National

દિલ્હીમાં પ્રદૂષણ મામલે સરકારની તાકીદની બેઠક: 15 દિવસ દિલ્હી માટે ચિંતાજનક- પર્યાવરણ મંત્રી

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને (Pollution) કારણે હવે શ્વાસ લેવાનું જોખમમાં મુકાઈ ગયું છે. એક અનુમાન મુજબ દરેક શ્વાસ (Breath) સાથે દિલ્હીવાસીઓ દિવસભર તેમના ફેફસાંમાં 40-50 સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં લે છે. ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયેલી દિલ્હીમાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હવે લોકોને ઘરમાં પણ શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ડોક્ટરોએ પણ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

સામી દિવાળીએ દિલ્હી-NCRમાં હવા ગૂંગળામણભરી બની ગઈ છે અને તમામ શહેરો રેડ ઝોનમાં પહોંચી ગયા છે. આ સિઝનમાં દિલ્હીનો AQI પણ 800નો આંકડો પાર કરી ગયો છે. લોધી રોડનો AQI વહેલી સવારે 500ને પાર કરી ગયો હતો, જ્યારે આનંદ વિહારનો AQI સવારે 10 વાગ્યાની આસપાસ 865 પર માપવામાં આવ્યો હતો. જ્યારે નોઈડા સેક્ટર-62નો હવા ગુણવત્તા સૂચકાંક 558 નોંધાયો હતો.

દિલ્હી માટે આગામી 15 દિવસ ગંભીરઃ ગોપાલ રાય
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે અમે સતત નીતિઓ પર કામ કરી રહ્યા છીએ. ગયા વર્ષે અમે 13-14 હોટસ્પોટ્સની ઓળખ કરી હતી જ્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું હતું. હવે તેમની સંખ્યા 4-5 રહી ગઈ છે. આ પ્રકારનો AQI સમગ્ર ઉત્તર ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. આગામી 15 દિવસ દિલ્હી માટે ખૂબ જ ચિંતાજનક છે.

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા ઉપરાજ્યપાલે સાંજે 6 વાગ્યે રાજ નિવાસમાં બેઠક બોલાવી હતી. વી.કે.સક્સેનાએ કહ્યું કે શહેરમાં વાયુ પ્રદૂષણને કારણે ઉભી થયેલી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે સીએમ અને પર્યાવરણ મંત્રી સાથે આજે સાંજે 06:00 વાગ્યે તેમના નિવાસ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બેઠક કરી હતી.

બેઠક બાદ સરકારે શહેરની સરકારી અને અન્ય એજન્સીઓને પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં ભરવા સૂચના આપી છે. દિલ્હી સરકારે વિવિધ વિભાગોને કહ્યું છે કે નિયમોના અમલમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ અંગે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજી હતી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે પ્રદૂષણ રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે.

Most Popular

To Top