Gujarat

પાણીની વેલ્યુ સમજી આવનારા સમય માટે પાણી બચાવવું સૌની નૈતિક ફરજ છે – દાદા

ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું તેનો પ્રતિસાદ આપતાં તેમણે કહયું હતું કે પાણીની વેલ્યુ સમજીને આવનારા સમય માટે પાણી બચાવવું એ સૌની નૈતિક ફરજ છે. એટલું જ નહિ, ઓછા પાણીએ વધુ ખેતી અને સિંચાઇ માટે ડ્રીપ ઇરીગેશન-ટપક સિંચાઇનો વ્યાપ વધારી હરિયાળી ક્રાંતિ વેગવંતી બનાવવા પણ તેમણે આહવાન કર્યુ છે. રાજ્યના બધા જ ૩૩ જિલ્લાઓની અંદાજે ર૮૬ ઉપરાંતની ઉદ્દવહન પિયત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ આ અભિવાદનમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે લિફટ ઇરીગેશન તથા ડ્રીપ ઇરીગેશન સહિત ઉદ્દવહન પિયત સહકારી મંડળીઓ માટે જે ઉદાત્ત અભિગમ સિંચાઇ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની ઓછી સુવિધા વાળા વિસ્તારોમાં સિંચાઇ સુવિધા વધારવા, માળખાકીય સુવિધા ઊભી કરવા અંગે દાખવ્યો છે તે અંગે ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત અને ભારતે વિશ્વમાં વિકાસની આગવી ઓળખ ઊભી કરી છે. ”આપણે તેનો પૂરો લાભ લઇને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ ના મંત્ર સાથે કર્તવ્યરત રહીએ” એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

Most Popular

To Top