Dakshin Gujarat

ઇટલીમાં લગ્ન સમારોહનો કોન્ટ્રાકટ આપી 16 લાખની ઠગાઈ : દમણ પોલીસે મુંબઈથી કરી ધરપકડ

દમણ : દમણ પોલીસ મુંબઈથી 2 મહા ઠગબાજોની ધરપકડ કરી છે. દમણનાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા સંચાલકને આ ઠગબાજોએ ઈટલીમાં લગ્ન સમારંભનું આયોજન કરવાનો કોન્ટ્રાક્ટ આપી તેને વિશ્વાસમાં લઈ તેના એકાઉન્ટમાંથી રૂ.16 લાખ ઓનલાઈન ચાંઉ કરી લીધી હતી. દમણ પોલીસે ટેક્નોલોજીના માધ્યમથી બંને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

10 જાન્યુઆરી-21ના રોજ દમણમાં એ.જે. 71 ઈવેન્ટ્સ નામના ઈવેન્ટ મેનેજમેન્ટનાં સંચાલકને બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા. ઈટલીમાં એક લગ્ન ઈવેન્ટનું આયોજન કરવાનું હોવાથી તેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બાદમાં સંચાલક સાથે અવાર નવાર મુલાકાત થતી હતી. એક દિવસ બન્ને વ્યક્તિ દમણ આવી સંચાલકને મોબાઈલ ફોન ગીફ્ટ કરી ઈટલીના વીઝા પ્રોસેસ કરવાના હોય તો વીઝા પ્રોસેસમાં સરળતા રહે એ માટે એકાઉન્ટમાં રૂ.16 થી 18 લાખ ખાતામાં રાખવા જણાવ્યું હતું.

વીઝા પ્રોસેસ માટે આપેલા મોબાઈલમાંથી સંચાલકે રૂ.500 તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તે જ દિવસે રાત્રે ઈવેન્ટ મેનેજમેન્ટનાં સંચાલકના ખાતામાંથી ઠગબાજોએ રૂ.16,09,600 ઉપાડી લીધા હતા. જે બાદ સંચાલક સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા આ અંગે નાની દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દમણ પોલીસના ડીઆઈજીપી વિક્રમજીત સિંહના માર્ગદર્શન હેઠળ નાની દમણના પીઆઈ શોહીલ જીવાણી તથા ટીમે ટેકનોલોજીની મદદથી આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની મોડસ ઓપ્રેન્ડીને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી
પોલીસે 2 ઠગની ધરપકડ કરી છે, તેઓ મૂળ ગુજરાતનાં અને ભણેલા ગણેલા અને કોમ્પ્યુટર ક્ષેત્રે ઘણી માહિતીઓ ધરાવતા તથા ડાર્કવેબમાં માહીર હોવાની સાથે તેમની ઓળખ અનેક નામો થકી કરતા હોવાનું તથા કોઈપણ જગ્યાએ પોતાના વાહનોની જગ્યાએ કાર અને રીક્ષા ભાડે કરીને ઠગબાજીને અંજામ આપતા હતા.

ગીફ્ટ કરેલા મોબાઇલમાં પહેલેથી જ ટીમ વ્યૂવર નામનું સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યુ હતું
પકડાયેલા બન્ને ઠગમાં એક 37 વર્ષિય શાહિલ મંગલદાસ મોરજરિયા ઉર્ફે રાજીવ કકીયા ઉર્ફે શૈલેશ રમન મહેતા ઉર્ફે જિગ્નેશ હસમુખ શાહ (રહે. લોટસ કલ્પતરૂ ગાર્ડન, અશોક ચક્રવર્તી રોડ, જૈન મંદિર પાસે, કાંદિવલી, મુંબઈ) તથા 47 વર્ષિય કિશન નગરદાસ બોકાની ઉર્ફે અશોક જોષી ઉર્ફે રાજેશ રમેશ જવેરી ઉર્ફે વિશાલ હસમુખ શાહ (રહે. રિદ્ધિ સિદ્ધિ બિલ્ડીંગ, બોરીવલી વેસ્ટ, મુંબઈ) ની ધરપકડ કરી પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ ઈવેન્ટ મેનેજમેન્ટ સંચાલકને જે મોબાઈલ ગીફ્ટ કર્યો હતો એમાં પહેલાથી જ ટીમ વ્યૂવર નામનું સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યુ હતું. જેથી ઠગબાજોએ તેમના મોબાઈલમાંથી લોગીંગ થઈ તેમના બેંક એકાઉન્ટ, પીન નંબર અને ઓટીપી જાણી 16 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

પકડાયેલા ઠગબાજો સામે અન્ય રાજ્યોમાં પણ અનેક ગુના દાખલ
દમણ પોલીસે પકડેલા બન્ને ઠગબાજો સામે ગુજરાતનાં નવસારીમાં 1 કેસ, અમદાવાદમાં 1 કેસ, રાજસ્થાનમાં 1 કેસ તથા મહારાષ્ટ્રના પૂનામાં 1 કેસ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આરોપીઓ પોતાના એકાઉન્ટનો અને ઓળખનો ઉપયોગ કરતા ન હતા. આ માટે તેઓ એક રિક્ષા ચાલક અને એક સાઈકલ ઉપર જાહેરાત કરતા વ્યક્તિને 5 હજારની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા. તેમનામાં પૈસા ટ્રાન્સફર કરી તેમાંથી બીટકોઈન ક્રિપ્ટો કરન્સી એક્સચેંજ થકી રી-રૂટ કરી અન્ય લાલચ આપેલી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી 9 લાખ કેસ વિડ્રો કર્યા હતા. જ્યારે ટ્રાન્સફર ચાર્જ અને અન્ય ચાર્જ મળી રૂ.2.5 લાખ ક્રિપ્ટો કરન્સી વોલેટમાં રાખ્યા હતા.

આરોપીઓ પાસેથી રોકડ સાથે અન્ય સાધનો મળી આવ્યા

પકડાયેલા બન્ને આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1,01,000, ખોટા આધાર કાર્ડ અને પાનકાડ, વિવિધ બેંકનાં એટીએમ કાર્ડ, 1 લેપટોપ અને એક નોટબુક સાથેનો મુદ્દામાલ જપ્ત કરી તેમજ ક્રીપ્ટો કરન્સીને પણ બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top