National

રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા 2.0’ માટે તૈયાર, આ તારીખે શરૂ કરશે યાત્રા

નવી દિલ્હી: રાહુલ ગાંધીની (RahulGandhi) સંસદમાં વાપસી બાદ કોંગ્રેસ (Congress) એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ રાહુલ તેમની બીજી ‘ભારત જોડો યાત્રા’ (Bharat jodo yatra 2.0) પર જશે. આ યાત્રા ગુજરાત (Gujarat) થી મેઘાલય (Meghalaya)ની રહેશે. રાહુલ ગાંધીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધીની હતી. રાહુલની પ્રથમ ભારત જોડો યાત્રા દક્ષિણથી ઉત્તરની હતી. હવે બીજી ભારત જોડો યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફની રહેશે. હાલમાં આ યાત્રા ક્યારે શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ભારત જોડો યાત્રા ભાગ 2 વિશે આ વાત કહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો, તેથી હવે બીજી ભારત જોડો યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે. નાના પટોલેએ વધુમાં કહ્યું કે જે સમયે રાહુલ ભારત જોડો યાત્રા કાઢશે, તે જ સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ પણ આવી જ યાત્રા કાઢશે.

જો કે રાહુલ ગાંધીએ પહેલી ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ કરી હતી. ત્યારબાદ આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ 4 હજાર કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. જે માટે રાહુલ ગાંધીને 136 દિવસ લાગ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, યુપી, પંજાબમાંથી પસાર થયા હતા.

મોદી અટક બદનક્ષી કેસમાં સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ તા. 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીને તેમનું સાંસદ પદ પાછું મળી ગયું છે. 136 દિવસ બાદ રાહુલને તેમનું સાંસદ પદ પરત મળ્યું છે. આ અગાઉ રાહુલ ગાંધી સંસદ ભવનના ગેટ પર પહોંચ્યા ત્યારે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A ના સાંસદોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ‘રાહુલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ..’, ના નારા સાંસદોએ લગાવ્યા હતા.

આ અગાઉ સુરતની (Surat) કોર્ટે ગઈ તા. 23 માર્ચે મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી, જેના લીધે રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવ્યું હતું. છેલ્લી વખત રાહુલ ગાંધી 24મી માર્ચે સંસદમાં ગયા હતા. દરમિયાન ગઈ તા. 4 ઓગસ્ટના રોજ સુપ્રિમ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે ઓર્ડર (Stay order) આપ્યો હતો. જેથી રાહુલ ગાંધીનું સાંસદ પદ પરત મેળવવાનો રસ્તો સાફ થયો હતો.

Most Popular

To Top