ધરાવ્યા હતા. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના આ પ્રસંગે સવારે શણગાર આરતી બાદ મંદિરના સભામંડપમાં સંપ્રદાયના કથાકાર પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) દ્વારા પ્રેમાનંદ સ્વામીના કિર્તન ધન્ય ધન્ય પુનમીયા નરનાર રે… આવે વડતાલે …. એ કિર્તન પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે બાલ સ્વામી – સરધાર, બ્રહ્મસ્વરૂપ સ્વામી, સત્સંગભૂષણ સ્વામી (આણંદ), હરિઓમ સ્વામી, રામદાસજી સ્વામી (યુએસએ), પ્રભુચરણ સ્વામી (વેડરોડ સુરત), પ્રિયદર્શન સ્વામી (હરિનગર – વડોદરા) સહિત સંપ્રદાયના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અંતર્ગત રવિસભામાં આચાર્ય મહારાજનું ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. જ્યારે બાપુ સ્વામી તથા નૌતમ સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યું હતું. દરમ્યાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પૂનમ ભરવા આવતા તથા શાકોત્સવમાં પધારેલા ભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે રૂા.300 કરોડના ખર્ચે તૈયાર થનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ સ્થાપના પ્રસંગે આપ સૌ ભક્તો ઉપસ્થિત રહ્યા છો તે આનંદ અને ગર્વની વાત છે. મહારાજે વડતાલને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં પ્રગટ સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. અહીં ઉજવાતો કોઈપણ ઉત્સવ સમૈયા જેવો છે.

વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવી જે ઉત્સવો ઉજવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આલોક અને પરલોકના સુખ માટે દેવો પધરાવ્યા છે. પોતાનું શાશ્વત સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે. તે વડતાલધામમાં જે સેવા કરે છે તેને અવિનાશી સુખ મળે છે. અને પ્રાપ્ત થશે તે વાત નિર્વિવાદ છે. બાદમાં ગોમતીતીરે નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ત્રિદિનાત્મક હરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, બાપુ સ્વામી નૌતમ સ્વામી, સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.

ભક્તોએ મંદિરમાં દર્શન કરી લોયાનાં શાકોત્સવની અનુભુતી કરી
વડતાલ મંદિરમાં યોજાયેલા દિવ્ય શાકોત્સવ પ્રસંગે મંદિરમાં બિરાજેલા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવો સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક, રોટલા બનાવવાની સામગ્રી ઉત્સવના પ્રતીકરૂપે મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ 200 વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી. આ શાકોત્સવમાં 2500 કિલો ગુલાબી રીંગણ, 1500 કિલો બાજરીના લોટના રોટલા, 1000 કિલો ચુરમાના લાડુ, 150 કિલો ડ્રાયફુટ, 2000 કિલો વઘારેલી ડ્રાયફુટ ખીચડી, 3500 લીટર છાશ, 200 કિલો આથેલા મરચાં, 400 કિલો ગોળ, 350 કિલો ઘી, 100 ડબ્બા તેલ વિવિધ પ્રકારના મસાલા – 1000 કિલો વિવિધ પ્રકારના શાકભાજી 2 હજાર કિલો 100 ઉપરાંત ગામડાઓના 1000 હરિભક્તો તથા સુરત-ચરોતરની આસપાસના 500 ઉપરાંત મહિલાઓ દ્વારા સેવા આપવામાં આવી હતી.


Most Popular

To Top