Madhya Gujarat

આણંદના સીએનજી ગેસ સ્ટેશન પર વાહનોને પુરતો પુરવઠો મળશે

આણંદ : આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં સીએનજી ગેસ પુરા પાડતા ચરોતર ગેસ સહકારી મંડળીને જરૂરિયાત કરતા અડધો જ જથ્થો આપવાના કારણે પંપ પર કાપ મુકવામાં આવ્યો હતો. જે પ્રશ્ને લાંબી લડત બાદ પુરતો પુરવઠો મળતો થતાં હવે વાહન ચાલકોને જરૂરિયાત મુજબ જથ્થો મળી રહેશે. ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં નેચર ગેસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સીએનજી અને પીએનજીનું વિતરણમાં છેલ્લા કેટલાક સમયથી પુરતો જથ્થો ન મળતાં મડાગાંઠ સર્જાઇ હતી. મંડળી દ્વારા 42 હજાર ઘરેલું અને ઔદ્યોગિક, કોમર્શિયલ એકમોને જથ્થો પુરો પાડ્યા બાદ બચતો જથ્થો વાહન ચાલકોને પંપો પરથી આપવામાં આવતો હતો. જોકે, પુરતો જથ્થો મળતો ન હોવાથી વાહન ચાલકોને હાલાકી પડતી હતી. આ અંગે ચરોતર ગેસ દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી.

જેમાં કેન્દ્ર સરકારમાં સાંસદ મિતેશભાઇ પટેલ, દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ પુરતો જથ્થો આપવા જણાવ્યું હતું. જેના પગલે 16મી મેથી ગેઇલ (ઇ) લીમીટેડ દ્વારા ગેસનો વધારાનો જથ્થો ચરોતર ગેસને મળવાથી રીક્ષા તેમજ કાર માલિકોમાં આનંદની લાગણી જન્મી છે. જેથી ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડના ચાર મધર ગેસ સ્ટેશન વિઠ્ઠલ ઉદ્યોગનગર, ગાના, મોગર અને પરવટા ખાતે તેમજ ચરોતર ગેસના ડોટર બુસ્ટર સ્ટેશન લાંભવેલ, ઓડ, વાસદ, ભાલેજ, ગામડી અને જીટોડીયાના ગ્રાહકોને પડતી હાલાકીમાં સુખદ અંત આવ્યો છે. ચરોતર ગેસના ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે. પટેલે જણાવ્યું હતું કે, પુરતો ગેસનો જથ્થો મળવાથી વાહન ચાલકોને કોઇ અગવડ નહીં પડે અને પુરતો ગેસ પુરી પાડવામાં આવશે.

Most Popular

To Top