Dakshin Gujarat

દહેજમાં ભંગારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપાયું, આટલી પેટીઓ કબજે કરાઈ

ભરૂચ: (Bharuch) ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક (Alcohol Network) ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરી એકવાર ભરૂચ પોલીસે (Police) પાણી ફેરવી દીધું છે. દહેજમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા દારૂના નેટવર્ક દહેજ પોલીસે દરોડો પાડી ૩૫૦ પેટી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. મામલે હિસ્ટ્રીશીટર કુખ્યાત બુટલેગર તિલક પટેલ સહિત ૮ લોકો સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દૌર ચલાવ્યો છે. આ બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કાયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની આશંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે.

  • દહેજમાં ભંગારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપાયું, ૩૫૦ પેટી કબજે
  • બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કાયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની આશંકા
  • દારૂ દક્ષિણ ગુજરાતમાં ઘુસાડવાનો વેપલો ચલાવાતો હતો
  • બુટલેગરોએ ભરૂચનો અંતરિયાળ દહેજ વિસ્તાર પસંદ કર્યો હતો

પોલીસ સૂત્રો અનુસાર નારાયણ નામના ભંગારના વેપારીના ગોડાઉનમાં દારૂનું ગોડાઉન ઊભું કરાયું હતું. જો કે, નારાયણે રેન્ટ એગ્રીમેન્ટ પોલીસને બતાવી મામલાથી દૂર રહેવા પ્રયાસ કર્યો છે. તેની સંડોવણી અંગે હજુ પોલીસે ચોપડે નામ ચઢાવ્યું નથી, પણ મામલો તપાસ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ ભરૂચ LCB, અંકલેશ્વર પોલીસ અને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વરમાં દરોડા પડી અલગ-અલગ સ્થળોએથી દારૂના ગોડાઉન ઝડપી પાડ્યાં હતાં. અહીંથી દારૂ દક્ષિણ ગુજરાતમાં ઘુસાડવાનો વેપલો ચલાવતો હતો. સુરત રૂરલ પોલીસે ઝડપી પડેલા દારૂના નેટવર્કના મામલાઓની તપાસમાં પણ પાનોલી અને આસપાસના વિસ્તારનો દારૂના કટિંગમાં ઝડપાયેલા બુટલેગરોએ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

તત્કાલીન એસપી ડો.લીના પાટીલે બુટલેગરો સામે કરેલી કડક કાર્યવાહીઓ બાદ લીકર માફિયાઓએ અંકલેશ્વરમાં દારૂનું કટિંગ બંધ કરાયું હતું. સલામત સ્થળની શોધમાં બુટલેગરોએ ભરૂચનો અંતરિયાળ દહેજ વિસ્તાર પસંદ કર્યો હતો. દહેજ પોલીસને આ બાબતની જાણ થઈ જતાં દરોડો પડી ગત તા.૨ નવેમ્બરની મોડી રાતે ૩૫૦ પેટી દારૂ એક ભંગારના ગોડાઉનમાંથી ઝડપાવા સંદર્ભે ૮ લોકોની સામે ગુનો દાખલ કરી ધરપકડનો દૌર શરૂ કરાયો છે. પોલીસ આ નેટવર્કના મૂળમાં કયો બુટલેગર છે તેની પણ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં મામલે મોટા અને હિસ્ટ્રીશીટર બુટલેગરોના તપાસમાં નામ ખૂલે અને તેમને જેલના સળિયા ગણાવાય તો નવાઈ નહીં.

Most Popular

To Top