Dakshin Gujarat

કોંગ્રેસી ધારાસભ્ય ઉપર હુમલાના વિરોધમાં વાપી – શામળાજી હાઇવે ચક્કાજામ

વાંસદા : વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) ઉપર ખેરગામમાં થયેલા હુમલાના (Attack) વિરોધમાં આદિવાસી સમાજે મોટી સંખ્યામાં ભેગા થઈ વાપી – શામળાજી હાઇવે (Highway) પર ચક્કાજામ કરી દીધો હતો. વાંસદા – ચીખલીના કોંગ્રેસી (Congress) ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામમાં હુમલો થતા લોકોમાં રોષ ફેલાયો છે. અગાઉ હુમલા બાદ આરોપીઓની પકડવા ૭૨ કલાકનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું. છતા આરોપીઓની ધરપકડ (Arrest) નહીં થતા આદિવાસી સમાજે નેશનલ હાઇવે (National Highway) પર બેસી જઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

  • આરોપીઓની પકડવા ૭૨ કલાકનું અલ્ટીમેટ આપવામાં આવ્યું છતા આરોપીઓની ધરપકડ નહીં થતા લોકોમાં રોષ
  • હાઇવે ચક્કાજામ થતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
  • આરોપીઓની ધરપકડ નહી થાય તો આવનારા સમયમાં તમામ હાઇવે પર ચક્કાજામ કરવાની ચીમકી
  • હુમલાખોરોની ધરપકડ નહિ થતા આદિવાસી સમાજમાં ભભૂકતો આક્રોશ

આ બાબતે આદિવાસી સમાજે વાંસદાના હનુમાનબારીમાં ધારાસભ્યને જે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તે હોસ્પિટલ પાસે વાપી – શામળાજી હાઇવે નં. ૫૬ પર વાંસદા સહિત આજુબાજુના તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા. અને ધારાસભ્ય અનંત પટેલ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પૂજા કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં આરોપીઓની 72 કલાકમાં ધરપકડ કરવામાં આવશે એવું પોલીસે નિવેદન આપ્યું હતું, પરંતુ 72 કલાક વીતી ગયા છતા આરોપીઓની ધરપકડ નહીં થતા આદિવાસી સમાજે પોલીસ, સરકાર વિરોધી નારા લગાવી નેશનલ હાઇવે પર બેસી જઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થતા ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ દરમ્યાન હાઇવે પર બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ આજુબાજુના તાલુકાઓમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવામાં નહી આવે તો આવનારા સમયમાં તમામ હાઇવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top