Vadodara

માત્ર રૂા.17 હજારની ડિસ્પ્લે મંજૂરી કરવા કમિશ્નર ફાઈલ મોકલાઈ

વડોદરા: આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે લેન્ડ ફીલ સાઈટ ઉપર વજન કાંટાની બહાર મોટી ડિસ્પ્લે મુકવાના આદેશ કરાયા છે છતાં તે ડિસ્પ્લે મુકવામાં આવી નથી. આઈ.ટી. વિભાગમાંથી આ અંગેનો અંદાજ કાઢી સોલિડ વેસ્ટ વિભાગના વડાને મોકલી અપાયો છે. ત્યારે માત્ર 17 હજારની ડિસ્પ્લેની મંજૂરી માટે ફાઈલ કમિશ્નરને મોકલાઈ હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા તંત્ર પારદર્શી વહીવટ ઉપર જોર આપી રહી છે. અને દરેક એજન્સી પારદર્શિતા વાપરે તેમ પણ ઈચ્છી રહી છે પરંતુ કેટલીક એજન્સીઓ આ આદેશોને ઘોળીને પી ગઈ છે. આવું જ કઈ લેન્ડ ફીલ સાઈટ ઉપર પણ જોવા મળી રહ્યું છે. એક મહિના અગાઉ લેન્ડ ફીલ સાઈટ ઉપર મોટી ડિસ્પ્લે મુકવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા.

જેથી જે વજન કરવામાં આવે તે બહારની તરફ પણ દેખાય અને તેને નોંધી શકાય પરંતુ આજદિન સુધી આ ડિસ્પ્લે મુકવામાં આવી નથી. પાલિકા દ્વારા જે તે એજન્સીને જે ચુકવણું કરવામાં આવે છે તે વજનને આધારે કરવામાં આવે છે ત્યારે આ વજનમાં પણ ગફલો જોવા મળે છે. અને કેટલાક ડોર ટુ ડોર ના ચાલકો અથવા તો સંચાલકો દ્વારા ગાડીમાં પથ્થરો પણ ભરી દેવામાં આવે છે અને તેનું વજન વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આ ગોટાળો સામે લાવવા માટે જ ડિસ્પ્લે લગાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ આઈ.ટી. વિભાગ દ્વારા આ અંગે 17 હજાર જેટલો ખર્ચ થશે તે માટેનો અભિપ્રાય સોલિડ વેસ્ટ વિભાગના વડાને મોકલી આપવામાં આવ્યો છે. અને ત્યાંથી મંજૂરી માટે કમિશ્નરના ટેબલ ઉપર આ ફાઈલ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ વિલંબ કરવા પાછળ ભ્રષ્ટાચારને વેગ આપવાનો તો નથી ને તેમ પણ ચર્ચાઈ રહયું છે. આ અંગે સોલિડ વેસ્ટ વિભાગના વડા શૈલેષ નાયકનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.

વિલંબ કોને ફાયદો કરાવવા થઇ રહ્યો છે ?
હેડ પાસે ખર્ચ કરવાની સત્તા કે ડિસ્પ્લે લગાવવા એક મહિનાનો સમય વીતી ગયો. અમુક રકમ સુધી જે તે વિભાગના હેડને ખર્ચ કરવાની સત્તા છે. છતાં તેમાં કોઈક ને કોઈક કારણસર વિલંબ થઇ રહ્યો છે. આ વિલંબ કોને ફાયદો કરાવવા થઇ રહ્યો છે તે તપાસનો વિષય છે. – આશિષ જોષી, કોર્પોરેટર

Most Popular

To Top