National

દેશની આ 18 કંપનીઓ નકલી દવા વેચતા પકડાઈ

નવી દિલ્હી: લોકોના સ્વાસ્થય (Health) સાથે ચેડા કરનારી એટલે કે નકલી દવા (Counterfeit medicine) બનાવનારી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે એક કડક પગલું ભર્યું છે. જાણકારી મળી આવી છે કે 203 ફાર્મા કંપનીઓમાંથી (pharma company) 18 કંપનીઓનું લાઈસન્સ (license) રદ કરી દેવામાં આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલ ઓફ ઈંડિયાએ 20 રાજયોમાં 76 દવા બનાવતી કંપનીઓનું નિરિક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે.

દેશભરમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી રહેલી નકલી અને બનાવટી દવા બનાવનાર કંપનીઓ સામે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 18 કંપનીના લાઈસન્સ રદ કરી દીધા છે. આ ઉપરાંત તપાસ કરતા જાણકારી મળી આવી છે કે આ કંપની દવાની કવોલિટી સાથે ચેડા કરી રહી હતી. જેની સીધી અસર માનવ સ્વાસ્થય પર પડે છે. આ ઉપરાંત ડીસીજીઆઈએ 26 ફાર્મા કંપનીને નોટિસ પણ ફટકારી છે. કેન્દ્ર સરકારનું આ અભિયાન છેલ્લાં 15 દિવસથી ચાલી રહ્યું હોવાની જાણ મળી આવી છે.

ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપને કારણે અન્ય દેશોમાં બાળકોના મોત થયા
કેન્દ્ર સરકારે આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના કફ સિરપને કારણે અન્ય દેશોમાં બાળકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા જ ઉઝબેકિસ્તાનમાં મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીની કફ સિરપ ડોક-1 પીવાથી 18 બાળકોના મોત થયા હતા. આ બાળકોના મૃત્યુ પછી, યુપી સરકારે નોઇડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેકનું લાઇસન્સ રદ કર્યું હતું. 12 જાન્યુઆરીના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ઉઝબેકિસ્તાનમાં બે ‘સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ’ (દૂષિત) ઉત્પાદનોને ટાંકીને ચેતવણી પણ જારી કરી હતી. ડબ્લ્યુએચઓ દ્વારા ઉલ્લેખિત બે ઉત્પાદનોમાં એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ સીરપનો સમાવેશ થાય છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને નોટિસ મોકલવામાં આવી
કેન્દ્ર સરકારે જે ફાર્મા કંપનીઓ વિરુદ્ધ આ અભિયાન ચલાવ્યું છે, તેમાં હિમાચલ પ્રદેશની 70, ઉત્તરાખંડની 45 અને મધ્ય પ્રદેશની 23 કંપનીઓને સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ પર નકલી દવાઓ બનાવવાનો આરોપ હતો. ભૂતકાળમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા દવાઓના મામલે એમેઝોન અને ફ્લિપકાર્ટને પણ નોટિસ મોકલવામાં આવી હતી. બંને પર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940નું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને આવી નોટિસ મોકલવામાં આવી હતી.

Most Popular

To Top