Vadodara

કોરોના વાઇરસ સામે સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રીલ યોજાઈ

વડોદરા: વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોવીડ – ૧૯ રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે સમગ્ર દેશમાં તા.૧૦ અને ૧૧મી એપ્રિલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે રાજ્યમાં પણ બે દિવસ દરમ્યાન મોકડ્રીલ યોજાનાર છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આજે કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રીલ યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે આ મોકડ્રીલ દરમ્યાન કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઇ.સી.યુ માં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઇને જાત નિરીક્ષણ કરીને સમગ્રતયા પરિસ્થિતિની જાણકારી મેળવવામાં આવી હતી.તેમણે ઉમેર્યું કે હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, દવાનો જથ્થો, વેન્ટિલેટર, આઇ.સી.યુસહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરાઇ હતી.

ભૂતકાળમાં લોકોએ કોરોનાથી વિનાશ જોયો છે
નજીકના ભૂતકાળમાં દેશ અને દુનિયાએ કોરોનાનો વિનાશ જોયો છે. ત્યારે તબીબી સારવાર ઉપરાંત ખાસ મહત્વની સેલ્ફ અવેરનેસ કોવીડ 19 થી બચાવી શકે છે.એ અનુભવ મેળવી લીધા બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે અને તેજ ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ કોવીડ હોસ્પિટલોને સજ્જ રહેવા જણાવ્યું છે.જેના ભાગરૂપે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અચાનક કોવિડ 19ના કેસોમાં વધારો થાય તો હોસ્પિટલ તંત્ર, સ્ટાફ અને જરૂરી ઉપકરણો સજ્જ અને તૈયાર છે તેની ચકાસણીના ભાગરૂપે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું.

Most Popular

To Top